સુરત: આ વર્ષની લાંબા સમયથી રાહ જોવાઈ રહેલી ફિલ્મોમાંની (Film) એક KGF: ચેપ્ટર 2 જે ગુરુવાર એપ્રિલ 14 ના રોજ રિલીઝ થઈ છે. સાઉથના સુપરસ્ટાર યશ, સંજય દત્ત, રવિના ટંડન અને પ્રકાશ રાજ સહિતની સ્ટારકાસ્ટવાળી ફિલ્મ કેજીએફ-2ને પ્રેક્ષકો દ્વારા બમ્પર પ્રતિસાદ મળ્યો છે. સુરતના રાજ ઇમ્પિરિયલ મલ્ટીપ્લેક્ષના સંચાલક સંચાલક ચંદ્રપ્રકાશ ગાબાએ તો પોતાના થિયેટરમાં (Theater) આ ફિલ્મના 56 શો (Show) 48 કલાક દરમિયાન દર્શાવવાની જાહેરાત કરી હતી. થિયેટરના સંચાલક ચંદ્રપ્રકાશ ગાબાએ જણાવ્યું હતું કે, ભારતમાં પ્રથમવાર સુરતમાં એવું બનવા જઇ રહ્યું છે કે લાગલગાટ કોઇ ફિલ્મના 48 કલાક નોનસ્ટોપ શો યોજાશે. આ 48 કલાકમાં ફિલ્મમાં 56 શો સમયસર પુરા કરાશે. શનિવારે વહેલી સવારે 5 વાગ્યાથી શરૂ થયેલા આ શો રવિવારે 1.30 કલાક સુધી ચાલશે. તમામ શો 80 ટકા હાઉસફુલ થઈ ગયા છે.
ઉલ્લેખનીય છે કે, દિગ્દર્શક પ્રશાંત નિલ દ્વારા બનાવવામાં આવેલી કેજીએફ-2 ફિલ્મ જોવા માટે પ્રેક્ષકો ભારે ધસારો કરી રહ્યા છે. તેને લઇ આ ઉપાય શોધવામાં આવ્યા છે. ખાસ કરીને યુવા વર્ગ લેટનાઇટ શોની ટિકિટ મેળવી રહ્યો છે. ગઇકાલે શુક્રવારે પણ સવારે 4 વાગ્યાથી ફિલ્મના શો શરૂ થયા હતા જે રાત્રે 1 વાગ્યા સુધી પેક રહ્યા હતા. ફિલ્મનો ક્રેઇઝ એવો છે કે અડધી રાત્રે લોકો ફિલ્મ જોવા આવી રહ્યા છે. શનિવારે અને રવિવારે પ્રત્યેક અડધા કલાકે 1 શોનું આયોજન કર્યું છે. આ શોની સંખ્યા 76 સુધી જઇ શકે છે એ પ્રકારની તૈયારી રાખવામાં આવી છે. પ્રેક્ષકોના મનોરંજન ઉપરાંત નાસ્તા-પાણી માટે પણ મલ્ટીપ્લેક્ષમાં પુરતું આયોજન કરવામાં આવ્યું છે. શકયતા એવી છે કે આ ફિલ્મ કમાણીમાં ઇતિહાસ સર્જશે. સાથે સાથે આ ફિલ્મના ઇતિહાસ સાથે સુરતનું નામ પણ જોડાશે જયાં સતત 48 કલાક આ ફિલ્મ જુદી જુદી સ્ક્રીન પર ચાલતી રહેશે.
આ અંગે એક વેપાર નિષ્ણાતના કહ્યા અનુસાર, સુરત જેવા શહેરોના રહેવાસીઓ સામાન્ય રીતે ફિલ્મ જોવા માટે આટલા વહેલા જવાનું પસંદ કરતા નથી. તેથી આવા કેન્દ્રોમાં પ્રથમ શો સામાન્ય રીતે 8:00 અથવા 8:30 પછી થાય છે. KGF: ચેપ્ટર 2 સાથે માંગ એવી હતી કે દિવસ 1 ના તમામ શો ભરાઈ ગયા. તેથી પ્રદર્શનકારોએ આ પગલું ભરવાની ફરજ પડી હતી. આ દર્શાવે છે કે ફિલ્મના પ્રથમ દિવસના આંકડા ઐતિહાસિક હશે. KGF: ચેપ્ટર 2એ ત્રણ દિવસમાં લગભગ 270 કરોડની કમાણી કરી છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે રવિવાર સુધીમાં તે 500 કરોડ પહોચી જશે.