SURAT

સુરત: વીર નર્મદ યુનિવર્સિટીમાં છૂટ્ટા હાથની મારામારી, બેરિકેટ ઉખાડી ફેંક્યા, એકનું માથું ફૂટ્યું

સુરત(Surat) : સુરત શહેરમાં આવેલી દક્ષિણ ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં (Veer Narmad South Gujarat University) આજે સેનેટની ચૂંટણીની (Senate Election) મતગણતરી (Vote Counting) ચાલી રહી હતી ત્યારે ભાજપની (BJP) વિદ્યાર્થી પાંખ એબીવીપી (ABVP) અને આમ આદમી પાર્ટીની (AAP) યુવા છાત્ર સંઘર્ષ સમિતિના (CYSS) કાર્યકરો વચ્ચે છુટ્ટા હાથની મારામારી (Fight) થઈ હતી. મામલો એટલો બગડ્યો હતો કે એબીવીપીના કાર્યકરે આપના છાત્ર સંગઠનના કાર્યકર પર હુમલો કરી દીધો હતો, જેના લીધે આપના વિદ્યાર્થી સંગઠનના કાર્યકરનું માથું ફાટી ગયું હતું. ઈજાગ્રસ્ત કાર્યકરને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મારામારીના લીધે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને મામલાને શાંત પાડ્યો હતો. નોંધનીય છે કે ત્રણ દિવસ પહેલાં સેનેટની ચૂંટણીના મતદાન સમયે પણ મારામારી થઈ હતી.

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં ત્રણ દિવસ પહેલાં સેનેટની ચૂંટણી માટેનું મતદાન થયું હતું. ત્યારે પણ બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી. દરમિયાન આજે વીર નર્મદ યુનિવર્સિટીમાં સેનેટ ચૂંટણી માટેની મતગણતરી ચાલી રહી હતી ત્યારે ભાજપ અને આપના વિદ્યાર્થી સંગઠનો વચ્ચે બપોરે 12 વાગ્યે પહેલીવાર મારામારી થઈ હતી. ત્યારબાદ ફરી 4 વાગ્યે મારામારી થઈ હતી. બંને જૂથના કાર્યકરોએ યુનિવર્સિટીમાં લગાવેલા બેરિકેટ ઉખાડી ફેંક્યા હતા અને એકબીજાને ઢીકમુક્કાનો માર માર્યો હતો. 

ભાજપના વિદ્યાર્થી સંગઠન એબીવીપી અને આમ આદમી પાર્ટીના સપોર્ટથી ચાલતા છાત્ર યુવા સંઘર્ષ સમિતિના કાર્યકરો વચ્ચે સામાન્ય બાબતે માથાકૂટ થઈ હતી. મામલો એટલો બિચક્યો હતો કે પોલીસની હાજરીમાં બંને જૂથના કાર્યકરો એકબીજાને મારી રહ્યાં હતાં. આ બબાલમાં છાત્ર સંઘર્ષ સમિતિના ધર્મેશ સાંકડાસરિયાના માથાના ભાગે ઈજા થી હતી. લોહીલુહાણ હાલતમાં ધર્મેશ સાંકડાસરિયાને એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન ધર્મેશ સાકડસરિયાએ એબીવીપીના કાર્યકરો પર હિંસક હુમલાનો આક્ષેપ મુક્યો હતો. ધર્મેશ સાંકડાસરિયાએ કહ્યું કે, રાકેશભાઈ દ્વારા હુમલો કરાયો હતો. બબાલનો વીડિયો ઉતારી રહ્યો હતો ત્યારે રાકેશભાઈએ હુમલો કરી દીધો. ખેસ પહેરેલા કાર્યકરોએ પૂછ્યું હતું કે વીડિયો કેમ ઉતારે છે અને મને માર માર્યો હતો.

આપ અને એબીવીપીના કાર્યકરોની હિંસક બબાલને પગલે સુરત શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને અહીં જબરદસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પોલીસની દરમિયાનગીરીના પગલે મામલો શાંત પડ્યો હતો. નોંધનીય છે કે સેનેટની ચૂંટણીના લીધે ત્રણ દિવસમાં યુનિવર્સિટીમાં બીજીવાર મારામારીની ઘટના બની છે. ઉલ્લેખનીય છે કે વીર નર્મદ યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં 15 બેઠકો માટે 43 ઉમેદવારો મેદાનમાં હતા. આ વખતે ABVP, NSUI ઉપરાંત આપના સપોર્ટથી CYSSના ઉમેદવારો પણ ચૂંટણી લડ્યા હતા. બે દિવસ અગાઉ મતદાન થયું હતું. ગયા વર્ષ કરતા આ વખતે મતદાન ઓછું નોંધાયું હતું.

Most Popular

To Top