SURAT

સુરત: ગોલવાડમાં ત્રણ માળના મકાનમાં લાગી આગ, ત્રણ કલાકે આગ કાબૂમાં આવી

સુરત: સુરતના (Surat) નવાપુરા (Navapur) વિસ્તારમાં આજે સવારે આગ (Fire) લાગી હોવાની ઘટના બની હતી. રેસિડેન્સિયલ વિસ્તારમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. આગ લાગ્યાની જાણ થતા જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ત્રણ માળના મકાનમાં ત્રીજા માળે આગ લાગતા ફાયર ફાયટરોને આગ પર કાબૂ મેળવતા લગભગ અઢીથી ત્રણ કલાક જેટલો સમય લાગ્યો હતો. ત્યારે આ ત્રણ માળના મકાનમાં સેકેન્ડ ફ્લોરમાં ત્રણ મહિલાઓ એકલી જ રહે છે, જેમનો આબાદ બચાવ થયો હતો. પરંતુ ઘરવખરી તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો.

નવાપુરાના ગોલવાડ વિસ્તારમાં ભાતની પીઠ કરવા રોડ પર રેસિડેન્સિયલ વિસ્તારમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. મળતી માહિતી અનુસાર સવારે 9 વાગ્યાની આસપાસ કોઈ કારણોસર ત્રીજા માળે આગ લાગી હતી. જ્યારે ધુમાડો સાથે આગે વિકારળ સ્વરૂપ ધારણ કર્યું ત્યારે આસપાસના લોકોને આગ લાગી હોવાની જાણ થઈ હતી. બીજા માળ પર દમયનતીબેન ચંપકલાલ રાણા, મીના બેન સતીષભાઈ રાણા, મોનાબેન સતીષભાઈ રાણા એમ ત્રણ મહિલાઓ એકલી જ રહે છે, આસપાસના લોકોએ બૂમાબૂમ કરી તેમને જાણ કરી હતી. જીવ બચાવવા માટે ત્રણેય મહિલાઓ નીચે ઉતરી ગઈ હતી. અને ત્યાર બાદ ફાયર વિભાગને આગ લાગી હોવાની જાણ કરવામાં આવી હતી. ફાયક વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચે આગને કાબૂમાં મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.

લાકડાના ઘર હોવાથી આગ ઝડપીભેર પ્રસરી
ગોલવાડ વિસ્તારમાં લાકડાના ઘર હોવાથી જો આગ જેવી કોઈ દુર્ઘટના બને છે તો તેને કાબૂ કરવી ઘણી મુશ્કેલ બને છેે. ફાયર વિભાગના અધિકારી મહેશ પટેલ પાસેથી મળતી માહિતી અનુસાર ત્રણ માળના મકાનમાં ત્રીજા માળે આગ લાગી હતી. આગ લાગ્યાનો કોલ મળતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. લાકડાના ઘર હોવાના કારણે આગ ઝડપથી પ્રસરી રહી હતી. જેના કારણે જોત જોતામાં આગ બીજા સુધી પ્રસરી ગઈ હતી. બીજા માળ પર ત્રણ મહિલાઓ એકલી જ રહે છે. અને પ્રથમ માળ ખાલી છે. આગના કારણે બીજા માળનો તમામ ઘરવખરી સામાન બળી ગયો હતો. મહિલાઓને આગ લાગ્યાની જાણ થતા મહિલાઓ જીવ બચાવી નીચે ઉતરી ગયા હતા.

લગભગ આગ પર કાબૂ મેળવવા 3 કલાક જેટલો સમય લાગ્યો હતો. આગ લાગવાના કારણે આસપાસના લોકોમાં પણ ભય જોવા મળ્યો હતો. ત્રીજા માળની આગે બાજુના મકાને પણ ઝપેટમાં લીધું હતું. મહિલાઓના જણાવ્યા અનુસાર ત્રીજો માળ પણ બંધ હતો. અને પ્રથમ માળ પણ બંધ હતો. જો કે ત્રીજા માળ પર આગ ક્યા કારણોસર લાગી છે તે હજી જાણી શકાયું નથી.

Most Popular

To Top