દોહા : ફિફા વર્લ્ડકપમાં (FIFA World Cup) આજે સોમવારે ખલીફા સ્ટેડિયમ પર રમાયેલી ગ્રુપ-બીની મેચમાં ઇંગ્લેન્ડે બુકાયો સાકાના બે ગોલની મદદથી ઇરાનને 6-2થી હરાવીને પોતાના અભિયાનનો વિજયી પ્રારંભ કર્યો હતો. આ સાથે જ ઇંગ્લેન્ડે 2018ના ફિફા વર્લ્ડકપમાં પનામા સામે કરેલા સર્વશ્રેષ્ઠ પ્રદર્શનની બરોબરી કરી હતી. ઇંગ્લેન્ડ વતી બુકાયો સાકાએ બે જ્યારે જ્યુડ બેલિંઘમ, રહીમ સ્ટર્લીંગ અને સબસ્ટીટ્યૂટ તરીકે મેદાને ઉતરેલા માર્કસ રેસફોર્ડ તેમજ જેક ગ્રીલિશે 1-1 ગોલ કર્યો હતો, જ્યારે ઇરાન વતી થયેલા બંને ગોલ એકમાત્ર મહેંદી ટેરેમીએ કર્યા હતા.
ઇંગ્લેન્ડ અને ઇરાન વચ્ચેની મેચ શરૂ થયા પછી શરૂઆતનો અડધો કલાક સુધી એકેય ટીમ ગોલ કરી શકી નહોતી. તે પછી 35મી મિનીટે ઇંગ્લેન્ડના બેલિંઘમે લ્યૂક શોના પાસ પર હેડર વડે બોલ ગોલ પોસ્ટમાં મોકલી દીધો હતો અને તેની સાથે ઇંગ્લેન્ડે 1-0ની સરસાઇ મેળવી લીધી હતી. તે પછી 43મી મિનીટે બુકાયો સાકાએ હેરી મેગ્વાયરના પાસને ગોલ પોસ્ટમાં મોકલીને ટીમની સરસાઇ 2-0 કરી દીધી હતી. શરૂઆતમાં ઈરાનનો ગોલકીપર ઘવાયો હોવાથી 14 મિનીટનો ઇન્જરી ટાઇમ અપાયો હતો, અને તે દરમિયાન રહીમ સ્ટર્લીંગે કેપ્ટન હેરી કેનના પાસને ગોલમાં ફેરવીને સરસાઇ 3-0 કરી હતી અને પહેલા હાફના સમયે સ્કોર 3-0 રહ્યો હતો. તે પછી બીજા હાફમાં ઇગ્લેન્ડ વતી વધુ ત્રણ ગોલ થયા હતા, જ્યારે ઇરાન વતી બંને ગોલ બીજા હાફમાં થયા હતા, જેમાંથી એક બીજા હાફની શરૂઆતમાં અને બીજો અંતિમ વ્હીસલ વાગી તેના પહેલા થયો હતો.
બીજા હાફની રમત શરૂ થયા પછી 62મી મિનીટમાં બુકાયો સાકાએ સ્ટર્લીંગના પાસ પર પોતાનો બીજો અને ટીમનો ચોથો ગોલ કરીને સરસાઇ 4-0 પર પહોંચાડી દીધી હતી, તેની ત્રણ મિનીટ પછી ઇરાનના મહેદી તરેમીએ જોરદાર ગોલ કર્યો હતો. તરેમીએ ઘોલીજાદેહના પાસને ગોલ પોસ્ટમાં મોકલતા સ્કોર 4-1 થયો હતો. 70મી મિનીટમાં હેરી મેગ્વાયર ઘાયલ થઇને બહાર ગયો હતો અને તેની સાથે બુકાયો સાકા, રહીમ સ્ટર્લીંગ અને મેસન માઉન્ટને ઇંગ્લેન્ડે બહાર બોલાવીને એરિક ડાયર, માર્કસ રેશફોર્ડ, જેક ગ્રીલિશ અને ફિલ ફોડેન એમ ચાર સબસ્ટીટ્યૂટને મેદાને ઉતર્યા હતા. જેમાંથી રેશફોર્ડે આવતાની સાથે જ કેપ્ટન કેનના પાસને ગોલમાં ફેરવીને સ્કોર 5-1 પર પહોંચાડી દીધો હતો. તે પછી 90મી મિનીટે ગ્રીલિશે કેલમ વિલ્સનના પાસને ગોલમાં ફેરવીને સ્કોર 6-1 કરી દીધો હતો.
ફિફા વર્લ્ડકપ : ઓસ્ટ્રેલિયા સામે મિડફિલ્ડની નબળાઈઓ દૂર કરવાની ફ્રાન્સને જરૂર
દોહા : ફિફા વર્લ્ડકપમાં (FIFA World Cup) ગ્રુપ-ડીમાં ફ્રાન્સની (France) ટીમ આવતીકાલે મંગળવારે જ્યારે અહીં ઓસ્ટ્રેલિયા (Australia) સામે પોતાની પહેલી મેચ રમવા માટે ઉતરશે ત્યારે પોતાની મિડફિલ્ડની નબળાઇ તેઓ દૂર કરવા માગશે. ઇજાગ્રસ્ત કરીમ બેન્ઝેમાની ગેરહાજરી છતાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સ પાસે મજબૂત ફ્રન્ટ લાઇન છે, ફ્રાન્સની ટીમ મોટાભાગે પોતાની ફ્રન્ટ લાઇનમાં કિલિયન એમ્બાપ્પે, એન્ટોની ગ્રીઝમેન અથવા ઓલિવર ગિરૂડનો સમાવેશ કરશે, આ ત્રણેય કોઈ પણ ટીમનો ભાગ હોય તેના માટે સોનામા સુગંધ ભળવા જેવી વાત છે. આ ત્રણેએ મળીને ફ્રાન્સ માટે 119 ઇન્ટરનેશનલ ગોલ કર્યા છે, જ્યારે તેમની ગતિ, અનુભવ અને કૌશલ્ય બેજોડ છે.
જોકે ફ્રેન્ચ મિડફિલ્ડ એટલું મજબૂત નથી અને ઓસ્ટ્રેલિયા સામે ટીમ માટે તે સમસ્યા બની શકે છે. ચાર વર્ષ પહેલા જ્યારે બંને ટીમો તેમની પ્રથમ વર્લ્ડકપ મુકાબલામાં સામસામે આવી હતી, ત્યારે ફ્રાન્સને મિડફિલ્ડમાં તેમના શ્રેષ્ઠ ખેલાડીઓ હોવા છતાં તેમણે 2-1થી જીતવા માટે મહેનત કરવી પડી હતી. તેનાથી વિપરીત, ઓસ્ટ્રેલિયા પાસે એક મજબૂત મિડફિલ્ડ છે જેની આગેવાની અનુભવી એરોન મૂઈની છે. મેથ્યુ લેકી વર્લ્ડકપ 2014માં ઓસ્ટ્રેલિયાનો સર્વશ્રેષ્ઠ ખેલાડી હતો અને ફરી એકવાર ટીમને તેની પાસેથી ઘણી આશાઓ હશે. લેકી 13 આંતરરાષ્ટ્રીય ગોલ સાથે રાષ્ટ્રીય ટીમનો ટોપ સ્કોરર પણ છે.