કતાર: ફિફા વર્લ્ડ કપને (FIFA World Cup) હવે માત્ર એક દિવસ બાકી છે અને મેદાન પર રમત શરૂ થાય તે પહેલાં જ એક અલગ પ્રકારની રમત શરૂ થઈ ગઈ છે. અહેવાલો અનુસાર, યજમાન દેશ કતાર મેચ ફિક્સિંગના (Fixing) આરોપોનો સામનો કરી રહ્યું છે. કતાર પર તેમની પ્રથમ મેચના વિરોધી ઇક્વાડોરને લાંચ આપવાનો આરોપ છે.બ્રિટિશ મિડલ ઇસ્ટ સેન્ટર ફોર સ્ટડીઝ એન્ડ રિસર્ચના પ્રાદેશિક નિર્દેશક અમજદ તાહાના જણાવ્યા અનુસાર, કતારએ વિપક્ષી ખેલાડીઓને લાંચ આપી છે.તાહા અને અન્ય આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, કતારે આઠ ઇક્વાડોરિયન ખેલાડીઓને ટૂર્નામેન્ટની શરૂઆતની મેચ હારી જવા માટે 7.4 મિલિયન ડોલર (આશરે રૂ. 60 કરોડ) ચૂકવ્યા હતા. તાહાએ એ પણ દાવો કર્યો કે, ”કતાર આ મેચ 1-0થી જીતશે અને મેચનો એકમાત્ર ગોલ બીજા હાફમાં આવશે.” વર્લ્ડ કપમાં વૈશ્વિક સ્તરે 100 અબજ ડોલર (લગભગ 8.17 લાખ કરોડ રૂપિયા)થી વધુનો સટ્ટો રમાશે.
પ્રાઇઝ મની: ક્રિકેટ-ફૂટબોલ વર્લ્ડ કપમાં જમીન-આસમાનનો ફરક
ટી20 વર્લ્ડ કપ 2022માં ચેમ્પિયન ટીમને ઇનામની રાશિના રૂપમાં 13 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ ટુર્નામેન્ટ ઓસ્ટ્રેલિયામાં યોજાઈ હતી. જોકે, હવે કતારમાં યોજાનાર ફિફા વર્લ્ડ કપ 2022નો 20 નવેમ્બરે ધમાકેદાર પ્રારંભ થશે. ફિફા વર્લ્ડ કપમાં ચેમ્પિયનને મળનાર પ્રાઇઝ મની ટી20 વર્લ્ડ કપથી આશરે 26 ગણા વધારે છે.ક્રિકેટ અને ફૂટબોલ વર્લ્ડકપ જીતનારી બંને ટીમોને કેટલા પૈસા મળે છે તે જાણવા ચાહકો પણ ઉત્સુક છે. પ્રાપ્ત માહિતી મુજબ, ક્રિકેટ અને ફિફા વર્લ્ડ કપની ચેમ્પિયન ટીમને મળનાર ઇનામી રકમમાં આશરે, 26 ગણું અંતર છે. એટલે કે ટી20 વર્લ્ડ કપ જીતનાર ટીમને જે રકમ મળી છે તેનાથી 26 ગણી રકમ ફિફા વર્લ્ડ કપ જીતનાર ટીમને મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ ટી20 વર્લ્ડ કપ માટે કુલ 5.6 મિલિયન ડોલર (રૂ. 45.14 કરોડ)ની ઈનામી રકમ નક્કી કરી હતી, જે તમામ 16 ટીમોએ શેર કરી હતી. ફાઈનલની ચેમ્પિયન ટીમને ઇનામી રકમ તરીકે લગભગ 13 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. જ્યારે રનર-અપ ટીમને લગભગ 6.44 કરોડ રૂપિયા મળ્યા હતા.