SURAT

સુરતની શિવશક્તિ માર્કેટમાં આગ લાગી, ગૂંગળાઈ જતા એકનું મોત, ટ્રાફિકમાં ફાયરની ગાડીઓ અટવાઈ

ઉનાળાની શરૂઆત સાથે સુરતમાં આગની ઘટનાઓ શરૂ થઈ ગઈ છે. ગઈકાલે રાતે નાનપુરાના એક મકાનમાં, આજે સવારે બેગમપુરાના મકાનમાં આગ લાગી હતી. ત્યાર બાદ બપોરે રિંગરોડ પર આવેલી શિવશક્તિ માર્કેટમાં આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઈ હતી.

રિંગરોડ પર આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં આગ લાગી હતી. આજે બપોરે માર્કેટમાં ખરો વેપારનો સમય હોવાના કારણે મોટી સંખ્યામાં લોકો માર્કેટની અંદર હતા. એકાએક આગ લાગતા જીવ બચાવવા લોકો બહાર ભાગ્યા હતા. જોકે, ધુમાડામાં ગૂંગળાઈ જવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.

આગ લાગવાની જાણ થતાં જ ફાયર વિભાગની 20થી 25 ગાડીઓ સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. ACના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે. ફાયરનાં સાધનો લગાવવામાં આવ્યાં છે પરંતુ તે કાર્યરત ન હોવાનું જાણવા મળ્યું છે.

બેઝમેન્ટની ચાર-પાંચ દુકાનો સળગી ઉઠી
શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટના બેઝમેન્ટમાં આવેલી ચારથી પાંચ દુકાનોમાં આગ ભભૂકી હતી. બેઝમેન્ટમાં આગ લાગવાને કારણે ધુમાડો મોટા પ્રમાણમાં પ્રસરી ગયો હતો. જેના કારણે ઘટના સમયે માર્કેટમાં મોટી સંખ્યામાં લોકો ગૂંગળામણ અનુભવી રહ્યા હતા. ધુમાડો વધુ હોવાને કારણે લોકો જીવ બચાવવા માટે બહારની તરફ ભાગ્યા હતા. જોકે, એક વ્યક્તિનું ગૂંગળામણના લીધે મોત થયું હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે.

ફાયર ઓફિસરે શું કહ્યું?
ફાયરના અધિકારી કિષ્ના મોઢે કહ્યું, શિવશક્તિ માર્કેટના બેઝમેન્ટની દુકાનમાં એસીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક સ્તરે લાગી રહ્યું છે. આગ લાગી ત્યારે બેઝમેન્ટમાં 50થી વધુ લોકો હતા. દુકાનના માલિકો અને ગ્રાહકો, વેપારીઓ આગ લાગતાની સાથે જ પોતાની રીતે બહાર દોડી ગયા હતા. ફસાયેલા લોકોને ફાયરના લાશ્કરોએ બહાર કાઢ્યા હતા. આગ અંદર પ્રસરી ગઈ હતી. 20થી 25 જેટલી ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવી લેવાયો છે.

ટ્રાફિકના લીધે ફાયરની ગાડીઓ અટવાઈ
રિંગરોડ ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારમાં હંમેશા ખૂબ ટ્રાફિક રહેતો હોય છે. અહીં રસ્તા પર આડેધડ પાર્કિંગ, લારી, ટેમ્પોના દબાણના લીધે રસ્તા પર વાહનો ચલાવવામાં મુશ્કેલી પડતી હોય છે. બપોરના સમયે રાહદારીઓની અવરજવર પણ વધુ હોય છે. આવા સમયે આગ લાગતા ફાયર બ્રિગેડની મુશ્કેલી વધી હતી. લોકો આગની ઘટના જોવા માટે ટોળું વળતા દૂર સુધી ટ્રાફિક જામ થયો હતો અને ફાયરની ગાડીઓને ઘટના સ્થળ સુધી પહોંચવામાં અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

Most Popular

To Top