પૂણે : દેશ માટે ખરાબ સમાચાર આવ્યા છે. પૂણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાની (Serum Institute of India -SII) બિલ્ડીંગમાં આગ લાગી છે, કહેવામાં આવી રહ્યુ છે કે રસીના જથ્થાને કોઇ અસર થઇ નથી. દૂર્ઘટનામાં 5 લોકોના મોત નિપજ્યા છે. મૃતકમાં એક મહિલા પણ સામેલ છે. 6 કર્મચારીઓને સુરક્ષિત રીતે કાઢવામાં આવ્યા છે. આગ BCCG વેક્સિનની લેબમાં લાગી હતી. આગ પર કાબૂ મેળવ્યા બાદ જ્યારે તપાસ કરવામાં આવી તો 5 મૃતદેહ મળી આવ્યા હતા. ભારતમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણ કાર્યક્રમ (Corona Vaccination Drive in India) શરૂ થઇ ગયે છે, જેમાં પહેલા તબક્કામાં 3 કરોડ લોકોને રસી આપવાનું સરકારનું લક્ષ્ય છે.
ભારતમાં કોરોના વાયરસની વેક્સિન બનાવનાર સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા (SII) માં આગ લાગવાની ઘટના સામે આવી છે. પુણે સ્થિત સીરમના ટર્મિનલ ગેટ 1 પર આગ લાગી છે. આગની માહિતી પ્રાપ્ત થતા ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. પરંતુ આ દુર્ઘટનામાં કુલ પાંચ લોકોના મૃત્યુ થયા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તપાસના આદેશ આપ્યા છે. SIIના CEO અદાર પૂનાવાલાએ કહ્યું કે દુર્ભાગ્યથી કેટલાંક લોકોના જીવ આ દૂર્ઘટનામાં ગઈ છે. જેનું અમને ઘણું જ દુઃખ છે.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે, પ્રાપ્ત જાણકારી અનુસાર આગ કાબુમાં છે. તેમણે કહ્યુ કે, કોવિડ વેક્સિનના યુનિટમાં આગ લાગી નથી. ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે, મેં કલેક્ટર અને મેયર સાથે વાત કરી છે. આગ નિયંત્રણમાં છે. 6 લોકોને બચાવવામાં આવ્યા છે. તો પુણેના મેયરે કહ્યુ કે, આ દુર્ઘટનામાં 5 લોકોના મૃત્યુ થયા છે. આ લોકો પ્લાન્ટમાં કામ કરી રહેલા મજૂરો હતા. સીએમ ઠાકરેએ કહ્યુ કે, ઇમારતમાં બીસીજી વેક્સિન બનતી હતી અને તેને કોવિશીલ્ડ સાથે કોઈ લેવા દેવા નથી. તેમણે કહ્યું કે, આગ લાગવાના કારણોની તપાસ થશે.
SII છેલ્લા ઘણા સમયથી ઑક્સવર્ડ-એસ્ટ્રાઝેનેકા (CoviShield, Oxford- Astrazeneca) સાથે મળીને કોવિશિલ્ડ રસી પર કામ કરી રહ્યુ હતુ, જેના સફળ પરીક્ષણો બાદ ભારતમાં 3 જાન્યુઆરીએ તાત્કાલિક ઉપયોગની મંજૂરી મળી હતી. ભારત સિવાય SIIને ઘણા દેશોમાં કોરોના રસી પહોંચાડવાનો ઓર્ડર મળ્યો છે. જણાવી દઇએ કે નેપાળ ્ને પાકિસ્તાનમાં પણ કોવિશિલ્ડના ઉપયોગને મંજૂરી મળી છે.