ગોપીપુરામાં ગણપતિની મૂર્તિ બનાવતા મંડપમાં આગ લાગી, મુસ્લિમ યુવકોએ આગ ઓલવવામાં ફાયરની મદદ કરી
વર્તમાન સમયની વાત કરીએ તો દેશમાં કેટલાક સમાજ કંટકો પોતાના અંગત સ્વાર્થ માટે નફરતની આગ ફેલાવી રહ્યા છે. આ પરિસ્થિતિઓ રમઝાન માસમાં સુરત શહેરમાં સાંપ્રદાયિક સૌહાર્દનાં દર્શન થયા હતા. શહેરના ગોપીપુરા વિસ્તારમા આજે મળસ્કે ગણપતિ દાદાની મૂર્તિ બનાવવાના મંડપમાં આગ લાગી ગઈ હતી. આગની ભીષણ જવાળાઓ દેખાવવા લાગી હતી.
આગ વધુ નહી પ્રસરે અને ગણપતિ દાદાની મૂર્તિઓને નુકસાન નહી થાય તેવા હેતુ સાથે ત્યાંથી પસાર થઈ રહેલા મુસ્લિમ યુવાનોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને કોલ કરીને જાણ કરી હતી. એટલુ જ નહીં નજીકમાં પડેલા રીક્ષા અને ટેમ્પા સહિતના વાહનોને પણ આગથી બચાવી લીધા હતા. ઘટના અંગે સમસયર જાણ કરી ગંગા જમુના તેહઝીબનો એક સરસ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
ફાયર બ્રિગેડના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગોપીપુરા ખાતે આવેલ એનીબેસંટ હોલની સામે લાકડના બાંબુ અને તાડપત્રીના મંડપ બનાવી તેની અદંર ગણપતી દાદાની મૂર્તિઓ બનાવવામાં આવે છે.
દરમ્યાન આજે મળસ્કે 4.12 મીનીટે આ મંડપમાં અચાનક આગ ફાટી નીકળી હતી. બાંબુ અને તાડપત્રીને લીધે આગ ઝડપથી લાગુ તેવી જવાળાઓ દેખાવવા લાગી હતી. તે સમયે આસિફ નામની વ્યક્તિએ તાત્કાલિક ફાયર કંટ્રોલને કોલ કરીને ઘટના અંગે જાણ કરી હતી તેમજ સાથેના અન્ય મુસ્લિમ યુવાઓ હસન, અશરફ, અબ્દુલ હસીબ મલેક, મુઆવિયા શેખ, અબરાર પઠાન, મુહામીદ અશરફ, હાઝિક અશરફ નાઓએ ભેગા મળી આગની લપેટો નજીક જ પડેલી ઓટો રિક્ષા તેમજ ટેમ્પોને સાઈડ પર કરી દીધા હતા જેથી બંને વાહનો આગની લપેટમાં આવતા અને નુકસાન થતા બચી ગયા હતા.
બીજી બાજુ કોલ મળતાની સાથે જ ફાયરના લાશ્કરો ઘટના સ્થળે જવા રવાના થયા હતા જેમને સ્થળ સુધી પહોંચાડવા પણ આ મુસ્લિમ યુવાઓએ મદદ કરી હતી.ફાયર ઓફિસર બળવંત સીગે જણાવ્યું હતું કે ઘટના સ્થળે પહોંચીને અમારી ટીમે 10 થી 15 મીનીટના ગણતરીના સમયમાં આગ ઓલવી દીધી હતી જેથી મોટું નુકસાન થતા બચી ગયું હતું. જયારે બીજી બાજુ આજના સમયમાં ગંગા-જમુના તહેઝીબનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરુ પાડતા મુસ્લિમ યુવાઓએ કોઈ પણ નાતિ-જ્ઞાતિની ચિંતા કર્યા વિના ગણપતિ દાદાના મંડપને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. હાજર લોકોએ મુસ્લિમ યુવકોની હિંમત અને કામગીરીને બિરદાવી હતી.
ફાયર ઓફિસર બળવંતભાઈએ જણાવ્યું હતું આગની ઘટના અંગે કોલ મળતા જ અમારી ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને આગને કંટ્રોલમાં લેવાની કામગીરી શરૂ કરી દીધી હતી. લાકડાના બાંબુ અને તાડપત્રીથી બનેલા મંડપમાં આગ વધુ પ્રસરી રહી હતી.
જોકે ગણતરીની મીનીટોમાં આગ ઓલવી લેવામાં આવી હતી. મંડપની અંદર ગણપતિ દાદાની મૂર્તિઓ બનાવવામાં આવતી હતી. આગ લાગી ત્યારે મંડપની અંદર 8-10 મૂર્તિઓ પણ હતી. જોકે તમામ મૂર્તિઓ બચાવી લેવામાં આવી હતી અને તેમને કોઈ નુકસાન નહી થયું હતું.
