ગુજરાત વિધાનસભામાં આવતીકાલે તા. ૧૮ ફેબ્રુઆરીએ વર્ષ 2026-2027 માટેનું રાજ્યનું બજેટ રજૂ થવાનું છે. રાજ્યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભામાં આવતીકાલે પાંચમી વખત બજેટ રજૂ કરશે. સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ વખતનું બજેટ ખૂબ અગત્યનું માનવામાં આવી રહ્યું છે. 10 વર્ષમાં ગુજરાતના બજેટમાં 166 ટકાનો ઉછાળો આવ્યો છે. આ વર્ષે 4 લાખ કરોડથી વધુનું અંદાજપત્ર રજૂ થવાની શક્યતા છે, જ્યારે કોમનવેલ્થ રમતોના ખર્ચ અને રાજ્યના વધતા દેવા અંગે નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે. વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને રમતગમત માળખાકીય સુવિધાઓ, સ્ટેડિયમ સુધારણા, પરિવહન સુવિધા અને પર્યટન ક્ષેત્રે પણ ખાસ જોગવાઈ થઈ શકે છે. રાજ્યને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રદર્શિત કરવા અને રોકાણ આકર્ષવા માટે નવી યોજનાઓ જાહેર થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા થઈ રહી છે કે આ અંદાજપત્ર વિકાસલક્ષી અને જાહેર કલ્યાણ પર કેન્દ્રિત રહેશે. શહેરો અને નગરપાલિકાઓ માટે વિશેષ ગ્રાન્ટની જાહેરાત થવાની શક્યતા છે. આ સાથે રસ્તા, મકાન, પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા અને આધુનિક સુવિધાઓ માટે મોટા પાયે ફાળવણી થશે એવા સંકેતો મળી રહ્યા છે. તેમ જ શહેરી વિકાસ વિભાગને વધારાનો ફાળો મળવાની શક્યતા છે, જેથી શહેરોમાં ચાલી રહેલા અને નવા પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરી શકાય.
ગુજરાતના બજેટ ઇતિહાસમાં સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ પૂર્વ નાણાંમંત્રી વજુભાઈ વાળા નામે છે. તેમણે 18 વખત બજેટ રજૂ કર્યું હતું. જ્યારે પૂર્વ નાણાંમંત્રી નીતિન પટેલે 9 વખત બજેટ રજૂ કર્યું હતું. આ પૂર્વભૂમિકામાં કનુભાઈ દેસાઈનું પાંચમું બજેટ પણ નોંધપાત્ર ગણાઈ રહ્યું છે. છેલ્લા 25 વર્ષમાં રાજ્યનું બજેટ સતત વધતું રહ્યું છે. ઔદ્યોગિક રોકાણ, કૃષિ વિકાસ અને આર્થિક વૃદ્ધિને ધ્યાનમાં રાખીને દર વર્ષે બજેટનું કદ વિસ્તર્યું છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે અંદાજે 15 ટકા વધારો થઈ શકે છે, જે રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટું બજેટ સાબિત થઈ શકે છે. મધ્યમ વર્ગ, નાના વેપારીઓ અને ખેડૂતો માટે રાહત પેકેજ, સબસિડી, આવાસ, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે નવી યોજનાઓની જાહેરાત થવાની અપેક્ષા છે. સીધી લાભ હસ્તાંતરણ પદ્ધતિ અને ડિજિટલ સેવાઓના વિસ્તરણ પર પણ ખાસ ભાર મુકાઈ શકે છે. સ્થાનિક ચૂંટણી પહેલાં રજૂ થતું આ અંદાજપત્ર વિકાસ અને જનકલ્યાણની દિશામાં સરકારના અભિગમને સ્પષ્ટ કરશે.