છેલ્લા કેટલાક સમયથી મધ્યપૂર્વમાં ઇઝરાયેલ અને હમાસના યુદ્ધમાં સંપૂર્ણ નહીં તો યે ઘણે અંશે શાંતિ હતી, જ્યાં એક તકલાદી યુદ્ધ વિરામ અમલમાં હતો. આ યુદ્ધ વિરામનો પહેલો તબક્કો પુરો થયો તેના પછી બીજા તબક્કા માટે બે સપ્તાહ જેટલા સમયથી વાટાઘાટો થઇ શકી ન હતી અને છેવટે આ યુદ્ધ વિરામનો અંત આવી ગયો દેખીતી રીતે લાગે છે જ્યારે ઇઝરાયેલે મંગળવારે વહેલી સવારે ગાઝા પટ્ટીના વિસ્તારોમાં હવાઇ હુમલાઓ કર્યા હતા, જેમાં મહિલાઓ અને બાળકો સહિત ૪૦૦થી વધુ પેલેસ્ટાઇનીઓ માર્યા ગયા હતા. મુસ્લિમોના પવિત્ર રમઝાન માસ દરમ્યાન જ આ હુમલાઓ ફરી શરૂ થયા છે અને તેમણે હમાસના કબજામાં રહેલા બાકીના બંધકોના ભાવિ સામે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે.
હમાસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે યુદ્ધ તરફ પાછા વળવાનો નેતાન્યાહુનો નિર્ણય એ બાકીના બંધકો માટે દેહાંતદંડ સમાન છે. હમાસની આ ધમકી ભયંકર છે અને તે ફરીથી ભારે યુદ્ધ ભડકાવી શકે છે. યુદ્ધ વિરામનો પહેલો તબક્કો બે સપ્તાહ પહેલા જ પુરો થઇ ગયો હતો અને ત્યારબાદ બીજા તબક્કા અંગે કોઇ મંત્રણા શરૂ થઇ શકી ન હતી તેથી ઘણા પેલેસ્ટઇનીઓને લાગતુ હતુ઼ કે હવે ફરીથી યુદ્ધ શરૂ થઇ શકે છે અને તેમની ધારણા કદાચ સાચી પડી છે. પ્રથમ તબક્કામાં હમાસે લગભગ 2,000 પેલેસ્ટિનિયન કેદીઓના બદલામાં 25 ઇઝરાયલી બંધકોને મુકત કર્યા હતા અને કેટલાક મૃતદેહો પરત કર્યા હતા.
પરંતુ પક્ષો બાકીના 59 બંધકોને મુક્ત કરવાના માર્ગ પર આગળ વધવા સંમત થઇ શક્યા નથી. નેતાન્યાહુ ઇઝરાયેલમાં ભારે ભીંસમાં છે. એક તો તેમની સામે બંધક કટોકટીને યોગ્ય રીતે હાથ નહીં ધરવાના આક્ષેપો પ્રજા તરફથી થઇ રહ્યા છે. બીજી બાજુ તેમની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો પણ છે. આ હુમલા પછી આ કાર્યવાહીમાં તેમની પૂછપરછ રદ થઇ છે. વળી એક કટ્ટર યહુદી પાર્ટી કે જે યુદ્ધ વિરામ વખતે ગઠબંધન છોડી ગઇ હતી તે હવે ગઠબંધનમાં પાછી ફરી છે એટલે હાલ તો તેમની સરકાર બચી ગઇ છે. તેઓ કદાચ પોતાની જાતને અને સરકારને બચાવવા યુદ્ધે ચડ્યા છે પણ આ તેમને ભવિષ્યમાં વધુ મોંઘુ પડી શકે છે.
હમાસના હાથમાં પકડાયેલા બંધકોના પરિવારોના જૂથે આ યુદ્ધ ફરી શરૂ કરવા બદલ નેતાન્યાહુ સરકારની ટીકા કરી છે અને કહ્યું છે કે સરકારે બંધકોને તેમના હાલ પર છોડી દેવાનું પસંદ કર્યુ છે. અમને એ વાતથી આઘાત લાગ્યો છે અને રોષ જન્મ્યો છે કે અમારા સ્વજનોને પરત લાવવાની પ્રક્રિયા ઇરાદાપૂર્વક ખોરવી નાખવામાં આવી છે એમ હોસ્ટેજ એન્ડ મિસિંગ ફેમીલીઝ ફોરમે એક નિવેદનમાં જણાવ્યું હતું. દેખીતી રીતે સ્થિતિ ઘણી જ મુશ્કેલ છે અને તે આખી દુનિયાને ચિંતા કરાવે તેવી છે.
