શહેરના જહાંગીરાબાદ વિસ્તારમાં મધરાત્રે આગજનીની ઘટના બની હતી. અહીંના એક એપાર્ટમેન્ટના ત્રીજા માળના ફ્લેટમાં આગ લાગી હતી. ઘરના કિચનમાં આગ લાગી હતી. આગ લાગતા જ પરિવાર હાંફળોફાંફળો થઈ ગયો હતો. ઊંઘમાંથી ઉઠી જીવ બચાવવા હવાતિયા માર્યા હતા. પરંતુ ક્યાંયથી બહાર નીકળી શકતા નહોતા. આખરે ફાયર બ્રિગેડ પહોંચતા ગેલેરીમાંથી લેડરની મદદથી પરિવારનું રેસ્ક્યુ કરાયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર જહાંગીરાબાદ ખાતે આવેલા વૈષ્ણોદેવી બ્લૂ બિલ્સ એપાર્ટમેન્ટની બી બિલ્ડિંગના ત્રીજા માળે આવેલા 302 નંબરના ફ્લેટમાં આગ લાગી હતી. આ ફ્લેટમાં 48 વર્ષીય વિનોદ પટેલ પરિવાર સાથે રહે છે. પત્ની, બે પુત્ર અને વિનોદભાઈ રાત્રે ઘરમાં સૂતા હતા ત્યારે 3.26 કલાકે એકાએક કિચનમાં આગ લાગી હતી. આગ કિચનના ભાગે લાગવાના કારણે સંપૂર્ણ મકાનમાં ધુમાડો ફેલાઈ ગયો હતો, જેથી પરિવારના ચાર લોકો ઘરની બહાર નહીં નીકળી શકતા નહોતા. પરિવાર રૂમની બહાર પણ નીકળી ન શકતો હોય ઘરની બહાર જવાનો પ્રશ્ન ઉભો થતો ન હતો. આખો રૂમની ગેલરીમાં ફસાઈ ગયો હતો.
આગનો કોલ મળતા ફાયર બ્રિગેડ તરત જ ઘટના સ્થળે દોડી ગયું હતું. મોરાભાગળ, પાલનપુર અને અડાજણ ફાયર સ્ટેશનના લાશ્કરો દોડી ગયા હતા. અડાજણ ફાયર સ્ટેશનથી હાઇડ્રોલિક પ્લેટફોર્મ પણ મોકલવામાં આવ્યું હતું.
પરિવારગેલેરીમાં ફસાયો હોય સૌ પ્રથમ રેસ્ક્યુની કામગીરી કરાઈ હતી. ફાયર એન્જિન 302 નંબરના ફ્લેટની પાછળ આવેલી ગેલેરી નીચે સેટ કરાયું હતું. 35 ફૂટના લેડરની મદદથી ફાયરના જવાનોએ વિનોદ પટેલ (ઉં. વ. 48), તેમના પત્ની માયાબેન પટેલ (ઉં.વ. 47), પુત્રો નંદન (ઉં.વ. 26) અને કશ્યપ (ઉં.વ. 22)ને ત્રીજા માળની ગેલરીમાંથી સહીસલામત નીચે ઊતર્યા હતાં અને ત્યારબાદ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.
ફાયરની ટીમ દ્વારા લગભગ એકથી દોઢ કલાકમાં બચાવ અને આગ ઓલવવાની કામગીરી પૂર્ણ કરી હતી, જેથી સૌકોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. પરિવારના ચારેય સભ્યોને 108 બોલાવીને પ્રાથમિક સારવાર પણ આપવામાં આવી હતી. પરિવાર ખૂબ જ ગભરાઈ ગયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
ફાયર ઓફિસર ધવલ મોહિતેએ કહ્યું કે આગ રસોડામાં લાગી હતી. રસોડું અને હોલ બાજુબાજુમાં હોય ઘરનો મુખ્ય દરવાજામાંથી પ્રવેશ કરવાની કોઈ શક્યતા ન હતી. તેથી પાછળની સાઈડથી પરિવારનું રેસ્ક્યૂ કરીને આગ ઓલવવાની કામગીરી કરાઈ હતી. ફ્રિજમાં શોર્ટસર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. આગમાં રસોડાનો તમામ સામાન અને હોલમાં રહેલા તમામ ફર્નિચર સહિતના સામાન બળીને ખાખ થઈ ગયો છે.