Entertainment

ફિલ્મો નાની પણ ‘આયુષ્ય’ (માન) મોટું

ગયા વર્ષે જ્યારે સિનેમા થિયેટરો બંધ થયા ત્યારે જે અભિનેતાની ચર્ચા જોરમાં હતી તે અક્ષય નહી, રણવીર નહિ, ઋતિક નહિ, શાહરૂખ-આમીર નહિ, કાર્તિક આર્યન પણ નહિં કે અર્જૂન કપૂરની ય નહિ બલ્કે આયુષ્યમાન ખુરાનાની હતી. સ્મોલ ફિલ્મનો બીગ સ્ટાર. કદાચ આયુષ્યમાનને ખુદનેય તેની આ સફળતા પર તરત વિશ્વાસ નહીં આવ્યો હશે. દેખાવમાં ડેશીંગ કે સ્નાયુબધ્ધ નહીં, ડાન્સ-બાન્સ કરે નહીં, ગરમાગરમ પ્રેમદ્રશ્યો પણ તેના નામે નહીં અને એકશન નહીં કરે.

ડાયલોગબાજી માટે ય જાણીતો નહીં ને છતાં તે અચાનક આયુષ્યમાન બની ગયો હતો. જોકે તે રોહિત શેટ્ટી, આદિત્ય ચોપરા, કરણ જોહર યા ભણસાલી કે રાજકુમાર હીરાનીની ફિલ્મોમાં સ્થાન પામે એવો તો ત્યારે પણ ન ગણાયો અને આજે પણ નથી ગણાતો. તે જો દિપીકા પાદુકોણ યા કિયારા અડવાણી યા દિશા પટનીનો હીરો હોય તો લોકો તરત કહે કે, ‘યે બાત કુછ હજમ નહીં હુઈ!’ ને છતાં આયુષ્યમાન સફળ થયો. પ્રેક્ષકની ડિમાંડ અનેક પ્રકારની હોય છે અને મસાલા ફિલ્મોથી જ તે રીઝે એવું નથી હોતું.

તેને જૂદી શૈલીની અને સાવ સાદી શૈલીની ફિલ્મો ય ગમી જતી હોય છે. મોંધા સેટ ન હોય, વિદેશમાં શૂટિંગ ન હોય તો પણ પ્રેક્ષકો ખુશ થાય એ શક્ય છે. આયુષ્યમાન જે પ્રકારની ફિલ્મોથી સફળ છે તે હંમેશા સફળતા અપાવશે કે નહીં તે ખબર નથી પણ ફિલ્મજગતમાં બધા સ્ટાર્સ કાંઈ અમિતાભ નથી બની શકતા. આ એક બજાર છે ને પોત-પોતાની સફળતાનો થેલો ભરીને જતાં રહેવાનું હોય છે. આયુષ્યમાન વિશે એટલું જ કહી શકાય કે તે માર્કેટીંગ વિના, પીઆર વિના લોકપ્રિય ઓળખ પામ્યો છે. ટાઈમ મેગેઝીને તેને 2020ના વિશ્વના સૌથી પ્રભાવક 100 લોકોમાં એક ગણ્યો હતો.

આયુષ્યમાન બીગ એફએમ, દિલ્હી પરથી રેડિયો પર્સનાલિટી તરીકે જાણીતો થયો અને એમટીવી સ્ટાર પ્લસ પર પણ કામ કર્યું. તેણે પોતાને ફિલ્મી પ્રતિભા તરીકે ડેવલોપ કર્યો જ નથી પણ પોતાના કામ પ્રત્યે તે ગંભીર હતો અને શુજીત સરકારની ‘વિકી ડોનર’ના વિષયે તેને ચર્ચામાં લાવી દીધો. એ વખતે જ તે ગાયક તરીકે ય જાણીતો બન્યો. આ પહેલી સફળતા જ્યારે બીજી, ત્રીજી, ચોથી સફળતાથી આગળ વધી ત્યારે લોકો માટે તે ખાસ બની ગયો તેણે કોઈ મોટા તીર મારવા નહોતા પણ જે તીર માર્યા તેનાથી તીંરદાજ ગણાયો. ‘મેરી પ્યારી બિન્દુ’, ‘બરેલીકી બર્ફી’ ‘શુભ મંગલ સાવધાન’માં કોમેડી હતી પણ વાર્તા તરત અસર કરે તેવી હતી.

‘અંધાધૂન’ તેની ખાસ ફિલ્મ બની ગઈ ને પછી ‘બધાઈ હો’, ‘ડ્રીમ ગર્લ’, ‘આર્ટિકલ 15’માં તે વૈવિધ્ય સાથે બહાર આવ્યો ને બધાએ માની લીધું કે જસ્ટ ફિલ્મે જ તેને સફળ નથી બનાવ્યો તે પોતે ય ફિલ્મને સફળ બનાવે તેવો છે. તેને ‘બાલા’, ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’ અને ‘ગુલાબો સિતાબો’ સુધીમાં તેણે કરેલી પ્રગતિ પામી શકો છો. કશું જ પોપ્યુલર પ્રકારનું કર્યા વિના પણ પોપ્યુલર થવાય તે તેણે સાબિત કર્યુ.

Most Popular

To Top