નવી દિલ્હી: (New Delhi) કેન્દ્રીય નાણામંત્રી (Finance Minister) નિર્મલા સીતારમણે (Nirmala Sitaram) બુધવારે કહ્યું કે મોંઘવારી હવે સરકાર માટે પ્રાથમિકતા નથી કારણ કે તે હવે નોંધપાત્ર રીતે નીચે આવી ગઈ છે. હવે દેશમાં રોજગારીનું સર્જન કરવું એ સરકારની પ્રાથમિકતા છે. નાણામંત્રી સીતારમણે કહ્યું છે કે મોંઘવારી (Inflation) મોટી પ્રાથમિકતા નથી કારણ કે છેલ્લા કેટલાક મહિનામાં અમે તેને પોસાય તેવા સ્તરે લાવવામાં સફળ રહ્યા છીએ. ઈન્ડિયા આઈડિયાઝ સમિટને સંબોધતા તેમણે કહ્યું કે કેન્દ્રની પ્રાથમિકતા રોજગાર નિર્માણ અને આવકનું વિતરણ છે. તેમણે વધુમાં કહ્યું કે ભારત આ પડકારજનક સમયે G20 ની અધ્યક્ષતા કરી રહ્યું છે જ્યારે વૈશ્વિક સપ્લાય ચેઇન ગંભીર રીતે પ્રભાવિત છે અને ભૌગોલિક રાજકીય સમીકરણો અસ્થિર છે. સીતારમણે કહ્યું કે ઊર્જા ક્ષેત્રની અનિશ્ચિતતા કેન્દ્ર માટે ચિંતાનો વિષય છે.
- કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે મોંઘવારી હવે સરકાર માટે પ્રાથમિકતા નથી કારણ કે તે હવે નોંધપાત્ર રીતે નીચે આવી ગઈ છે
- દેશમાં રોજગારીનું સર્જન કરવું એ સરકારની પ્રાથમિકતા છે
- મોંઘવારી કરતાં ઉચ્ચ પ્રાથમિકતા રોજગાર, સંપત્તિનું સમાન વિતરણ અને ભારત વિકાસના માર્ગ પર આગળ વધે તેની ખાતરી કરવી છે
- કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) આધારિત છૂટક મોંઘવારી જૂન 2022માં 7.01 ટકા હતી જે જુલાઈ 2021માં 5.59 ટકા થઈ
‘ઈન્ડિયા આઈડિયાઝ સમિટ’ દરમિયાન બોલતા નાણામંત્રીએ કહ્યું કે રોજગાર સર્જન અને સંપત્તિનું સમાન વિતરણ એ હવે એવા ક્ષેત્રો છે જેના પર સરકાર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. કેટલીક ચોક્કસપણે પ્રાથમિકતાઓ છે અને કેટલીક એટલી મહત્વપૂર્ણ નથી. મોંઘવારી કરતાં ઉચ્ચ પ્રાથમિકતા રોજગાર, સંપત્તિનું સમાન વિતરણ અને ભારત વિકાસના માર્ગ પર આગળ વધે તેની ખાતરી કરવી છે. સીતારમણે વધુમાં જણાવ્યું હતું કે મોંઘવારી કોઈ મોટી પ્રાથમિકતા નથી કારણ કે છેલ્લા કેટલાક મહિનામાં અમે તેને પોસાય તેવા સ્તરે લાવવામાં સફળ રહ્યા છીએ. ખાદ્યપદાર્થોના ભાવમાં નરમાઈને કારણે મોંઘવારી જુલાઈમાં ઘટીને 6.71 ટકા થયો હતો જોકે સત્તાવાર ડેટા અનુસાર તે સતત સાતમા મહિને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના 6.0 ટકાના ઉચ્ચ સ્તરથી ઉપર રહ્યો હતો.
નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં છૂટક મોંઘવારી 7.01% પર
કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) આધારિત છૂટક મોંઘવારી જૂન 2022માં 7.01 ટકા હતી જે જુલાઈ 2021માં 5.59 ટકા થઈ હતી. એપ્રિલથી જૂન વચ્ચે તે સાત ટકાથી ઉપર રહી હતી. નાણાપ્રધાને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ અને યુરોપિયન સેન્ટ્રલ બેંક દ્વારા દરોમાં તીવ્ર વધારાને કારણે સર્જાયેલી અસ્થિરતાનો રિઝર્વ બેંક સામનો કરી લેશે.
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધથી ઉદ્ભવતા વૈશ્વિક ઉર્જા સંકટનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ક્રૂડ ઓઈલ અને કુદરતી ગેસની ઉપલબ્ધતા અંગે હજુ પણ અનિશ્ચિતતા છે. તેમણે પેમેન્ટ ટેક્નોલોજી સહિત તમામ બાબતોમાં ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા હાકલ કરી હતી.