National

જમ્મુ-કાશ્મીર: ડોડામાં 34 દિવસમાં પાંચમી આતંકી અથડામણ, કેપ્ટન બ્રિજેશ અને ત્રણ જવાનો શહીદ

જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) ડોડા જિલ્લાના ડેસામાં આતંકવાદીઓના (Terrorist) ગોળીબારમાં સેનાના કેપ્ટન સહિત ચાર જવાનો શહીદ થયા છે. એક પોલીસકર્મીનું પણ મોત થયું છે. એટલે કે કુલ 5 લોકોએ જીવ ગુમાવ્યા છે. રાષ્ટ્રીય રાઈફલ્સ અને જમ્મુ-કાશ્મીર પોલીસ સોમવારથી અહીં સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી. ડોડામાં 34 દિવસમાં આ પાંચમી આતંકી ઘટના છે. કશ્મીરમાં છેલ્લા 3 વર્ષમાં 47 જવાનો શહીદ થયા છે.

જમ્મુ-કાશ્મીરમાંથી ફરી એકવાર દેશને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જમ્મુ-કાશ્મીરના ડોડામાં મંગળવારે આતંકવાદીઓ સાથેની અથડામણમાં ભારતીય સેનાના એક કેપ્ટન અને 4 જવાનો શહીદ થયા હતા. દુર્ગમ વિસ્તાર અને ગાઢ જંગલો વચ્ચે સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ ગુપ્ત રીતે જવાનો પર હુમલો કર્યો જેમાં 4 બહાદુર જવાનો શહીદ થયા. હવે સેના દ્વારા તમામ બહાદુર શહીદોના નામ જાહેર કરવામાં આવ્યા છે.

શહીદ થયેલા રાષ્ટ્રીય રાઈફલ્સના જવાનોમાં કેપ્ટન બ્રિજેશ થાપા, નાઈક ડી રાજેશ, કોન્સ્ટેબલ બ્રિજેન્દ્ર, કોન્સ્ટેબલ અજયનો સમાવેશ થાય છે. આમાંના બે કોન્સ્ટેબલ રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાના છે. અજય સિંહ બુહાના તહસીલના ભૈસાવતા કલાનનો રહેવાસી હતો અને બ્રિજેન્દ્ર સિંહ ડુમોલી કલાનના ધાની ખુબાનો રહેવાસી હતો. સેના આ વિસ્તારમાં હેલિકોપ્ટર અને ડ્રોનનો ઉપયોગ કરીને આતંકીઓને શોધી રહી છે.

આ વિસ્તાર ચોમાસા દરમિયાન ધુમ્મસથી ઘેરાયેલો રહે છે. આ પડકાર સાથે સેનાના બહાદુર જવાનોએ આતંકવાદીઓ સામે લડવાનું ચાલુ રાખ્યું. તેમજ આતંકવાદીઓ ઉંચી જગ્યા પર છુપાયા હતા અને સેનાના જવાનો નીચેથી ઉપર તરફ આગળ વધી રહ્યા હતા અને આતંકવાદીઓ સામે લડી રહ્યા હતા.

જમ્મુ ડિવિઝનના ડોડામાં 34 દિવસમાં આ પાંચમી એન્કાઉન્ટર છે. અગાઉ 9મી જુલાઈએ એન્કાઉન્ટર થયું હતું. અહીં 26 જૂને બે અને 12 જૂને 2 હુમલા થયા હતા. આ પછી સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ત્રણ આતંકીઓ માર્યા ગયા હતા.

આ ઘટના અંગે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે આતંકવાદ વિરોધી કામગીરીમાં ભારતીય સેનાના આપણા બહાદુર અને હિંમતવાન સૈનિકોના મૃત્યુથી ખૂબ જ દુઃખી છું. મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. દેશ તેમની સાથે મજબૂતીથી ઉભો છે. તો બીજી તરફ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે આજે ફરી એકવાર જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી અથડામણમાં આપણા જવાનો શહીદ થયા છે. શહીદોને મારી નમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરીને હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. આ સતત આતંકવાદી હુમલાઓ જમ્મુ-કાશ્મીરની જર્જરિત સ્થિતિને ઉજાગર કરી રહ્યા છે.

Most Popular

To Top