Entertainment

હુમા કુરેશી અભિનયની રાની બનવા જઇ રહી છે?

મા કુરેશીએ મુખ્ય ભૂમિકા કરવા ઘણી રાહ જોવી પડી છે. પણ ‘મહારાની’ વેબસીરિઝમાં આવતાંની સાથે જ તે છવાઇ ગઇ છે. હુમાનો અભિનય જોયા પછી કોઇ પણ કહેશે કે તેને આવી તક વહેલી મળવી જોઇતી હતી. ચાર વર્ષ પહેલાં નિર્દેશક પ્રવાલ રમનની ‘દોબારા: સી યોર એવિલ’ માં મહત્ત્વની ભૂમિકા કર્યા પછી નવાઝુદ્દીનની ‘ધૂમકેતુ’ જેવી ફિલ્મોમાં મહેમાન ભૂમિકાથી સંતોષ માન્યો હતો. અંગ્રેજી ફિલ્મ ‘આર્મી ઓફ ધ ડેડ’માં કામ કરી હોલિવૂડમાં પ્રવેશ કર્યા પછી હુમા ઉત્સાહમાં છે. હોલિવૂડની ફિલ્મમાં નાની ભૂમિકા કરી હોવાની વાતનો જવાબ આપતાં તેણે કહ્યું છે કે ભૂમિકાની લંબાઇ કરતાં તેનું મહત્ત્વ જુએ છે. ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ માં પંદર મિનિટની જ તે ભૂમિકા હોવા છતાં છાપ છોડી હતી. ‘મહારાની’ ની ભૂમિકા એના માટે જ બની હોય એમ હુમાએ કોઇ કસર બાકી રાખી નથી. નિર્દેશક સુભાષ કપૂરે આ અગાઉ રાજકારણ પરની આવી જ વાર્તાવાળી ‘મેડમ ચીફ મિનિસ્ટર’ રિચા ચઢ્ઢા સાથે બનાવી હતી. આ વખતે તેમણે નિર્માણ કરેલી ‘મહારાની’ નું નિર્દેશન કરણ શર્માનું છે પરંતુ રિચા કરતાં હુમા વધુ પ્રભાવિત કરી ગઇ છે. આ ભૂમિકા બિહારના પ્રથમ મુખ્ય મંત્રી રાબડીદેવીથી પ્રેરિત હોવાની વાતોથી તે ચર્ચામાં રહી છે. નિર્દેશકે વાર્તાને કાલ્પનિક ગણાવી છે. છતાં એ સમયનો બિહારનો માહોલ અને એ પ્રકારનાં પાત્રો એવો જ ઇશારો કરે છે કે તેમણે રાબડીદેવીમાંથી ‘મહારાની’ બનાવવાની પ્રેરણા લીધી હશે. હુમા બિહારી ભાષા એટલી સરસ બોલી છે કે તે હુમા હોય એવું લાગતું જ નથી. ગ્લેમરસ ભૂમિકાઓ માટે જાણીતી રહેલી હુમાએ પહેલી વખત પરિપકવ અભિનેત્રી તરીકે પોતાની હાજરી નોંધાવી છે. એમ કહેવાય છે કે ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ પછી પહેલી વખત હુમાના અભિનયનો વિસ્તાર થયો છે. ઘણાને તેનો અપેક્ષાથી સારો અભિનય જોઇ નવાઇ લાગશે. હુમા જ્યારે પણ સ્ક્રીન પર આવે છે ત્યારે મનોરંજન પૂરું પાડે છે. નિર્દેશકે કેટલીક ખામીઓને નિવારી હોત તો હુમાને ‘મહારાની’ થી વધુ ફાયદો થઇ શકે એમ હતો. દસ એપિસોડની વેબસીરિઝમાં હુમાની ભૂમિકાનો બીજા-ત્રીજા એપિસોડ પછી પ્રવેશ થાય છે. જો ડ્રામાને ઓછો કરી છ એપિસોડમાં સમેટી લેવામાં આવી હોત તો વધુ રસપ્રદ બની શકી હોત.

‘સનફ્લાવર’ થી સુનીલની સફળતાનો સૂરજ ઊગશે?

નીલ ગ્રોવરને કપિલ શર્મા શો છોડ્યા પછી ચાર વર્ષે ‘ઝી ૫’ ની મર્ડર મિસ્ટ્રી વેબસીરિઝ ‘સનફ્લાવર’ માં દમદાર ભૂમિકા મળી ગઇ છે. સુનીલે સૈફ અલી ખાનની ફિલ્મ ‘તાંડવ’ માં ભયાનક રૂપમાં ભૂમિકા કરી હતી પરંતુ એનો વિવાદ થયા પછી સુનીલે વિવાદ ના થાય એવી સલામત ભૂમિકાઓ કરવાનો નિર્ણય કર્યો હતો. કપિલના શોમાં ‘ડૉ.મશૂર ગુલાટી’ કે ‘ગુત્થી’ તરીકે લોકોને હસાવનાર સુનીલનું ‘સનફ્લાવર’ નું પાત્ર આમ ગંભીર છે પરંતુ સતત હસાવે એવું છે. સુનીલને વચ્ચે પૂછવામાં આવ્યું હતું કે કયું પાત્ર તેના માટે સરળ રહ્યું હતું? ત્યારે તેણે કહ્યું હતું કે ‘ડૉ.મશૂર ગુલાટી’ કરતાં ‘ગુત્થી’ નું પાત્ર સરળ રહ્યું હતું. તેનું કારણ એ હતું કે વારંવાર સ્ત્રીના પાત્ર ભજવ્યા પછી એ સામાન્ય લાગતું હતું. સુનીલે કપિલનો શો છોડીને પોતાનો ‘ગેંગ્સ ઓફ ફિલ્મિસ્તાન’ શરૂ કર્યો જેને સફળતા મળી ન હતી. કપિલે તેને પોતાના શોમાં પાછો લાવવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ સુનીલે પોતાની ફી વધારી દીધી હોવાથી શક્ય બન્યું ન હતું. સુનીલે અત્યારે ‘અમેઝોન’ ના કોમેડી શો ‘એલઓએલ- હસી તો ફસી’ માં ગૌરવ ગેરા સાથે ભાગ લેવાનું શરૂ કર્યું છે. આજના ચિંતા અને તણાવના માહોલમાં સુનીલે દર્શકોને હસાવવાનું બીડું ઝડપ્યું છે. ૧૧ જૂનથી શરૂ થતી આઠ એપિસોડની ‘સનફ્લાવર’ ના ટ્રેલરમાં  પોલીસ દ્વારા એક હત્યાનું રહસ્ય શોધવામાં આવી રહ્યું છે ત્યારે સુનીલ મુખ્ય પાત્ર ‘સોનુ સિંહ’ તરીકે સારું હાસ્ય પૂરું પાડે છે. મુંબઇની સનફ્લાવર હાઉસિંગ સોસાયટીમાં થયેલી એક હત્યામાં સુનીલ અને રણવીર શોરી વચ્ચેની રમત ઉંદર-બિલાડી જેવી રસપ્રદ લાગી રહી છે. ‘ક્વીન’ વાળા વિકાસ બહલની આ સીરિઝ કોમેડી થ્રિલર હોવાથી વધુ પસંદ કરવામાં આવી શકે છે. સુનીલની કારકિર્દી માટે ‘સનફ્લાવર’ મહત્ત્વની ગણાય છે. તે કપિલના શો સિવાય પણ પોતાની અલગ ઓળખ ઊભી કરી શકે છે એવું સાબિત કરી શકે છે. સુનીલ હવે ફિલ્મો અને વેબસીરિઝ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. તેણે પોતાના પાત્ર માટે ઘણી મહેનત કરી છે. તેણે ભૂમિકા માટે વજન ઓછું કર્યું હતું. ઘણા દિવસ સુધી ભોજનને બદલે ફળ ખાતો રહ્યો હતો. રહસ્ય સાથેની ‘સનફ્લાવર’ માં તે નવા અંદાજમાં કોમેડી કરતો દેખાય છે. સુનીલનું કહેવું છે કે વેબસીરિઝ જોતાં પહેલાં બે-ત્રણ વખત ટ્રેલર જોઇને હત્યારાનો અંદાજ મેળવી એને જોવાથી વધારે મજા આવશે.

Most Popular

To Top