ભરૂચ: ભરૂચ (Bharuch) શહેરના ત્રણ કુવા વિસ્તારમાં હોર્ન (Horne) વગાડવા જેવી સામાન્ય બાબતે મારામારી (Fight) થતા ભારે દોડધામ મચી ગઇ હતી. ભરૂચ નવીનગરી ત્રણ કુવા પાસે બે પરિવાર જૂથ વચ્ચે છુટા હાથની મારામારી થઈ હતી જેમાં કુહાડી, ધારીયું અને લાકડીના સપાટા વડે હુમલો થતાં ચાર વ્યક્તિ ઘાયલ (Injured) થયા છે. જોરદાર બબાલ થતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી.
- રિક્ષામાં દર્દીને લઈ જતી વખતે રસ્તા વચ્ચે ઉભેલા લોકોને હટાવવા હોર્ન માર્યોને બબાલ થઈ
- રસ્તા વચ્ચે ઉભેલા લોકોએ ઉશ્કેરાઈ જઈ લાકડી, કુહાડી અને ધારિયાથી હુમલો કર્યો
- જૂની અદાવતમાં બબાલ થઈ હોવાનું અનુમાન, પોલીસે તપાસ શરૂ કરી
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરના પશ્ચિમ વિભાગમાં આવેલા ત્રણ કુવા નવી નગરીમાં ગયા બુધવારે સાંજના સમયે બે જૂથ બાખડયા હતા. બંને પક્ષો વચ્ચે છુટા હાથની મારામારી થઈ હતી. આ મારામારીનો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં કેટલાક લોકો કુહાડી, ધારીયું, લાકડીના સપાટા વડે એકબીજાને મારી રહ્યાં હોવાનું જોઈ શકાય છે. આ ઝઘડામાં ચાર લોકો ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને માથાના ભાગે, હાથ અને ખભા સહિતની શરીરના અનેક અંગો પર ઈજા થઈ હતી. ઇજાગ્રસ્તોમાં નારણ મંગાભાઈ વસાવા, ગલુબેન નારણ વસાવા, રોશન અશોકભાઈ વસાવા, શીતલબેન અનિલ વસાવા (તમામ રહે. નવીનગરી ત્રણ કુવા ભરૂચ) નો સમાવેશ થાય છે. હોસ્પિટલમાં સારવાર બાદ ઈજાગ્રસ્તોએ પોલીસને ફરિયાદ આપી હતી.
ફરિયાદીના જણાવ્યા અનુસાર ગણેશ દશરથ વસાવા, કૈલાસબેન અજય વસાવા સાથે અન્ય ચાર થી પાંચ વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ફરિયાદીઓએ જણાવ્યું હતું કે રિક્ષામાં દર્દીને લઇ જતા રસ્તામાં સામે પક્ષના શખ્સ રોડ વચ્ચે ઉભા હોય ગાડીનો હોર્ન મારતા મગજમારી થઈ હતી. તેઓએ હથિયારો લઈ હુમલો કરી માર માર્યો હતો. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.
આ ઝઘડો હોર્ન વગાડવાના લીધે થયો હોવાની પ્રાથમિક માહિતી બહાર આવી છે, પરંતુ એવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે કોઈ જૂની અદાવદ કે ઝઘડના લીધે નશામાં ભાન ભૂલેલાઓએ માથાકૂટ કરી છે, જે હિંસામાં પરિણમી હતી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે, જે સત્ય હકીકત હશે તે બહાર આવશે.