Dakshin Gujarat

વલસાડની સરકારી અને ખાનગી હોસ્પિટલો તો નવસારીમાં સ્કૂલોને ફાયર વિભાગે સીલ મારી દીધા

ફાયર સેફ્ટીના સાધનો નહીં રાખનાર ખાનગી ઈમારતો પાસે મસમોટા દંડ ઉઘરાવવામાં આવે છે પરંતુ સરકારી ઈમારતો પર કોઈ ધ્યાન રાખતું નથી. રોજ હજારો લોકોની અવરજવર થતી હોય તેવા સરકારી હોસ્પિટલો અને શાળાઓમાં ફાયર સેફ્ટીના નામે મીંડું જ જોવા મળે છે. વલસાડ અને નવસારીની સરકારી ઈમારતોમાં ફાયર સુરક્ષા મામલે લોલંમલોલ જ છે.

શુક્રવારે ફાયર વિભાગે સરપ્રાઈઝ વિઝીટ કરતા વલસાડની સરકારી અને ખાનગી હોસ્પિટલો તથા નવસારી-વિજલપોરની સ્કૂલોમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો. (Fire Department Seal Valsad Government Hospital And Navsari Schools due to fire safety reason ) ફાયર વિભાગે ઈમારતોને સીલ કરી દીધી છે. વલસાડ નગરપાલિકા દ્વારા શુક્રવારે ફાયર એન.ઓ.સી નહીં મેળવેલી વલસાડની 8 હોસ્પિટલ સામે કાર્યવાહી કરાઈ હતી. જેમાં ત્રણ હોસ્પિટલને સીલ કરવામાં આવી હતી, જ્યારે અન્યને નોટિસ આપવામાં આવી હતી. કાર્યવાહીમાં સરકારી આર્યુવેદીક હોસ્પિટલ અને વેસ્ટર્ન રેલવે હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે.

  • વલસાડમાં 21 સેન્ચુરી હોસ્પિટલ, સંજીવની હોસ્પિટલ, સંસ્કાર હોસ્પિટલને નોટિસ
  • ખાનગી હોસ્પિટલમાં કોઠારી મેડીકેર હોસ્પિટલ, ડો.બીનાબેન અસિતભાઈ નાયક, ડો.દલવાડી આઈ હોસ્પિટલને સીલ કરાઈ છે.
  • હોસ્પિટલમાં ઇમરજન્સી દર્દી હોવાથી નોટિસ આપી નવા દર્દી દાખલ નહીં કરવા જણાવ્યું છે, તેમાં 21 સેન્ચુરી હોસ્પિટલ, સંજીવની હોસ્પિટલ, સંસ્કાર હોસ્પિટલ અબ્રામાનો સમાવેશ થાય છે.
  • ફાયર સેફ્ટિના અભાવે નવસારી-વિજલપોરની 4 શાળા સીલ: સંસ્કાર ભારતી સ્કૂલ, વિદ્યાકુંજ સ્કૂલ, વિદ્યાભારતી સ્કૂલ અને સર જે.જે. સ્કૂલ સીલ કરી દેવાઇ

નગરપાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ વડી કચેરીની સૂચના અન્વયે ફાયર એન.ઓ.સી નહીં મેળવેલી વલસાડની 2 સરકારી હોસ્પિટલ અને 6 ખાનગી હોસ્પિટલોને પાલિકાના અધિકારીઓએ નોટિસ આપવા સાથે સીલ કરવા સહિતની કાર્યવાહી કરી હતી. નોંધનીય છે કે પાલિકાના ટાઉન પ્લાનિંગ ઈજનેર, ચીફ ઈજનેર હિતેશ પટેલ, અધિકારી રમણ રાઠોડની ટીમ દ્વારા કામગીરી કરાઈ હતી. વલસાડ દમણ ગંગા કોલોનીમાં આવેલી સરકારી આર્યુવેદીક હોસ્પિટલમાં મેડિકલ ઓફિસરની કેબિનને સીલ કરાઈ છે, જ્યારે રેલવે કોલોનીમાં આવેલી રેલવે હોસ્પિટલમાં ચીફ મેડિકલ સુપ્રિટેન્ડન્ટની કેબિનને સીલ કરાઈ છે.

આ તરફ નવસારી શહેરમાં ફાયર સેફ્ટિનો મુદ્દો ફરી ઉઠ્યો છે. નવસારી-વિજલપોર નગરપાલિકાના ફાયર વિભાગ ખાસ કરીને નવસારી શહેરની શાળાઓને ચકાસી રહી છે. જોકે નગરપાલિકાએ શાળાઓમાં બાળકોની સેફ્ટિને લઈ ફાયર સેફટી મુદ્દે શાળાઓને નોટિસ આપી હતી. પરંતુ શાળાઓએ ફાયર સેફટીની સુવિધા કરી કે નહીં તે માટે પાલિકા ચકાસણી કરી રહી છે.

શુક્રવારે નવસારી-વિજલપોર નગરપાલિકાના ફાયર વિભાગે શહેરની શાળાઓમાં ચકાસણી શરૂ કરી હતી. જેમાં આશાપુરી મંદિર પાસે આવેલી સંસ્કાર ભારતી સ્કૂલ, વિદ્યાકુંજ સ્કૂલ, વિદ્યાભારતી સ્કૂલ અને સર જે.જે. સ્કૂલમાં ફાયર સેફટી ન હોવાથી પાલિકાએ ચારેય સ્કૂલ સીલ કરી દીધી હતી. હજી બાકીની અન્ય સ્કૂલોમાં આવતી કાલે ચકાસણી કરવામાં આવશે. જેમાં વધુ શાળાઓ સીલ થાય એવી સંભાવના છે. નગરપાલિકાના આ પગલાને લીધે શહેરની શાળાઓ તેમજ એપાર્ટમેન્ટોના રહીશોમાં વધુ ફફડાટ જોવા મળ્યો છે. અગાઉ નગરપાલિકાએ ફાયર સેફટીની સુવિધાને લઈ 2 હોસ્પિટલો સીલ કરી હતી.

ફાયર NOC નહીં લેનાર સરકારી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટની ઓફિસ સીલ

ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં ફાયર NOC મેળવવા માટે છેલ્લા ઘણા સમયથી હોસ્પિટલો તથા બિલ્ડિંગોને નોટિસો આપવામાં આવી હોવા છતાં ફાયર સેફ્ટીની સુવિધા ઊભી કરવામાં આવી નથી. ઉમરગામ નગરપાલિકા દ્વારા રેફરલ હોસ્પિટલ અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરને આ બાબતે નોટિસ પણ મોકલવામાં આવી હતી. તેમ છતાં ફાયર સેફ્ટીના કોઇ જ પગલાં લેવામાં આવ્યા ન હતા. જેથી પાલિકા દ્વારા લાલ આંખ કરવામાં આવી છે અને તાજેતરમાં રેફરલ હોસ્પિટલ સામુહિક આરોગ્ય કેન્દ્રના સુપ્રિટેન્ડન્ટની ઓફીસ સીલ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉમરગામ નગરપાલિકા દ્વારા ફાયર NOC નહીં ધરાવનાર સરકારી હોસ્પિટલ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પરંતુ ઘણી બિલ્ડીંગ અને હાઇરાઇઝ બિલ્ડીંગો સામે હજી સુધી ફાયર NOC ના મુદ્દે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી અને માત્ર નોટિસો આપી સંતોષ માનવામાં આવી રહ્યો છે. જેથી પાલિકાના બેવડા વલણ સામે શંકા-કુશંકા ઉઠી છે.

Most Popular

To Top