લુસેલ : ફિફા વર્લ્ડકપના (FIFA World Cup) ગ્રુપ એચની ગત મોડી રાત્રે રમાયેલી એક મેચમાં બ્રુનો ફર્નાન્ડિસના બે ગોલની મદદથી પોર્ટુગલે ઉરુગ્વે સામે 2-0થી જીત મેળવીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. પ્રથમ મેચમાં ઘાનાને 3-2થી હરાવ્યા બાદ પોર્ટુગલ ફ્રાન્સ અને બ્રાઝિલ પછી અંતિમ 16માં પહોંચનારી ત્રીજી ટીમ બની હતી. ઉરુગ્વે બે મેચમાંથી એક પોઈન્ટ ધરાવે છે અને તેને આગળ વધવા માટે શુક્રવારે ઘાનાને હરાવવું પડશે.
આ મેચમાં પોર્ટુગલનો પહેલો ગોલ થયો ત્યારે સ્ટાર સ્ટ્રાઈકર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જે રીતે ઉજવણી કરી તે જોઈને લાગતું હતું કે ગોલ તેણે કર્યો છે, પરંતુ હકીકતમાં આખરી ટચ ફર્નાન્ડિસનો હતો. ડાબી બાજુથી ફર્નાન્ડિસનો શોટ રોનાલ્ડોના માથા ઉપરથી ગોલમાં ગયો હતો. ગોલ થતાં જ રોનાલ્ડોએ તેના હાથ હવામાં ઉંચા કર્યા અને ફર્નાન્ડિસને ભેટ્યો હતો અને ગ્રાઉન્ડ પર મોટી સ્ક્રીન પર તેની ક્લોઝ અપ રિપ્લે વારંવાર બતાવવામાં આવી હતી. ફર્નાન્ડિસે સ્ટોપેજ ટાઈમમાં પેનલ્ટી સ્પોટ પરથી બીજો ગોલ કર્યો હતો. છેલ્લી ઘડીમાં તે ગોલ કરવાની નજીક આવ્યો પરંતુ બોલ પોસ્ટ પર વાગતા તે હેટ્રિક ચૂકી ગયો હતો.
પોર્ટુગીઝ ડિફેન્ડર પેપે વર્લ્ડકપમાં રમનારો બીજો સૌથી વધુ વય ધરાવતો ખેલાડી બન્યો
પોર્ટુગલ અને ઉરુગ્વે વચ્ચેની ગ્રુપ એચની મેચમાં 39 વર્ષીય પોર્ટુગીઝ ડિફેન્ડર પેપે વર્લ્ડકપમાં રમનાર બીજો સૌથી મોટી ઉંમરના ખેલાડી બન્યો હતો. વર્લ્ડ કપમાં રમનાર સૌથી વધુ વયે રમવાનો રેકોર્ડ રોજર મિલાના નામે છે, જે 1994માં રમાયેલા વર્લ્ડકપમાં 42 વર્ષની ઉંમરે કેમરૂન તરફથી રમ્યો હતો.
સુપરમેનવાળી વાદળી ટીશર્ટ પર સેવ યુક્રેન લખીને આવેલા પ્રેક્ષકને બહાર કઢાયો
પોર્ટુગલ-ઉરૂગ્વે વચ્ચેની મેચ દરમિયાન, એક પ્રેક્ષક રંગબેરંગી ધ્વજ લઈને મેદાન પર આવ્યો, જેણે સુપરમેનવાળી વાદળી ટી-શર્ટ પહેરી હતી, જેના પર ‘સેવ યુક્રેન’ લખેલું હતું. સુરક્ષા અધિકારીઓ તેને પકડીને બહાર લઈ ગયા. તે પહેલા તેણે ધ્વજને જમીન પર મૂકી દીધો હતો. રેફરીએ પાછળથી ધ્વજ ઉપાડ્યો અને તેને તે બાજુ પર મૂક્યો જ્યાંથી સ્ટાફ તેને લઈ ગયો. પુરુષના ટી-શર્ટની પાછળ ‘ઈરાની મહિલાઓ માટે સન્માન’ લખ્યું હતું.