SURAT

VIDEO: પાંડેસરામાં મોબાઈલની દુકાન અને ATMમાં આગ લાગી, ધડાકા થતા લોકો ગભરાયા

શહેરમાં આગની વધુ એક ઘટના બની છે. ગઈકાલે મધરાતે પાંડેસરા વિસ્તારમાં એક મોબાઈલની દુકાનમાં આગ લાગી હતી. આ આગ બાજુના એટીએમ સેન્ટર સુધી પહોંચી હતી. દરમિયાન એટીએમ સેન્ટરમાં આગના લીધે ધડાકા થતા લોકો ગભરાયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલી શક્તિ મોબાઈલમાં રાત્રિના અઢી વાગ્યાના સુમારે શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે ધડાકા સાથે આગ લાગતા આસપાસના વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. દુકાનમાં રાખવામાં આવેલી મોબાઈલની બેટરીઓ બ્લાસ્ટ થતી હોય એવાં દૃશ્યો સામે આવ્યાં હતાં. દુકાનમાં ધડાકા થતા હોય એવાં દૃશ્ય સ્પષ્ટ દેખાતાં દુકાનની આસપાસ ઊભેલા લોકો ડરીને દુકાનથી દૂર નાસી ગયા હતા. રાત્રે 1:30 વાગે આગ લાગી હતી અને સ્થાનિક લોકોએ દુકાન માલિકને લગભગ 3 વાગ્યે ફોન કરીને ઘટનાની જાણ કરી હતી.

દુકાનના માલિકના જણાવ્યા મુજબ આગ એટલી વિકરાળ હતી કે દુકાનનું સંપૂર્ણ માલસામાન આગમાં ભસ્મીભૂત થઈ ગયું.આ આગની ઘટનામાં દુકાનમાં રાખેલી હિટાચી કંપનીની એટીએમ મશીન પણ બળીને ખાક થઈ ગઈ હતી. એટીએમમાં અંદાજે 40,000થી 50,000 સુધીની રોકડ રકમ પણ બળી ગઈ હોવાનું માલિકે જણાવ્યું છે. સાથે જ મોબાઈલ ફોન્સ, એક્સેસરીઝ અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ સહિત અંદાજે 7 થી 8 લાખનું માલસામાન સંપૂર્ણપણે નષ્ટ થયું હોવાનું અનુમાન છે. ઘટના અંગે ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

ભેસ્તાન ફાયર સ્ટેશનના અધિકારી વિજય સોલંકી જણાવ્યું હતું કે મળસ્કે મોબાઇલની દુકાનમાં આગનો કોલ મળ્યો હતો. શોર્ટસર્કિટના લીધે આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. મોબાઇલની દુકાન હોવાને કારણે ઘણા બધા મોબાઇલ અંદર હતા. અંદર ATM પણ હતું, જે પણ સળગી ગયું હતું. માત્ર બે ફાયરની ગાડીઓ દ્વારા જ આગ પર કંટ્રોલ કરી લેવામાં આવ્યો હતો.

Most Popular

To Top