અખબારમાં ઘણાં સમયથી ગંદકીથી આચ્છાદિત શહેરી વિસ્તારોના ફોટોગ્રાફ છપાઈ રહ્યાં છે; આ બધું જ સવારે અખબારોમાં જાણે કે ચા સાથે નાસ્તા તરીકે પીરસાતું રહ્યું છે. સફાઇ પ્રત્યે મહાનગરપાલિકાના દુર્લક્ષ્ય માટે બૂમરાણ અને ધાર્યાં પરિણામોનો અભાવ હોવા છતાં સ્વચ્છતામાં શહેરનો પ્રથમ ક્રમાંક જળવાઈ રહ્યો છે. કેટલો બધો વિરોધાભાસ! પરંતુ પ્રશ્ન એ છે કે આટલી બધી ગંદકી માટે જવાબદાર કોણ? પ્રશાસન? ચોક્કસ, હા; પરંતુ ફક્ત પ્રશાસન? અસ્વચ્છતા પ્રત્યે પ્રશાસનનું ધ્યાન દોરીને અખબારો તો પોતાની જવાબદારી પૂર્ણ કરી જ રહ્યાં છે, પરંતુ શું પ્રજાની કોઈ જવાબદારી જ નથી? આપણી પ્રજામાં ભલે બીજી કોઈ બાબતે એકતા કે સામંજસ્યનો અભાવ હોય, પરંતુ ગંદકી ફેલાવવામાં સૌ એક થઈ જાય.
જાહેર સ્થળોને ગંદા કરવામાં આપણી પ્રજા શી ખબર શાનો આનંદ અનુભવે છે. એક સામાન્ય બુદ્ધિની વાત છે કે જો ગંદકી કરવામાં જ ન આવે તો સફાઈની બૂમરાણ કરવાની આવશ્યકતા રહે ખરી? શું કામ આપણે ગમે ત્યાં થૂકવું, કે ગંદુ કરવું જોઈએ? કચરો ઉપાડવા માટે મહાનગરપાલિકા દરરોજ કચરાનું વાહન તો મોકલે જ છે, એથી વધુ શું કરી શકાય? વિકસિત દેશોમાં તો કચરાનું વાહન અઠવાડિયામાં માત્ર એક જ દિવસ આવે છે, અને છતાં શહેરો સ્વચ્છ હોય છે. શહેર એ આપણું આશ્રયસ્થાન છે, આપણું ઘર છે. આપણાં ઘરને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણી જ છે.
વેનકુવર, કેનેડા – વિનય ગાબાણી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.