સુરતમાં ઉનાળાની શરૂઆત હજુ થઈ પણ નથી ત્યાં આગના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે એક જ દિવસમાં શહેરમાં ત્રણ અલગ અલગ ઠેકાણે આગ લાગી હતી. શહેરના બે અલગ અલગ વિસ્તારમાં બે મકાનોમાં તથા શિવશક્તિ માર્કેટમાં આગ લાગી હતી.
વહેલી સવારે આગનો બનાવ બન્યો હતો. જેની જાણ સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને કરવામાં આવી હતી. પાંચ માળની બિલ્ડીંગ ભયાવહ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. જેથી 8થી વધુ ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. જેણે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લીધો હતો. આગમાં સદ્નસીબે કોઈ જાનહાનિ સર્જાઈ નથી.
જો કે, ભીષણ આગમાં મકાનનો માલ સામાન બળીને ખાક થઈ ગયો હતો. બીજી ઘટનામાં બેગમપુરા વિસ્તારમાં વહેલી સવારે બન્યો આગનો બનાવ બન્યો હતો. બેગમપુરામાં હાથી ફળીયા વિસ્તારમાં મકાનમાં ભીષણ આગ લાગતા આસપાસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ભારે જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો.

હાથી ફળિયામાં ગ્રાઉન્ડ પ્લસ બે માળના બંધ મકાનમાં આગ લાગી હતી. શોર્ટ સર્કીટથી મકાનમાં આગ લાગી હતી અને મકાનમાં આગ પ્રસરી જતા આખું મકાન આગની ઝપેટમાં આવી ગયું હતી. જેથી મકાનમાં રહેલા જરીના ફિરકા, મીટર પેટી, વાયરીંગ, કપડા, સિલાઈ મશીન તેમજ પ્લાસ્ટિકના રોલનો જથ્થો સળગી ગયો હતો. બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી જેથી ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે જઈને આગ પર કાબૂ મેળવ્યો હતો.
મકાનમાં આગના કારણે આસપાસ આવેલા ત્રણ જેટલા મકાનમાં પણ આગની જ્વાળા લાગતા નુકસાન થયું હતું. જેમાં એક મકાનમાં વાયરીંગ તેમજ ટોયલેટના દરવાજા, પાણીની પાઈપ લાઈનને નુકસાન થયું હતું. જયારે અન્ય એક મકાનમાં બારી-બારણા અને વાયરીંગ સળગી ગયા હતા, તેમજ પાણીની પાઈપ લાઈન તેમજ ટીવી તથા અન્ય ઇલેક્ટ્રિક વસ્તુઓને ધુમાડાના કારણે નુકસાન થયું હતું. જ્યારે ત્રીજા મકાનમાં ડ્રેનેજ લાઈન, પાણીની પાઈપ, બારીના સ્લાઈડરને નુકશાન થયું હતું અને સ્લેબ ફાટી ગયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ના હતી.

બપોરે શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં આગ લાગી હતી. અહીં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. કર્મચારીઓ માર્કેટની બહાર દોડી ગયા હતા. ફાયર બ્રિગેડે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો.
