સુરત: આજે લાભપાંચમને શનિવારની વહેલી સવારે લસકાણાના એક કારખાનામાં ભીષણ આગફાટી નીકળતા ફાયર બ્રિગેડ દોડતું થઈ ગયું હતું. લસકાણાની શિવ ઇન્ડસ્ટ્રીઝમાં વહેલી સવારે અચાનક આગ ફાટી નીકળી હતી. કારખાનાના ચોથા માળે લાગેલી આગમાં 6 કામદારો ફસાઈ ગયા હતા. આગને પગલે ભારે ભાગદોડ મચી ગઇ હતી. ફાયરના જવાનોએ તમામ મજુરોને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા.
ફાયર ઓફિસર રોઝી વાડિયા એ જણાવ્યું હતું કે આગ ભીષણ હતી. માટે ચાર ફાયર સ્ટેશનના જવાનોએ કલાકોની મહેનત બાદ આગને કંટ્રોલ કરી હતી. આગમાં કરોડોનું નુકશાન થયું હોવાનું અનુમાન છે. જોકે હાલ કારખાનેદાર નુકશાનીના સર્વેની કામગીરી કરાવી રહ્યા છે.
વધુમાં ફાયર વિભાગે જણાવ્યું હતું કે ઘટના વહેલી સવારે 4:15 કલાકે બની હતી. લસકાણાની શિવ ઇન્ડસ્ટ્રીઝના પ્લોટ નંબર 176 થી 180 ના ચોથા માળે અચાનક આગ લાગી હતી. ઘટનાની જાણ બાદ સરથાણા, કાપોદ્રા, મોટા વરાછા, ARC-કામરેજના ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળ જવા માટે રવાના થઇ હતી. તેમજ આ ભીષણ આગમાં ચોથા માળે ફસાયેલા છ કામદારોને રેસ્ક્યુ કરવામાં ફાયર વિભાગના જવાનોને સફળતા મળી છે. માટે કોઇ જાનહાનિ થઇ નથી.
ફાયર ઓફિસર રોઝી વાડિયાએ જણાવ્યું હતું કે આગ લાગવા પાછળનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કીટ હોવાનું પ્રાથમિક અનુમાન છે. એટલું જ નહીં પણ ચોથા માળે TFO મશીન ચાલતા હોવાથી અને યાનનું ગોડાઉન હોવાથી આગ ઝડપથી પ્રસરી હોવાનું કહી શકાય છે. શિવ ઇન્ડસ્ટ્રીમાં લાગેલી આગમાં લગભગ 12 TFO મશીન અને 250 ટન યાર્નનો જથ્થો બળીને ખાખ થઇ ગયો છે. વધુ તપાસ ચાલી રહી છે.
શુક્રવારે કતારગામમાં આગ લાગી હતી
સુરત: અશ્વનિકુમાર રોડ નજીકના એક બંધ મકાનમાં મધરાત્રે અચાનક આગ ફાટી નીકળતા ફાયર વિભાગ દોડતું થઈ ગયું હતું. ફાયર ઓફિસર યશ મોઢએ જણાવ્યું હતું કે ઘટના એસીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે બની હતી. આગ લાગ્યા બાદ સમય સર ફાયરની જાણ કરી દેવાતા ગણતરીની મિનિટોમાં આગને કંટ્રોલ કરી દેવાય હતી. જોકે ઘરનો ઘણો સામાન બળીને ખાક થઇ ગયો હતો.