નવી દિલ્હી: (New Delhi) દિલ્હીમાં ચાલતી ટ્રેનમાં (Train) આગ લાગવાથી અફરાતફરી મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ તાજ એક્સપ્રેસ ટ્રેન નંબર 12280ની ત્રણ બોગીમાં ભીષણ આગ લાગી હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ મુસાફરને નુકસાન થયું નથી. હાલ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. આગ કેવી રીતે લાગી તે અંગેની માહિતી હજુ સામે આવી નથી.
દિલ્હીના ઓખલા રેલવે સ્ટેશન પર તાજ એક્સપ્રેસમાં આગ લાગવાનો મામલો સામે આવ્યો છે. દિલ્હીના સરિતા વિહાર વિસ્તારમાં પેસેન્જર ટ્રેનના કોચમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટના સાંજે 4.24 કલાકે બની હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લીધી હતી. આગના કારણે કોઈ જાનહાનિના અહેવાલ નથી. ટ્રેન ઝાંસી જવા નીકળી હતી.
જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે 12280 તાજ એક્સપ્રેસ ટ્રેન ઓખલા-તુગલકાબાદ બ્લોક સેક્શન પર પહોંચી ત્યારે ત્રણ ડબ્બાઓમાં આગ લાગી હતી. આગની માહિતી મળતાની સાથે જ સાવચેતીના ભાગરૂપે ટ્રેનના બાકીના ભાગને લગેજ કમ્પાર્ટમેન્ટથી અલગ કરી દેવામાં આવ્યો હતો. ડીઆરએમ દિલ્હી અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
દિલ્હી ફાયર સર્વિસના ડિરેક્ટર અતુલ ગર્ગનું કહેવું છે કે આગમાં કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર બ્રિગેડના જવાનો આગ પર કાબૂ મેળવવામાં વ્યસ્ત છે. D-3, D-4 અને D-2 નંબરની બોગીના નાના ભાગમાં આગ લાગી હતી. આગના કારણે આ રૂટ પરની ચાર જેટલી ટ્રેનોના સંચાલનને અસર થઈ હતી. અન્ય ટ્રેનોના મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
દિલ્હી ફાયર સર્વિસ (DFS)ના એક અધિકારીએ જણાવ્યું કે અમને સાંજે 4.24 કલાકે તાજ એક્સપ્રેસના કોચમાં આગની માહિતી મળી હતી. આગને કાબૂમાં લેવા માટે આઠ ફાયર ટેન્ડરોને સ્થળ પર મોકલવામાં આવ્યા હતા અને હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.