National

મહાકુંભમાં ફરી આગ લાગી, બે કાર ભડકે બળતા અફરાતફરી

પ્રયાગરાજમાં મકરસંક્રાંતિથી કુંભમેળો ચાલી રહ્યો છે. અહીં રોજ કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી ત્રિવેણી સંગમમાં સ્નાનનો લાભ લઈ રહ્યાં છે, ત્યારે નાની-મોટી ઘટનાઓ પણ બની રહી છે. આજે શનિવારે તા. 25 જાન્યુઆરીએ મહાકુંભ મેળામાં એક બોટ 35 ફૂટ ઊંડા પાણીમાં પલટી મારી હતી, પરંતુ બોટમાં બેઠેલાં તમામ 10 શ્રદ્ધાળુઓને બચાવી લેવાયા હતા. ત્યાર બાદ કુંભમાં આગની એક ઘટના બની હતી. અહીં મેળા વિસ્તારમાં સેક્ટર 2 પાસે પાર્ક કરેલી બે કારમાં આગ લાગી હતી. જો કે ફાયર વિભાગે તાત્કાલિક આગ પર કાબુ મેળવી લીધો હતો જેથી મોટી દુર્ઘટના ટળી હતી.

એક કાર સંપૂર્ણ બળી ગઈ હતી જ્યારે બીજી અડધી બળી ગઈ હતી. આ ઘટના અંગે ફાયર ઓફિસર વિશાલ યાદવે જણાવ્યું કે અમને અનુરાગ નામનાં વ્યક્તિનો ફોન આવ્યો હતો. એક કારમાં આગ લાગી હતી. તેની બાજુમાં પાર્ક કરાયેલી અન્ય એક વાહન પણ આંશિક રીતે બળી ગયું હતું.

તેમણે જણાવ્યું કે અર્ટિગા કાર સંપૂર્ણપણે બળી ગઈ હતી જ્યારે વેન્યુ કાર અડધી બળી હતી. આગને કાબુમાં લેવામાં આવી છે. દરેક વ્યક્તિ સુરક્ષિત છે. આ ઘટના સવારે 7 વાગ્યાની આસપાસ બની હતી.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ મોટી આગની ઘટના બની હતી. જો કે આ ઘટનામાં પણ કોઈ જાનહાની થઈ ન હતી, પરંતુ ગીતા પ્રેસને મોટું નુકસાન થયું હતું. મહાકુંભ મેળામાં આકસ્મિક પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે પણ તૈયારીઓ ચાલી રહી છે. આ વખતે 73 દેશોનાં રાજદ્વારીઓ પ્રથમ વખત સંગમમાં સ્નાન કરવા જઈ રહ્યાં છે.

કટ્ટર હરીફ ગણાતાં રશિયા અને યુક્રેનના રાજદૂતો પણ આ ઐતિહાસિક કાર્યક્રમમાં એકસાથે ભાગ લેશે. આ વૈશ્વિક ઈવેન્ટ ગંગાનાં કિનારે વિવિધ સંસ્કૃતિઓ અને વિચારધારાઓ વચ્ચે અનોખી સમન્વયનો સંદેશ આપશે.

અમેરિકા અને બાંગ્લાદેશનાં રાજદ્વારીઓ પણ અહીં અમૃત કાળનાં સાક્ષી બનશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે ફરી પ્રયાગરાજ આવશે મૌની અમાવસ્યા, મહાકુંભના સૌથી મહત્વપૂર્ણ સ્નાન ઉત્સવની તૈયારીઓની સમીક્ષા કરશે.

મુખ્યમંત્રી 5 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચિત મુલાકાત માટે કરવામાં આવી રહેલી તૈયારીઓનો પણ હિસાબ લેશે. ગૃહમંત્રી અમિત શાહ પણ 27 જાન્યુઆરીએ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર 1 ફેબ્રુઆરીએ આવવાનાં છે. બંને મહાનુભાવોની મુલાકાત અંગે પણ ચર્ચા થશે.

Most Popular

To Top