ફીજીના વડા પ્રધાન સિટિવેની લિગામામાડા રાબુકા હાલ ભારતની સત્તાવાર મુલાકાતે છે. તેઓ રવિવારે દિલ્હીમાં પહોંચ્યા હતા. ફીજીના વડા પ્રધાન તરીકે આ તેમની ભારતમાં પ્રથમ મુલાકાત છે.
સોમવાર તા.25 ઓગસ્ટ 2025એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હૈદરાબાદ હાઉસ ખાતે ફીજીના વડા પ્રધાન રાબુકા સાથે પ્રતિનિધિમંડળ સ્તરની દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. આ બેઠકમાં ભારત અને ફીજીએ સંરક્ષણ તથા સુરક્ષા ક્ષેત્રોમાં સહયોગ મજબૂત કરવાની સંમતિ વ્યક્ત કરી હતી.
સાત કરારો પર હસ્તાક્ષર કર્યા
દ્વિપક્ષીય વાટાઘાટો બાદ બંને દેશોએ સાત મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કર્યા છે. આ કરારોમાં સંરક્ષણ, સુરક્ષા, આબોહવા પરિવર્તનનો સામનો, આપત્તિ પ્રતિભાવ, વિકાસ સહકાર તથા ટેકનોલોજી ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રી મોદીએ નિવેદનમાં કહ્યું કે “ભારત અને ફીજી ભલે સમુદ્ર પાર સ્થિત હોય પરંતુ બંને દેશોની આકાંક્ષા અને દ્રષ્ટિકોણ એકસરખા છે. ભારત વૈશ્વિક દક્ષિણના વિકાસમાં સહ-પ્રવાસી છે અને અમે ફીજી જેવા દેશોની ક્ષમતાઓને મજબૂત બનાવવા સાથે છીએ”.
તેમણે વધુમાં કહ્યું કે આબોહવા પરિવર્તન ફીજી જેવા ટાપુ દેશો માટે ગંભીર ખતરો છે જેથી ભારત આપત્તિ પ્રતિભાવ તથા ટકાઉ વિકાસ ક્ષેત્રે જરૂરી મદદ પૂરી પાડશે.
ફીજીના વડા પ્રધાન રાબુકાએ પણ ભારત સાથેની આ ભાગીદારીને ઐતિહાસિક અને વિશ્વાસપાત્ર ગણાવી હતી. તેમણે જણાવ્યું કે ભારત અને ફીજી વચ્ચેના સંબંધો સમય સાથે વધારે મજબૂત બન્યા છે અને બંને દેશો વિકાસયાત્રામાં સહભાગી રહેશે.
ગાંધીજીની સમાધિ પર પુષ્પાંજલિ આપી હતી
સોમવારે ફીજીના વડા પ્રધાન રાજઘાટ ગયા પણ હતા. જ્યાં તેમણે મહાત્મા ગાંધીની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. વિદેશ મંત્રાલયે આ પ્રસંગની તસવીરો જાહેર કરીને રાબુકાને એક મહત્વપૂર્ણ વૈશ્વિક દક્ષિણ અને FIPIC (Forum for India-Pacific Islands Cooperation) ભાગીદાર તરીકે વર્ણવ્યા હતા.
આ મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય સંબંધોને નવો વેગ મળ્યો છે. ભારત અને ફીજી સહયોગ હવે માત્ર સંરક્ષણ અને સુરક્ષા પૂરતો મર્યાદિત નહીં રહે પરંતુ વિકાસ, શિક્ષણ, સ્વાસ્થ્ય અને આબોહવા પરિવર્તન જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં પણ વિસ્તરશે.
ફીજીના વડા પ્રધાનની આ મુલાકાતે દર્શાવ્યું છે કે ભારત વૈશ્વિક દક્ષિણના દેશો સાથે ઊંડો સહકાર સ્થાપિત કરવા પ્રતિબદ્ધ છે.