બોલિવૂડ (Bollywood) એક્ટર શાહરૂખ ખાન (Shahrukh Khan) અને દીપિકા પાદુકોણ (Dipika Padukon) સ્ટારર ફિલ્મ ‘પઠાણ’ (Film Pathan) છેલ્લા કેટલાક દિવસોથી ઘણી ચર્ચામાં છે. તેના એક ગીતને (Song) લઈને ફિલ્મનો વિરોધ થઈ રહ્યો છે. જોકે ફિલ્મના વિરોધને કારણે પણ તે વધુ પોપ્યુલર થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. પઠાણ 25 જાન્યુઆરી 2023 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. દરમિયાન એક મોટું અપડેટ જણાવે છે કે રિલીઝ પહેલા જ ‘પઠાણ’ના OTT રાઈટ્સ કરોડોમાં વેચાઈ ચૂક્યા છે. તે ટૂંક સમયમાં OTT પર રિલીઝ થશે.
મળતી માહિતી મુજબ ‘પઠાણ’ના ઓટીટી રાઈટ્સ એમેઝોન પ્રાઇમ વીડિયોને વેચવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર જોન અબ્રાહમ, દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ માર્ચના અંતમાં અથવા એપ્રિલની શરૂઆતમાં OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ શકે છે. હાલમાં ફિલ્મની OTT રિલીઝને લઈને કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. પરંતુ જો સૂત્રોની માનવામાં આવે તો તેના ડિજિટલ સ્ટ્રીમિંગ અધિકારો ગ્લોબલ OTT Amazon Prime Video દ્વારા શનિવારે રૂ. 100 કરોડમાં અનામત રાખવામાં આવ્યા છે. OTT પર રિલીઝ થતા પહેલાં આ ફિલ્મ 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં આવશે.
બીજી તરફ ‘બેશરમ રંગ’ ગીતને કારણે સમગ્ર દેશમાં મોટો હોબાળો મચ્યો છે. ગીતમાં દીપિકાની બિકીનીના કેસરી રંગને લઈ વિવાદ છે. વિરોધ કરનારાઓનું કહેવું છે કે કેસરી રંગની બિકીની પહેરેલી લીડ એક્ટ્રેસ હિંદુ ભાવનાઓને ઠેસ પહોંચાડી રહી છે. લોકોએ ગુસ્સામાં પઠાણનો બહિષ્કાર કરવાની પણ માંગ કરી છે. એક તરફ જ્યાં લોકો તેનો વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ કેટલાક તેના સમર્થનમાં પણ આવ્યા છે. જેથી હવે જોવું એ રહ્યું કે ફિલ્મને બોક્સ ઓફિસ પર કેવો પ્રતિસાદ મળે છે.
SRKના ચાહકો સિલ્વર સ્ક્રીન પર કિંગ ખાનના વાપસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પઠાણ 250 કરોડના બજેટમાં બનેલી ફિલ્મ છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરશે તેવી અપેક્ષા છે. ભૂતકાળમાં પણ વિવાદોમાં ઘેરાયેલી બોલિવૂડ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. તેથી હવે જોવાનું એ રહેશે કે બેશરમ રંગના વિવાદથી પઠાણને કેટલો ફાયદો થાય છે. એટલું જ નહીં વિરોધ કરનારાઓને કારણે આ ફિલ્મની રિલીઝ પર કેટલી અસર થશે તે પણ જોવું રહ્યું.