Feature Stories

સુરતીઓમાં પણ છવાયો FIFA ફીવર, ધીમે ધીમે બની રહ્યા છે ફૂટબોલ લવર

હાલમાં જ કતાર ખાતે વર્લ્ડ કપ ફૂટબોલ મેચ ચાલી રહી છે જેમાં વિશ્વમાં 32 દેશો ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે જેથી સમગ્ર વિશ્વના ફૂટબોલ પ્રેમીઓમાં પણ ખાસ્સો રોમાંચ જોવા મળી રહ્યો છે ત્યારે ખાણી પીણી, ઉત્સવ અને કલા ક્ષેત્રમાં હંમેશા આગળ રહેતાં આપણાં ઉત્સાહી સુરતીઓ કેમ પાછળ રહે. આમ તો સુરતમાં વર્ષોથી ફૂટબોલની પ્રેક્ટિસ થતી રહી છે અને ટુર્નામેંટ્સ પણ યોજાતી રહે છે અને જેથી જ તો શહેરના ફૂટબોલ લવર્સ માટે તો સુરતમાં રાંદેર વિસ્તાર ‘ફૂટબોલનું મક્કા’ તરીકે જાણીતો છે જ ત્યારે fifa ના કારણે ખેલાડીઓ સહિત ફૂટબોલ રસિયાઓના પગમાં નવું જોમ આવ્યું છે અને તેમનો ઉત્સાહ બેવડાયો છે. તો ચાલો કરીએ કેટલાક ફૂટબોલ લવર્સ સાથે મુલાકાત.

સ્કૂલમાં બાળકો માટે FIFA અપડેટ્સ સ્ક્રીન પર મૂકું છુ: ઝુબેર મોદન
શહેરની એક જાણીતી શાળામાં ફૂટબોલ કોચ તરીકે ફરજ બજાવતા ઝુબેર મોદન કહે છે કે, હું પોતે ફૂટબોલ પ્લેયર છુ અને ઇંડિયન ટિમ ટોપ 35 માટે અંડર 19 કેટેગરીમાં સમગ્ર ઈન્ડિયામાથી સુરતમાં પહેલા નેશનલ પ્લેયર તરીકે સિલેક્ટ થયો હતો. હાલમાં કતાર ખાતે FIFA વર્લ્ડ કપ ચાલી રહ્યો છે ત્યારે અમારી શાળાના બાળકો પણ ખાસ્સા ઉત્સાહિત છે અને એમનો આ ઉત્સાહ જાળવી રાખવા માટે હું સ્કૂલમાં મેચના સ્કોર અપડેટ કરતો રહું છુ અને જે મેચ બાળકો જોવાનું ચૂકી જાય એને રેકોર્ડ કરીને રાખું છુ, બાદમાં એને TV સ્ક્રીન પર બાળકોને બતાવું છુ. આમ તો બાળકો રૂટિનમાં ફૂટબોલ રમતા જ હોય છે પરંતુ FIFA ના કારણે ઘણા બાળકો ફૂટબોલ પ્લેયર બનવાના સપના જોઈ રહ્યા છે. જેથી હાલમાં તો લાગે છે કે, અત્યાર સુધી લોકોમાં ક્રિકેટ પ્રત્યે જે ક્રેઝ જોવા મળતો હતો જે હવે FIFA ના કારણે ફૂટબોલ પ્રત્યે પણ જોવા મળી રહ્યો છે.’

હોસ્ટેલમાં પણ ફૂટબોલ સાથે જ રાખું છુ: હરીના વ્યાસ
ફૂટબોલ લવર હરીનાની વાતો તો ખાસ્સી ઇન્ટરેસ્ટિંગ છે. તેની ફૂટબોલની શરૂઆત વિષે જાણીએ તો લાગે કે કોઈ ફિલ્મી સીન સાંભળી રહ્યા છીએ. હાલમાં ગ્રેજયુએશનનો અભ્યાસ કરી રહેલી હરીના કહે છે કે, ‘જ્યારે હું સ્કૂલમાં હતી ત્યારે અમને PT ના પિરિયડમાં મેદાનમાં લઈ ગયા હતા જ્યાં અન્ય બાળકો ફૂટબોલ રમતા હતા, જેથી મારી પાસે ફૂટબોલ પડેલો હતો જેને મે કીક મારી અને જે જોઈ રહેલા સ્પોર્ટ્સ સરે મને આવીને પુછ્યું કે તું ફૂટબોલ રમીશ? ને મેં હા પાડી દીધી. જો કે સરે મને ડિસ્ટ્રિક્ટ લેવલે રમવા માટે સુરતની બહાર આવવા માટે પુછ્યું ત્યારે પપ્પાના સપોર્ટથી જઇ શકી અને અંડર 19 માં રમી હતી જ્યારે હું માત્ર 14 વર્ષની હતી અને મને ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું હતું.પછી તો હું નેશનલ લેવલે પણ રમી અને હજુ પણ આગળ વધવાની ઈચ્છા છે પરંતુ દસમા ધોરણ બાદ જ્યારે હું ફૂટબોલ રમવા માટે જઇ રહી હતી ત્યારે મને અકસ્માત નડ્યો હતો જેને લઈને મારા લીગામેંટ્સને નુકશાન થયું હતું જેથી સ્વસ્થ થયા બાદ ફરીથી રમીશ. જો કે આજે પણ હું હોસ્ટેલમાં ફૂટબોલ મારી સાથે રાખું છુ અને રોજ એકવાર તો રમી જ લઉં છુ. આ સિવાય મારા કી ચેઇન કે અન્ય વસ્તુઓમાં પણ હું ફૂટબોલ હોય એવું જ લેવાનું પસંદ કરું છુ તો સ્કૂલ સમયમાં મે મારા ઘરની દીવાલ પર જાતે ફૂટબોલ પેઈન્ટ કર્યો હતો. આજે જ્યારે FIFA વર્લ્ડ કપ ચાલે છે ત્યારે ત્યાં દોડી જવાનું મન થાય છે.’

દીકરો ફૂટબોલ શીખવાની જીદ લઈને બેઠો છે: રોશની પારેખ
શહેરના રાંદેર વિસ્તારમાં રહેતા ફીઝિયોથેરપિસ્ટ રોશનીબહેન પારેખના 8 વર્ષીય દીકરા દેવને ક્રિકેટ અને ફૂટબોલનો શોખ તો હતો જ પણ હાલમાં FIFA વર્લ્ડ કપ જોઈને એનો ફૂટબોલનો ક્રેઝ એકદમ જ વધી ગયો છે. રોશનીબહેન કહે છે કે, ‘પહેલા તો એ ઘરે જ પ્રેક્ટિસ કરતો હતો પણ હવે તો એ ટ્રેનિંગ માટેની જીદ લઈને બેઠો છે. પહેલાં તો એવું હતું કે હું એના માટે મારી પસંદની કોઈ પણ વસ્તુ કે કપડાં લઈને આવું તો એ ચલાવી લેતો પણ હવે તો એ સ્પેશ્યલી ફૂટબોલ વાળા કપડાં કે રમકડાં લેવાની જીદ કરે છે ને હાલમાં જ મારે એને એક નવો ફૂટબોલ પણ અપાવવો પડ્યો છે અને ઘરમાં કોઈપણ વસ્તુઓને ફૂટબોલ સમજીને રમવા લાગે છે જેથી મારે દરેક વસ્તુઓ સાચવીને રાખવી પડે છે’

ફૂટબોલ રમતાં રમતાં જ બન્યો ફૂટબોલ કલબનો માલિક: અબુલ મજીદ શેખ
શહેરના રાંદેર વિસ્તારમાં રહેતાં અબુલ મજીદ શેખ પોતે ફૂટબોલ પ્લેયર પણ છે અને પોતાની એક ફૂટબોલ કલબ પણ ધરાવે છે. જો કે, આજે 50 વર્ષની ઉંમરે પણ તેમનો ફૂટબોલનો ક્રેઝ જરાય ઓછો થયો નથી. અબુલ મજીદ શેખ જણાવે છે કે, ‘હું તો બાળપણથી જ ફૂટબોલ રમીને મોટો થયો છું અને ફૂટબોલ સાથે આજીવન જોડાયેલો રહું એ માટે જ આજે એક ફૂટબોલ કલબનો માલિક પણ છું ને મારા ફૂટબોલ પ્રેમના કારણે જ હાલમાં કતાર ખાતે રમાઈ રહેલી વર્લ્ડ કપ નિહાળવાનો લહાવો લેવાનું કેવી રીતે ચૂકું. જેથી હું આગામી તારીખ 4 ડિસેમ્બરના રોજ સુરતથી કતાર જવા માટે રવાના થઈશ. જો કે આ અગાઉ પણ હું દુબઈમાં યોજાયેલ અંડર 19 જોવા જઇ ચૂક્યો છુ પણ ફૂટબોલનો ક્રેઝ એટલો બધો છે કે હાલમાં પણ હું મારી જાતને રોકી નથી શકતો જેથી હાલમાં યોજાયેલો વર્લ્ડ કપ એશિયા અને મિડલ ઈસ્ટમાં હોવાથી મજા આવે છે અને એ અફોર્ડેબલ પણ છે. જો કે મારા ગમતા ફૂટબોલ પ્લેયરની વાત કરું તો ટિમ પોર્ટુગલના પ્લેયર ક્રિસ્ટીઆનો રોનાલ્ડો ફેવરિટ છે જેથી મને તેમને મળવાનો ચાન્સ મળે એવી ઈચ્છા છે.’

Most Popular

To Top