અમદાવાદઃ આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદનો વિવાદ ગુજરાતના અમદાવાદ પહોંચ્યો છે. લાડુના પ્રસાદીના ઘીમાં ગાય અને ડુક્કરની ચરબી મળવાના વિવાદમાં અમુલનું નામ ઉછળતા આ વિવાદ ગુજરાત પહોંચ્યો છે. આ મામલે અમુલના કર્મચારી દ્વારા અમદાવાદના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ખરેખર વાત એમ છે કે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન.ચંદ્રાબાબુ નાયડુએ એવો ઘટસ્ફોટ કર્યો કે જગન સરકારના કાર્યકાળમાં તિરુપતિ બાલાજી મંદીરની લાડુની પ્રસાદીમાં ભેળસેળ કરાઈ હતી. લેબોરેટરીના ટેસ્ટમાં એવો રિપોર્ટ બહાર આવ્યો હતો કે પ્રસાદીમાં જે લાડુ આપવામાં આવતો હતો તે લાડુમાં વપરાતા ઘીમાં ગાય અને ડુક્કરની ચરબી મળી આવી છે. આ મામલે કેન્દ્ર સરકાર પણ સતર્ક થઈ છે અને આ કેસમાં સીબીઆઈને તપાસ સોંપવાની હિલચાલ ચાલી રહી છે, ત્યારે બીજી તરફ દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશમાં થયેલા આ વિવાદની આગ ગુજરાત સુધી પહોંચી છે.
વાત જાણે એમ છે કે લાડુની પ્રસાદીમાં જે ઘી ઉપયોગમાં લેવાતું હતું તે અમુલ કંપની દ્વારા સપ્લાય કરાતું હોવાનું એક વ્યક્તિ દ્વારા એક્સ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેના પગલે આ સમગ્ર વિવાદમાં અમુલનું નામ ઉછળ્યું હતું. શુક્રવારે આ મામલે અમુલનું નામ બહાર આવતા અમુલ કંપનીમાં હડકંપ મચી ગયો હતો. દરમિયાન આજે શનિવારે તા. 21 સપ્ટેમ્બરના રોજ અમુલ કંપનીમાં નોકરી કરતા અને અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા હેમંત ગાવનીએ અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં એક્સ પર પોસ્ટ મુકનાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.
અમુલ વિશે એક્સ પર શું પોસ્ટ છે?
હેમંત ગાવની 20 સપ્ટેમ્બરે દિલ્હીથી પરત અમદાવાદ આવ્યા ત્યારે તેમનું ધ્યાન એક્સની એક પોસ્ટ પર ગયું હતું, જેમાં અલગ અલગ એકાઉન્ટથી તિરુપતિ બાલાજી મંદિરમાં લાડુ બનાવવામાં વપરાયેલા એનિમલ ફેટવાળું ઘી અમુલનું છે તેવો ઉલ્લેખ કરાયો હતો. આ પોસ્ટના લીધે અમુલ સહકારી સંસ્થાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું હતું. અમુલને બદનામ કરવાના ઈરાદે પોસ્ટ થઈ હોવાનું સ્પષ્ટ થતું હતું. આથી અફવા ફેલાવનાર વિરુદ્ધ હેમંત ગાવની દ્વારા ફરિયાદ દાખલ કરાવાઈ છે.
અમુલે કર્યો ખુલાસો
વિવાદમાં નામ ઉછળ્યા બાદ અમુલ કંપનીએ ખુલાસો કર્યો છે. કંપનીએ કહ્યું કે તેમની કંપની તરફથી તિરુમાલા તિરપુતિ દેવસ્થાનમમાં ક્યારેય ઘી સપ્લાય કરવામાં આવ્યું નથી. અમુલે કહ્યું કે, સોશિયલ મીડિયાની કેટલીક પોસ્ટમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે અમુલ કંપની દ્વારા તિરુમાલા તિરપુતિમાં ઘી સપ્લાય કરાતું હતું, પરંતુ અમે જણાવવા માગીએ છીએ કે અમે ક્યારેય તિરુપતિ મંદિરને અમુલ ઘી સપ્લાય કર્યું નથી. અમુલ ઘી અમારા અત્યાધુનિક ઉત્પાદન પ્લાન્ટમાં દૂધમાંથી બનાવવામાં આવે છે, જે આઈએસઓ પ્રમાણિત છે. અમુલ ઘી ઉચ્ચ ગુણવત્તાની શુદ્ધ દૂધની ચરબીમાંથી બનાવવામાં આવે છે.