Sports

FIDE Ranking: ડી ગુકેશે ચેસમાં કારકિર્દીનું શ્રેષ્ઠ રેન્કિંગ હાંસલ કર્યું, પ્રજ્ઞાનંદ ટોપ 10 માં પાછો ફર્યો

આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશન FIDE દ્વારા 1 માર્ચની સાંજે નવીનતમ રેન્કિંગ બહાર પાડવામાં આવ્યું હતું જેમાં બે ભારતીય ખેલાડીઓનું વર્ચસ્વ જોવા મળ્યું હતું. આમાં એક નામ વિશ્વ ચેમ્પિયન ડી ગુકેશનું છે જ્યારે બીજું નામ ભારતીય ગ્રાન્ડમાસ્ટર પ્રજ્ઞાનંદનું છે. ડિસેમ્બર 2024 માં ચીનના ડિંગ લિરેનને હરાવીને વર્લ્ડ ચેમ્પિયનશિપનો ખિતાબ જીતનાર ડી ગુકેશે પોતાના કરિયરનું શ્રેષ્ઠ રેન્કિંગ હાંસલ કર્યું છે. પ્રજ્ઞાનંદએ રેન્કિંગમાં ટોચના 10 ખેલાડીઓમાં ફરી પ્રવેશ કર્યો છે.

FIDE દ્વારા જાહેર કરાયેલા તાજેતરના રેન્કિંગમાં ડી ગુકેશને 10 રેટિંગનો ફાયદો થયો છે અને કુલ 2787 રેટિંગ સાથે ત્રીજા સ્થાને છે. ગુકેશ તાજેતરમાં વિસ્ક આન ઝી ખાતે ટાટા સ્ટીલ માસ્ટર્સમાં ટાઇ-બ્રેકમાં પ્રજ્ઞાનંદ સામે હારી ગયો હતો. ડી ગુકેશ બીજા ક્રમે રહેલા હિકારુ નાકામુરાથી 15 પોઈન્ટ પાછળ છે જેમનું કુલ રેટિંગ 2802 છે. જ્યારે નોર્વેના મેગ્નસ કાર્લસન FIDE રેન્કિંગમાં પ્રભુત્વ ધરાવે છે અને હાલમાં 2833 ના રેટિંગ સાથે ટોચના સ્થાને છે. ગુકેશ ઉપરાંત અર્જુન એરિગાઇસી, જે અગાઉ દેશના ટોચના ચેસ ખેલાડી હતા હવે 2777 ના રેટિંગ સાથે નવીનતમ રેન્કિંગમાં પાંચમા ક્રમે પહોંચી ગયા છે.

જુલાઈ 2024 માં ટોપ-10 ની યાદીમાંથી બહાર થઈ ગયેલ આર પ્રજ્ઞાનંદ લાંબા સમય પછી પુનરાગમન કરવામાં સફળ રહ્યો છે. પ્રાગ માસ્ટર્સમાં પ્રજ્ઞાનંદએ 17 રેટિંગ અને કુલ 2758 પોઈન્ટ સાથે 8મું સ્થાન મેળવ્યું છે. જો મહિલાઓના રેન્કિંગની વાત કરીએ તો ભારતની કોનેરુ હમ્પી 2528 ના રેટિંગ સાથે છઠ્ઠા સ્થાને છે.

Most Popular

To Top