સુરત: સુરત એરપોર્ટમાં નડતરરૂપ મગદલ્લા અને વેસુ વિસ્તારની ચાર જેટલી મિલકતોના અસરગ્રસ્ત ભાગોને તોડવા માટે તા.31મી જુલાઈ સુધીનું અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે. તાજેતરમાં આ બિલ્ડિંગો માટે સરવે કરવામાં આવ્યો હતો અને સરવે બાદ આ નિર્ણય લેવાયો છે. ચાર પ્રોજેક્ટની 14 ટાવરોના અસરગ્રસ્ત ભાગ ઉતારવાના રહેશે.
- એરપોર્ટને નડતા 4 એપાર્ટમેન્ટના અસરગ્રસ્ત ભાગોને 31મી જુલાઈ સુધીમાં તોડવા અલ્ટિમેટમ
- આ ચારેય પ્રોજેક્ટમાં 14 બિલ્ડિંગોના કેટલાક ભાગ એરપોર્ટમાં નડતરરૂપ હતા, હાલમાં જ સરવે કરાયો હતો
એરપોર્ટને નડતરરૂપ ચારેય પ્રોજેક્ટોને માટે 22 જુલાઈના રોજ સંયુક્ત ટીમ દ્વારા મુલાકાત લેવાઈ હતી. જેમાં એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ ઉપરાંત સુરત મહાનગરપાલિકાના નાયબ શહેરી વિકાસ અધિકારી, ટાઉન પ્લાનર, એન્જિનિયર, મહેસૂલી તલાટી અને સર્કલ ઓફિસર મજુરા-૧ સહિતની ટીમે જમીન પર ડિમાર્કેશન કર્યું હતું.
આ પ્રક્રિયા દરમિયાન બિલ્ડિંગોના પ્રતિનિધિઓને પણ હાજર રાખવામાં આવ્યા હતા. જેમાં એલએન્ડટી કોલોની, મગદલ્લામાં બિલ્ડિંગ નં. C1, C2, D7, D8, E8, E9, E10, E11, સર્જન પેલેસ વેસુની બિલ્ડિંગ નં. A, B, ફલોરેન્સ, વેસુની બિલ્ડિંગ નં. Aથી H સુધી અને રવિરત્ન એપાર્ટમેન્ટ, વેસુ – બિલ્ડિંગ નં. A, B નું ડીમાર્કેશન કરાયું હતું. એરપોર્ટ ઓથોરીટીના જણાવ્યા મુજબ દરેક સંદિગ્ધ બ્લોકમાં “A”તરીકે માર્કિંગ કરાયું હતું. આ ડીમાર્ક કરાયેલા નડતરરૂપ ભાગોની હાજરી નિર્દેશતી સમજ આપવામાં આવી છે. હવે દરેક બિલ્ડિંગના માલિકો અને પ્રતિનિધિઓને સ્વૈચ્છિક ડિમોલિશન માટે 31 જુલાઈ સુધીનો સમય આપવામાં આવ્યો છે.
અઠવાડિયા બાદ તંત્ર દ્વારા જાતે હથોડા ઝીંકાશે, મિલકત પર બોજ દાખલ કરાશે
જો નિર્ધારિત સમયમર્યાદામાં નડતર દુર નહીં થાય તો, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિનિયમ હેઠળ સરકાર દ્વારા તાત્કાલિક દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાશે. સાથે જ, તેની સામે થયેલો તમામ ખર્ચ સંબંધિત મિલ્કત પર બોજ તરીકે દાખલ કરીને રેવન્યુ મારફતે વસુલ કરવામાં આવશે.