19૨૨ માં ભારતની અર્થ વ્યવસ્થામાં એક અનોખો વળાંક આવવાનો છે. ફાઇનાન્શયલ ટેક્નોલોજી જે ફિનટેકનાં ટૂંકા સંબોધન સાથે અનોખી પ્રગતિ કરી રહી છે તેમાં ટેકનિક વત્તા નવીનતા છે જેનો હેતુ નાણાંકીય સેવાઓની ડિલિવરીમાં પરંપરાગત નાણાંકીય વલણ સાથે સ્પર્ધા કરવાનો છે. ઉભરતો ઉદ્યોગ છે, ઓછાં ખર્ચે કામ વિસ્તારે છે, એક દેશથી બીજા દેશની ચલણ વ્યવસ્થાને જોડી નવું સ્વરૂપ આપે છે. ફિનટેક જાયન્ટ રિવોલ્યુટ દુનિયાનું જાણીતું નામ છે. તે ૨૦૧૫માં આરંભ થયેલ, બેંકિંગ સેવાઓ, આંતરરાષ્ટ્રીય રેમિટન્સ અને આંતરિક લેણદેણની સગવડ સાથે ચુકવણીઓ કરે છે. તે પ્રિપેડ ડેબિટ કાર્ડ પણ ઓફર કરે છે જે વપરાશકર્તાઓને ATMથી રકમ ઉપાડવાની સગવડ આપે છે.
ગયાં વર્ષે કંપનીએ નાણાંકીય સુપર એપ બનાવી સ્ટોક ટ્રેડિંગ, ક્રિપ્ટો રોકાણો, ટ્રાવેલ બુકિંગ અને ઈ-કોમર્સમાં વૈવિધ્યીકરણ કર્યું છે. ગત વર્ષમાં કંપનીએ જાપાનની સોફ્ટબેંક અને ન્યુયોર્ક સ્થિત ટાઈગર ગ્લોબલની આગેવાની હેઠળના ફંડિંગ રાઉન્ડમાં તેત્રીસ બિલિયન ડોલરનાં મૂલ્યાંકન સાથે આઠસો મિલિયન ડોલર એકત્ર કર્યા હતા. ત્યારબાદ તેની ગણના અમેરિકાની ફિન્ટેક સ્ટ્રાઈપ અને સ્વીડનની ક્લાર્ના પછી વિશ્વની સૌથી વેલ્યુડ ફિન્ટેકની શ્રેણીમાં થાય છે! આ નેટવર્કને આગળ વધારવા રિવોલ્યુટ અમેરિકા, ભારત અને લેટિન અમેરિકામાં ફાઇનાન્શયલ ટેકનિક વિસ્તારવાની યોજના ઘડતી થઈ ગઈ હતી.
તે ફંડનું રોકાણ ગ્રોથ કરતાં બજારોમાં કરવાની યોજના સાથે ભારતમાં પોતાનાં વ્યવસાયને વિરાટ સ્વરૂપ આપવા નવીન ટેકનીકના સથવારે આવી રહી છે!ભારતમાં પિસ્તાળીસ મિલિયન ડોલરનું પ્રારંભિક રોકાણ કર્યું છે.હવે રિવોલ્યુટ બદલતાં આર્થિક સમીકરણો સાથે એક જ મંત્ર સાથે તમામ આર્થિક વ્યવહાર સચવાય તેવી ટેકનીક સાથે રૂપિયા ચાલીસ હજાર કરોડનું રોકાણ કરશે.રોકાણથી મની માર્કેટમાં તેની ઉપસ્થિતિ તો રહેશે સાથે નવી ટેકનોલોજીના સથવારે આર્થિક પ્રવૃત્તિઓમાં બદલાવ લાવશે! રિવોલ્યુટ ભારતમાં સ્થાનિક રેમિટન્સ પર તેજીની ધારણા રાખે છે, તે ભારતીય ગ્રાહકોને તેના ફ્લેગશિપ ઇન્ટરનેશનલ કાર્ડ્સ સાથે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) પેમેન્ટ્સ ઓફર કરવાનું વિચારશે. આગામી થોડા મહિનાઓમાં કંપની ટ્રેડિંગ અને રોકાણો શરૂ કરવા અને ગ્રાહકો અને નાના અને મધ્યમ સાહસો માટે ક્રેડિટ-આધારિત પ્રોડક્ટ્સ ડેબ્યૂ કરવાની તૈયારી કરી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રિવોલ્યુટે એપ્રિલમાં ભારતમાં તેનાં અલગ અસ્તિત્વનો સમાવેશ કર્યો અને જુલાઈ સુધીમાં કામગીરી શરૂ કરી. તે હાલમાં એન્જીનિયરીંગ અને ઇનોવેશનમાં તેની ભરતી વધારવા ઉપરાંત ડેટા લોકલાઇઝેશન પર RBIની માર્ગદર્શિકાનું પાલન કરવા માટે કામ કરી રહી છે. તે આગામી બાર મહિનામાં તેની ભારતીય ટીમમાં ૩૦૦ સભ્યો ઉમેરવાની યોજના ધરાવે છે, ફિનટેક રિવોલ્યુટ વર્ષના બીજા ભાગમાં ભારતમાં કામગીરી શરૂ કરશે, સંપૂર્ણ પાયે ડિજિટલ બેંકિંગ સેટઅપ પર ધ્યાન આપશે.
રિવોલ્યુટ ભારતમાં એક એન્જીનિયરીંગ કેન્દ્ર પણ બનાવી રહી છે, જે UKની બહાર પહેલું આ પ્રકારનું મોટાં પાયે ઘડાતું કેન્દ્ર છે, આ કેન્દ્ર મારફત કંપની યુરોપ અને લેટિન અમેરિકાના મુખ્ય આંતરરાષ્ટ્રીય બજારોમાં નવીનતા લાવશે!વિવિધ ફિનટેક વર્ટિકલ્સમાં પ્રવેશવાની યોજના સાથે, રિવોલ્યુટ ભારતની ફિનટેક ફલકમાં બહુવિધ સ્વદેશી અને વિદેશી ખેલાડીઓ સાથે સ્પર્ધા કરશે. કંપની લેગસી બેંકો અને નોન બેંકિંગ ફાયનાન્સ, ઓપન, રેઝર પે,જ્યુપિટર વગેરે જેવા નિયો બેન્કિંગનાં સ્થાને નવાં યુગની ફિનટેક અને ઝેરોધા, IND મની જેવા સ્ટોક બ્રોકિંગ પ્લેટફોર્મ્સની જેમ સ્થિર કામ કરશે.
આ યુગની ટેક અને સ્ટાર્ટઅપ કંપનીનાં કામ કરવાની ઢબ એપ્લિકેશન વગર શક્ય નથી, હાલ રિવોલ્યુટની એપ્લિકેશનમાં જોડાવાં માટે ત્રીસ હજાર ભારતીયોનું લાબું વેઈટિંગ લિસ્ટ છે! આવી ફાયનાન્સ તકને ઝડપી લેવાં અને ભારતમાં એક જ છત હેઠળ તમામ નાણાંકીય સેવાઓ પ્રદાન કરી શકાય એટલે એક સુપર એપ બનાવવાની યોજના છે! આ સુપર એપ્લિકેશન અર્થતંત્રની આંતરરાષ્ટ્રીય કડીઓ વણી લેશે, આખી આર્થિક ગતિવિધિ સુપર એપની મદદે થતી રહેશે, આ આધુનિક ટેકનોલોજી સભર ટેક નાણાં બજારમાં ગતિ લાવશે! ગ્રાહકોની તમામ પ્રકારની ચુકવણીની જરૂરિયાતોને પહોંચી વળવા કાર્ડ સહિત સમગ્ર પેમેન્ટ સ્યુટ લાવશે!
રિઝર્વ બેંક અને નીતિ આયોગ કાગળની ઔપચારિકતાં ઓછામાં ઓછી કરી નાણાંની વ્યવસ્થામાં ડિજિટલમાં ફેરવવા માળખું બનાવી જ રહી છે તેવાં સમયે રિવોલ્યુટનું પ્લેટફોર્મ બની રહ્યું છે, ડિજિટલ બેંકિંગ માટે પહેલ થઈ ચૂકી છે,ફક્ત ફ્રેમવર્કની રાહ જોવાઈ રહી છે.આંતરરાષ્ટ્રીય ભૌગોલિક વિસ્તારોમાં મલ્ટીપલ ટ્રેડિંગ લાઇસન્સ ધરાવતી કંપનીઓને ભારતમાં જેટલાં વપરાશકર્તાઓ મળવા મુશ્કેલ છે, સરળ વૈશ્વિક વેપાર અનુભવ પ્રદાન કરે તેવી ફિન્ટેક સ્ટાર્ટઅપ માટે સમય આવી રહ્યો હતો ત્યારે ટોચની પેઢી વિસ્તરી રહી છે, બીજા ઘણાં નીતિ નિયમોની રાહ જોઈ રહી છે! ઘણી ફિન્ટેક કંપનીઓ ભારતમાં તેની વૃદ્ધિને ટર્બોચાર્જ કરવા માટે સ્થાનિક એક્વિઝિશન પણ શોધી રહી છે.આ તો પ્રારંભ છે, રિવોલ્યુટનું પણ આ પ્રારંભિક રોકાણ છે.અગત્યની બાબત એ છે કે ભારતમાં ક્રિપ્ટો ટ્રેડિંગની કોઈ યોજના કોઈએ આગળ કરી નથી! આંગળીના ટેરવે વેપાર અને નાણાંનો વ્યવહાર સહેલાઈથી સચવાઈ જવાનાં દિવસો દૂર નથી!