નવી દિલ્હી: વિશાખાપટ્ટનમના (Visakhapatnam) બંદર (Port) ઉપર ગઇ કાલે રાત્રે એટલે કે રવિવારે ભીષણ આગ (Fire) લાગી હતી. જેમાં કરોડોનું નુકશાન (Loss) થયુ હતું. આગ અજાણ્યા ઇસમોએ લગાવી હોવાની આશંકાને કારણે પોલીસે (Police) ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આગમાં 40 બોટ (Boat) સળગીને રાખ થઇ ગઇ હતી. તેમજ ભારે નુકશાનને પગલે બોટના માલિકો ભારે દુ:ખમાં સરી ગયા હતાં.
મળતી માહિતી મુજબ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ સ્થિત બંદરમાં રવિવારે મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. આ આગ કેટલી જીવલેણ હતી તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આગમાં પાણીમાં ઉભેલી 40 બોટ સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ હતી. આગ બુઝાવવા માટે અનેક ફાયર ટેન્ડરોને તૈનાત કરવા પડ્યા હતા. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
પોર્ટમાં લાગેલી આગને કારણે 25-30 કરોડ રૂપિયાનું નુકસાન થવાની આશંકા છે. બોટમાં લાગેલી આગ જોઈને બોટ માલિકો પણ દુ:ખમાં સરી પડ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે તેમને શંકા છે કે અજાણ્યા લોકોએ આગ લગાવી હતી. આ આગ કુદરતી રીતે નથી લાગી. જેથી પોલીસે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે. અકસ્માત રાત્રે 11 વાગ્યે થયો હતો. માછીમારોએ ફાયર અધિકારીઓને જાણ કર્યા બાદ ફાયર એન્જિન પોર્ટ પર પહોંચી ગયા હતા. કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
ફાયર અધિકારીઓનું કહેવું છે કે આગનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. વિશાખાપટ્ટનમના ફાયર ઓફિસર એસ. રેણુકૈયાએ આ મામલે જણાવ્યું હતું કે બંદર પર ફિશિંગ બોટ ઊભી રાખવામાં આવી હતી. જેમાં એક પછી એક 40 બોટમાં આગ લાગી હતી. આગને કાબૂમાં લેવા અને બચાવ માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને વિશાખાપટ્ટનમ પોર્ટ ટ્રસ્ટની મદદ લેવામાં આવી હતી. જેના પગલે સવારે 4 વાગ્યા સુધીમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આગ મોડી રાત્રે લાગી હતી. ત્યાર બાદ પોલીસ અને ફાયર ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયરની ટીમે ભારે મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.