સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં મંગળવારે તા. 25 ફેબ્રુઆરીએ ભીષણ આગ લાગી હતી. બેઝમેન્ટમાં આવેલી ચારથી પાંચ દુકાનોમાં આગ પ્રસરી હતી. ઘટનાને પગલે 20થી વધુ ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આ ઘટનામાં ધુમાડામાં ગુંગળામણના લીધે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. દરમિયાન બુધવારે તા. 26 ફેબ્રુઆરીએ માર્કેટમાં ફરી આગ ભભૂકી હતી. જે 24 કલાક બાદ એટલે કે ગુરુવારે સવારે પણ ઓલવી શકાય નથી.
પ્રાથમિક તબક્કે વાયરિંગમાં શોર્ટસર્કિટ અથવા ખરાબીના લીધે આગ લાગી હોવાની શક્યતા છે. માર્કેટના પહેલા માળે આવેલી દુકાનો આગની ચપેટમાં આવી હતી. 150 જેટલા ફાયર ફાઈટર દ્વારા આગ ઓલવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. ફાયર ગાડીઓ સતત પાણીનો મારો ચલાવી રહી છે. ઘણો સમય વીતી ગયો હોવા છતાં આગ પર કાબૂ મેળવી શકાયો નથી.
માર્કેટમાં લાગેલી ભયાનક આગને કારણે દુકાનદારોના માલ-સામાનને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના વેપારીએ કહ્યું કે, પહેલાં આગ લાગી તે ફાયરે ઓલવી હતી ત્યારે અમે તંત્રને કહ્યું અમારી દુકાનમાં બધુ ચેક કરવા દો, હિસાબ કરવા દો. સવારે હવે ફરીથી આગ લાગી છે અને રોકાવાનું નામ નથી રહી. હવે હું બરબાદ થઈ ગયો. મારી દુકાન-ગોડાઉન બધું ખતમ થઈ ગયું. માર્કેટમાં કોઈ સેફ્ટી નથી. પાણીની અછત છે.
શિવશક્તિ માર્કેટની આસપાસની 55 માર્કેટ આજે બંધ
વહીવટીતંત્ર અને ફાયર બ્રિગેડને સહકાર આપવા અને શિવશક્તિ માર્કેટમાં ફાયર બ્રિગેડના વાહનો વગેરેની અવરજવર માટે આસપાસના રસ્તાઓ સાફ રાખવા અને ભીડને કારણે કામમાં અવરોધ ન આવે તે માટે, FOSTTA એ શિવશક્તિ માર્કેટની આસપાસના 55 કાપડ બજારો બંધ રાખવાનો પત્ર જારી કર્યો છે. આ બધા બજારો આજે ગુરુવારે સંપૂર્ણપણે બંધ રહેવા જોઈએ અને બધા કાપડ ઘટકોએ આ બજારોમાં ડિલિવરી માટે ટેમ્પો વગેરે મોકલવા જોઈએ નહીં અને સ્ટાફ કર્મચારીઓએ બજારમાં ભીડ ન કરવી જોઈએ.
ફાયર વિભાગનું આખું તંત્ર કામે લાગ્યું
તા.26/02/2025 ના સવારે 8.25 કલાકે રીંગરોડ પર આવેલ શિવ શક્તિ માર્કેટ માં આગની ઘટનાનો કોલ ફાયર વિભાગને મળ્યો હતો. કોલ મળતા જ નજીકના ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો પરંતુ આગનું સ્વરુપ જોતા તાત્કાલિક “ બ્રિગેડ કોલ” જાહેર કરવામાં આવ્યો હતો. શહેરના તમામ ફાયર સ્ટેશન ખાતેથી 25 ફાયર ફાઈટર/ વોટર બ્રાઉઝર મારફત આગને બુઝાવવાની કામગીરી શરુ કરી હતી. તે ઉપરાંત 2 હાઈડ્રોલિક પ્લેટફોર્મ, એક 45 મીટરની ઉંચાઇ નું તથા એક 55 મીટર ની ઉંચાઇ નું ટર્ન ટેબલ લેડર ઉપયોગમાં લેવામાં આવેલ છે.
માર્કેટના કોમન પેસેજમાં જઈ બંધ દુકાનોના શટર ને ગેસ કટરથી કાપીને આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી હતી. તેમજ ફાયરના વાહનો સરળતાથી બિલ્ડીંગ ની નજીક જઈ શકે તે માટે જેસીબી મશીન-2 નો ઉપયોગ કરી અવરોધ રુપ સ્ટ્રક્ચર પણ દુર કરવામાં આવ્યું છે.
હજુ પણ આગને કાબૂમાં લેવાની કામગીરી ચાલુ હોય મોડી સાંજ તેમજ રાત્રિના સમયે આગ બુઝાવવાની કામગીરીમાં અવરોધ ન થાય અને અવિરત વિજળી પ્રવાહ મળી રહે તે માટે જરુરી જનરેટરની વ્યવસ્થા કરી ફોકસ લાઈટો મુકવામાં આવી છે. બિલ્ડીંગની અંદરના ભાગે પણ બેટરી બેકઅપ સહીતના સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
આગને બુઝાવવા માટે પાણીનો પુરતો જથ્થો અવિરત રીતે મળતો રહે તે માટે પાણી ના કુલ-15 ટેન્કરો મારફત જળ વિતરણ મથક ચાલુ રાખી ઉપ્લબ્ધ કરાવવામાં આવ્યું છે તેમજ સદર માર્કેટની આજુબાજુના તમામ બિલ્ડિંગ/ માર્કેટ માં આવેલ પાણીની ટાંકીઓમાં પણ પાણીનો પુરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.
આગની ઘટનાને કાબુમાં લઈ શકાય તે માટે નવસારી, બારડોલી તેમજ રીજીયોનલ ફાયર ઓફીસ ના ફાયર ફાયટર ની મદદ લેવામાં આવેલ છે તેમજ AMNS/Reliance/ONGC/HPCL/ નવીન ફ્લોરીન/ કલરટેક્ષના ફાયર ફાયટરનો પણ સહયોગ મેળવી કામગીરી કરવામાં આવી રહી છે.
