નડિયાદ: મહુધા તાલુકાના ચુણેલ નજીકથી પસાર થતી જાનૈયાઓ ભરેલી એક લક્ઝરી બસમાં એકાએક આગ લાગતાં અફરાતફરી મચી હતી. જોકે, બસચાલકની સમયસુચકતાને પગલે બસમાં સવાર તમામ જાનૈયાઓનો બચાવ થયો હતો.
આણંદ જિલ્લાના બેડવા ગામેથી લગ્નપ્રસંગ માટે રાજસ્થાનના કાકરોલી ખાતે જઈ રહેલી જાનૈયાઓ ભરેલી એક લક્ઝરી બસ બુધવારે મહુધા તાલુકાના ચુણેલ નજીકથી પસાર થઈ રહી હતી. દરમિયાન આ લક્ઝરી બસમાં કોઈ અગમ્ય કારણોસર એકાએક આગ લાગી હતી.
જેને પગલે બસમાં સવાર તમામ જાનૈયાઓના જીવ તાળવે ચોંટ્યાં હતાં. જોકે, લક્ઝરીબસના ચાલકે સમયસુચકતા વાપરી તરત જ રોડની સાઈડમાં બસ ઉભી રાખી દીધી હતી અને આગ વિકરાળ બને તે પહેલાં જ બસમાં સવાર તમામ જાનૈયાઓને સહીસલામત બહાર કાઢ્યાં હતાં. જે બાદ જાનૈયાઓનો કેટલોક કિંમતી સરસામાન પણ ઉતારી લેવામાં આવ્યો હતો. જેની ગણતરીની મિનીટો બાદ આગ વિકરાળ બની હતી અને આખી બસ ભડભડ સળગી ઉઠી હતી. બનાવની જાણ થતાં મહુધા તેમજ નડિયાદ ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.