Charchapatra

  ફિલિંગ

અંતરમાં થતી સારી કે માઠી અસર એટલે ફીલિંગ. ઈમોશન એ મનની વૃત્તિ કે ભાવ છે. સારી અસરમાં વાત્સલ્ય સંબંધી વિચાર, સમભાવ અને પ્રેમવૃત્તિ હોય. માઠી અસરમાં મનમાં એક ડંખની ભાવના હોય. મોટે ભાગે પ્રાથમિક શાળામાં શિક્ષક-શિષ્યો વચ્ચે મનમાં ખૂંપીને પ્રેમ હોવાનાં દૃશ્યો જોવા મળે. આમ તો શિક્ષક એટલે વિદ્યા ભણાવનાર માસ્તર, ગુરુ. હાલ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોના બદલી કેમ્પ ચાલી રહ્યા છે. એક શિક્ષક જે તે શાળા છોડીને બીજી શાળામાં જાય ત્યારે વિદ્યાર્થીઓ વિલાપ કરી આંસુ ઢાળતાં-પોક મૂકીને રુદન કરતાં જોવા મળ્યાં.

જેમાં શિક્ષકો પ્રત્યે અનન્ય પ્રેમ વ્યક્ત થતો જોવા મળ્યો. આ સમભાવ એ જ શિક્ષણ-શિક્ષકની સાચી સંપત્તિ કહેવાય. માસ્તરની કીમત કરોડપતિના કરતાં કરોડગણી વધારે છે. સંપત્તિ એ માત્ર ધન-દોલત જ નહીં, પણ સમભાવમાં સંપૂર્ણતા છે. એ લાગણી સાચા શિક્ષકને વિદ્યાર્થીઓ તરફથી મળતી જોવા મળે ત્યારે અનહદ આનંદ થાય એ સ્વાભાવિક છે. એ પવિત્ર વ્યવસાયમાં જોડાવાનું સદ્ભાગ્ય મને પણ મળ્યું છે. શિક્ષક વિદાયનાં દૃશ્યો જોનારની આંખોમાં પણ પાણી આવી જાય. મહાત્મા ગાંધીજી લખે છે કે, શિક્ષક તો લોહચુંબકની માફક કામ કરે, તેની પાછળ છોકરાંઓ વીંટળાઈ વળે.

શિશકને એક ક્ષણ પણ ન છોડે. અહીં શિક્ષકનો શિક્ષકધર્મ હોય છે. માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં પણ કર્મનિષ્ઠ શિક્ષકો શિક્ષકધર્મ સુપેરે બજાવે છે. એકાદ શિક્ષકથી વિદ્યાર્થીઓ ડરે એમ પણ બની શકે છે. એકાદ બે કિસ્સામાં કોઈ શિક્ષકની બદલી માટે ગામલોકો, શાળાને તાળાબંધી કરે એના કારણે સમસ્ત શિક્ષકોની મહત્તા ઓછી થઈ જતી નથી. શિક્ષકના પવિત્ર વ્યવસાયમાં વાત્સલ્યની આ ભાવનાને સલામ.
નવસારી – કિશોર આર. ટંડેલ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top