Vadodara

નિઝામપુરાના મુલજીનગરમાં ઈરીગેશનની ઓફિસમાં આગ લાગતા અફરાતફરી મચી

વડોદરા: વડોદરા શહેરમાં એક તરફ દિવાળીના તહેવારોને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોય ત્યારે નગરજનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.તો બીજી તરફ વીતેલા 24 કલાકમાં વધુ એક આગની ઘટના બનવા પામી હતી.નિઝામપુરાના રહેણાંક વિસ્તારમાં આવેલી ઈરીગેશનની ઓફિસમાં આગ લાગતા સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો.જોકે તત્કાલ સ્થળ પર આવી પહોંચેલ ફાયર બ્રિગેડની ટીમે આગને કાબુમાં લઈ લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
દીપાવલી પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોય ત્યારે ઉત્સવ પ્રિય નગરી વડોદરા શહેરમાં નગરજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

શહેરના બજારોમાં લોકોનો ધસારો પણ ખરીદી માટે વધવા માંડ્યો છે.આ દરમિયાન શહેરમાં આગ લાગવાની ઘટનાઓ પણ સામે બની રહી છે.ગતરોજ નવા બજારની કપડાની દુકાનમાં આગ લાગવાની ઘટના બની હતી.જે બાદ સતત બીજા દિવસે શહેરના નિઝામપુરા વિસ્તારમાં પણ રહેણાંક વિસ્તારમાં આવેલી એક ઓફિસમાં આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી.ફાયર બ્રિગેડના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર નિઝામપુરામાં મુલજીનગર ખાતે મહેન્દ્રા ઈપીસી ઈરીગેશનની ઓફિસ આવેલી છે.જેમાં વહેલી સવારે અંદાજિત સાતથી સાડા સાત વાગ્યાના અરસામાં આગ લાગતા વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

સ્થાનિક લોકોએ તુરત જ આ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરતા લાશ્કરો તુરત સ્થળ પર દોડી ગયા હતા અને આગને કાબુમાં લીધી હતી.અત્રે નોંધનીય છે કે ગુરુવારે નવાબજારમાં આવેલી કપડાંની દુકાનના ત્રીજા માળે ગોડાઉનમાં આગ લાગી હતી.જેના કારણે આસપાસના વેપારીઓના જીવ પણ તાળવે ચોંટ્યા હતા. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની નહીં થતા તંત્રએ હાશકારો લીધો હતો.

તુરંત પાણીનો મારો ચલાવી કાબુ કરાયો
મહિન્દ્રા ઈપીસી ઈરીગેશનની ઓફિસ ચિંતકભાઈ ઠક્કર ધરાવે છે. બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોરથી ચાર માળની બિલ્ડીંગમાં પ્રથમ માળે ઓફિસમાં વહેલી સવારે આગ લાગી હોવાનો કોલ મળતા અમે સ્થળ પર પહોંચી ગયા હતા.અને તુરંત પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લઈ લીધી હતી. – હર્ષવર્ધન પુવાર, ફાયર ઓફિસર

Most Popular

To Top