સુરત: સુરતના (Surat) હજીરા (Hajira) વિસ્તારમાં અનેક મહાકાય ઉદ્યોગો આવેલા છે. અહીં કેટલીક મલ્ટિનેશન કંપનીઓ તેમની કેટલીક ચીજવસ્તુઓ તેમજ મશીનરીનું ઉત્પાદન પણ કરે છે. આ ઉપરાંત અહીં જેટી હોવાથી વહાણોની પણ સતત અવરજવર થતી હોય છે. ખાસ કરીને આ ઇન્ડસ્ટ્રિયલ ઝોનનાં અનેક ચીજ વસ્તુઓનું ઉત્પાદન થાય છે જેના કારણે અહીં આગ (Fire) જેવી મોટી ઘટનાઓ આકાર લે તેવી પૂરેપૂરી શક્યતા છે. આમ તો આ કંપનીઓના પોતાના જ ફાયર ફાયટર (Fire Fighter) અને સ્ટાફ છે પરંતુ, તેમ છતાં સુરત ફાયર બ્રિગેડ સમયાંતરે આ વિસ્તારમાં મોકડ્રીલનું (mock drill) આયોજન કરે છે. મંગળવારે પણ આવી જ એક મોકડ્રીલનું આયોજન સુરત ફાયર બ્રિગેડે કર્યું હતું. અહીં આવેલી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમીટેડમાં આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કંપનીમાં આગ ફાટી નીકળી હતી અને તેની ઉપર ફાયરના જવાનોએ કાબૂ મેળવી લીધો હતો. આ મોકડ્રીલમાં સુરત ફાયર બ્રિગેડ દ્વારા દુર્ઘટનાની તમામ સંભાવનાઓ ચકાસવામાં અવી હતી જેથી ભવિષ્યમાં જો ખરેખર આગ લાગે તો તેના ઉપર જલદીમાં જલદીથી કાબૂ મેળવી શકાય.
ફાયર, પોલીસ અને કંપનીના અધિકારીઓ મોકડ્રીલમાં જોડાયા
આ મોકડ્રીલ અંગે સુરત ફાયર બ્રિગેડના ફાયર ઓફિસર સંપત સુથારે જણાવ્યું હતું કે, વહેલી સવારે નવ વાગ્યે કંપનીમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો અને ફાયર બ્રિગેડના ફાયટર અને લાશ્કરો 10 વાગ્યે ત્યાં પહોંચી ગયા હતાં. સાડા અગિયાર સુધીમાં તેમણે આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો. આ મોકડ્રીલ દરમિયાન સુરત ફાયર બ્રિગેડના જવાનોએ કામગીરી કરી હતી. જેમાં ફાયર બ્રિગેડનો 50 વ્યક્તિનો સ્ટાફ જોડાયો હતો. તો પોલીસ તરફથી ડીસીપી કક્ષાના અધિકારી સહિતનો કાફલો હાજર રહ્યો હતો. આ ઉપરાંત એમ્બ્યુલન્સ તૈયાર રાખવામાં આવી હતી અને જો કોઇને ઇજા પહોંચે તો તેમને તાત્કાલિક સારવાર માટે કેવી રીતે મોકલી શકાય તેની પણ મોકડ્રીલ કરવામાં આવી હતી. આ મોકડ્રીલમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના અધિકારીઓ પણ હાજર થઇ રહ્યાં હતા અને અચાનક આગ ફાટી નીકળે તો શું કરવું તેની ટ્રેનિંગ પણ ત્યાંના કર્મચારીઓને આપવામાં આવી હતી.
આ કારણસર કરવામાં આવે છે મોકડ્રીલ
સુરત ફાયર બ્રિગેડનું કામ આકસ્મિક સંજોગોને પહોંચી વળવાનું છે અને તેના માટે ફાયરની ટીમ સજ્જ પણ છે. ખાસ કરીને મકાનો પડી જવા, માટી કે ભેખડ ધસી પડતાં દબાઇ ગયેલા લોકોનું રેસક્યું, મકાનમાં કે લિફ્ટમાં ફસાઇ ગયેલા લોકોને બહાર કાઢવા, આગ લાગે તો તેને જલદીમાં જલદી કાબૂમાં લેવી, આગમાં દાઝેલા લોકોને જલદીથી હોસ્પિટલ પહોંચાડવા આ પ્રકારની કામગીરી ફાયર વિભાગ દ્વારા સતત કરવામાં આવતી જ હોય છે. પરંતુ મોકડ્રીલ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે, જે સ્થળે આગ લાગી હોય તેનો કોલ મળે પછી ફાયર ત્યાં શક્ય તેટલી ઝડપથી પહોંચે છે. પરંતુ આ સમયગાળા દરમિયાન ત્યાં રહેલા અન્ય કર્મચારી કે અધિકારીઓ તેમની રીતે બચાવ કામગીરી શરૂ કરી દે છે. જ્યારે મોકડ્રીલ થાય ત્યારે ફાયર પહોંચે તે પહેલા શું કરવાનું હોય છે તેની જાણકારી તેમને આપી દેવામાં આવતી હોય છે એટલે તેઓ સક્રિય થઇને કામ કરે છે. મોકડ્રીલ એટલા માટે જ કરવામાં આવે છે કે આગ કે અકસ્માતમાં પ્રાથમિક તબક્કે ત્યાં હાજર રહેલા લોકો કામગીરી શરૂ કરી શકે.