સુરત (Surat): સચિન જીઆઇડીસીના (SachinGIDC) રોડ નંબર 24માં આવેલી સંસ્કૃતિ પ્રોસેસ પ્રાઇવેટ લિમિટેડમાં અચાનક આગ (Fire) લાગી જતા ભાગદોડ મચી ગઇ હતી. મંગળવારની મોડી રાત્રે લાગેલી આગ બાદ ફાયર ફાઈટરની કુલ 10 વધુ ગાડીઓ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી.
ફાયરના જવાનોએ 5 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ દુર્ઘટનામાં આખી કંપની બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે આગમાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઇ ન હતી. એટલું જ નહીં પણ આગ લાગવા પાછળનું કારણ પણ જાણી શકાયું ન હતું.
ઈશ્વર પટેલ (ફાયર ઓફિસર) એ જણાવ્યું હતું કે કોલ આઉટ સિટી નો હતો. એટલે લગભગ મોડી જાણ થઇ હતી. માનડરવાજા અને ભેસ્તાન ફાયર સ્ટેશનને કોલ મળ્યા બાદ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. આગ મિલને ચારેય બાજુથી ઘેરી વળી હતી. આગ વધુ ઉગ્ર ન બને અને આજુબાજુની મિલમાં નહીં વકરે એ દિશામાં પ્રથમ કામગીરી હાથ ધરાઈ હતી. તેમજ મિલમાં ડીઝલ સ્ટોરેજ વિભાગને બચાવવાના પ્રયાસ કરાયા હતા. કલાકો સુધી આ કામગીરીમાં વ્યસ્ત રહ્યા હતા.
વધુમાં જણાવ્યું હતું કે ભીષણ આગમાં ગ્રાઉન્ડ સાથે બે માળ ભડ ભડ સળગી રહ્યા હતા. જોકે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગને કાબુમાં લેવા માટે GIDC ફાયર સ્ટેશન સાથે મળી એક સાથે ચારેય દિશાઓમાંથી પાણીનો સતત મારો કરાતા કલાકો બાદ એટલે કે 8-9 કલાક બાદ આગ કાબુમાં આવી હતી.
આખી મિલ બળીને ખાખ થઈ ગઈ હતી. કાપડનો જથ્થો, મશીનરી, ફર્નિચર, સહિતની તમામ વસ્તુઓ આગમાં સળગી ગયા હતા. જોકે આગ લાગતા જ તમામ કારીગરો દોડીને બહાર આવી ગયા હતા. આગ લાગવા પાછળ મોટરમાં સ્પાર્ક થયા બાદ તણખલાઓ ને કારણે આગ ફાટી નીકળી હોવાનું કહી શકાય છે. આગ માં બધું જ ગુમાવનાર મિલ માલિક પણ આઘાતમાં સરી પડ્યા હતા. રાત્રે 11 થી સવારે 8:30 સુધી આગ ને કંટ્રોલ કરી કુલિંગ કરતા સમય લાગ્યો હતો. હાલ તપાસ ચાલુ છે.