શહેરના ભીમરાડ કેનાલ રોડ પર આવેલા એક્સલેન્સ બિઝનેસ હબમાં મળસ્કે આગ લાગી હતી. પહેલાં તો એવું લાગ્યું કે ફાયર વિભાગ દ્વારા મોકડ્રીલ કરાઈ રહ્યું છે, પરંતુ ખરેખ આગ જ લાગી હતી. આગ જ્યાં લાગી હતી ત્યાં એનએસજીના કમાન્ડો રોકાયા હોય દોડધામ મચી ગઈ હતી. ભીમરાડ, વેસુ, મજુરા, અડાજણ, માનદરવાજાથી ફાયરની ગાડીઓ ભીમરાડ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર આજે શનિવારે મળસ્કે 4.55 કલાકે ભીમરાડમાં આવેલા જેએમડી એક્સલેન્સ બિઝનેસ હબમાં આગ લાગી હતી. અહીં દુકાન નં. 121માં આગ લાગી હતી, જેનો ધૂમાડો ત્રીજા અને ચોથા માળે પહોંચી ગયો હતો. અહીં એનએસજીના કમાન્ડો રોકાયા હતા. કમાન્ડો સહિત 131 લોકો આ આગમાં ફસાઈ ગયા હતા.
આગનો કોલ મળતા જ ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આગ મોટી હોઈ ભીમરાડ, વેસુ, મજુરા, અડાજણ, માનદરવાજાથી ફાયર સ્ટાફ, હાઈડ્રોલિક સાથે દોડી ગયા હતા. ફાયરના જવાનોએ 20 માણસોને સુરક્ષિત બિલ્ડિંગની બહાર કાઢ્યા હતા. હાઈડ્રોલિકની મદદથી તેઓને ઉતાર્યા હતા.
