Business

ચંચળ મન

ભગવાને બોધ આપ્યો હતો કે માણસે સદા પોતે પણ એવું આચરણ કરવું જોઈએ જેવું તે બીજા પાસેથી ઇચ્છે છે. હવે શ્રી કષ્ણ ભગવાન મનના ચંચલ સ્વભાવ ઉપર પ્રકાશ પાથરી રહ્યા છે. જેમ શેરડીનો સહજ સ્વભાવ મિઠાશનો છે, ગોળનો સહજ સ્વભાવ ગળપણનો છે, ફૂલનો સહજ સ્વભાવ સુગંધ આપવાનો છે. તેમ મનનો સહજ સ્વભાવ કેવો છે ? ભગવાન સ્વામિનારાયણ મનનું લક્ષણ જણાવતાં વચનામૃત ગ્રંથના ગઢડા પ્રથમ પ્રકરણના ૧૨મા વચનામૃતમાં કહે છે, ‘મન સંકલ્પ વિકલ્પરૂપ છે.’ એટલે મન હંમેશા વિચારો કરતું જ રહે છે અને તેથી જ મનને ધજાની પૂંછડીની ઉપમા આપવામાં આવી છે. જેમ ધજાની પૂંછડી એક ઠેકાણે સ્થિર નથી રહેતી તેમ મન પણ વિવિધ પ્રકારના સંકલ્પો કરતું જ રહે છે. આપણું મન પણ કેટલું ચંચળ છે તેનો એક પ્રયોગ કરીએ. 

આપણને કહેવામાં આવે કે આ લેખ વાંચતી વખતે વાંદરનો વિચાર નથી કરવાનો તો ૯૯% શક્યતા એવી છે કે તમને એકવાર તો વાંદરાનો વિચાર આવી જ જશે. કુરુક્ષેત્રના મેદાનમાં મનની ચંચળતાનો, વિહ્વળતાનો અને બળવાનપણાનો અનુભવ કરી રહેલા અર્જુન કૃષ્ણને આ જ વાત કહે છે;

तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम् ।। (गीता ६/३४) ‘હે શ્રીકૃષ્ણ ! મન ચંચળ, મંથન કરાવનાર, બળવાન અને દૃઢ છે. તેનો નિગ્રહ વાયુની પેઠે હું અતિ દુષ્કર માનું છું.’ મનની ચંચળતાનો અનુભવ દરેક વિદ્યાર્થીને થયો હશે – જ્યારે પુસ્તક હાથમાં રહ્યું હોય અને અડધો કલાક પછી ખબર પડે કે આપણે હજી એક પાનું પણ વાંચવાનું પૂરું કર્યું નથી. પણ મન તો હજારો માઈલ ફરી આવ્યું હોય. એ દર્શાવે છે કે આપણું મન ચંચળ છે. મન એટલું બધું ચંચળ છે કે દિવસમાં કેટલીયવાર યેન કેન પ્રકારેણ આપણને છેતરી જતું હોય છે.

એક ભાઈ મંદિરમાં એક રૂપિયાનું દાન કરવા ગયા. રૂપિયો કોઈ રીતે આઘો-પાછો ન થાય તે માટે મુઠ્ઠીમાં દાબી મંદિરે પહોંચ્યા. મુઠ્ઠી ખોલી તો પરસેવાથી રૂપિયો રેબઝેબ થઈ ગયો હતો. તેની લોભી પ્રકૃતિને ચંચળ મનનો સાથ મળી ગયો. તે ભાઈ દુઃખી થતાં થતાં રૂપિયા સામું જોઈને બોલ્યા; ‘રોઈશ મા, રોઈશ મા તને નહીં નાખી દઉં.’ એમ કહીને રૂપિયો ગજવામાં નાંખી દીધો. દાન આપવા માટે જ મંદિરનાં પગથિયાં ચઢ્યા હતા પરંતુ દગાબાજ ચંચળ મનને લીધે રૂપિયો ગજવામાં નાંખી પાછું આવવું પડ્યું. તેથી જ કહેવાયું છે, ‘મન જીતે સો મરદ હૈ.’

શા માટે મનને વશ કરવું જોઈએ? નીચેના મુદ્દાઓને આધારે આપણે આ વાતને સમજીએ.  મન આપણી પ્રત્યેક ક્રિયા પાછળનું પ્રેરકબળ છે. આપણે જ્યારે કોઈ ક્રિયા કરીએ છીએ ત્યારે ઇન્દ્રિયોની સાથે આપણું મન પણ અવશ્ય તેમાં જોડાય છે. મન જો વિહ્વળ હશે તો આપણી કોઈ ક્રિયામાં બરકત આવશે નહીં. તેથી મનને વશ કરવું અત્યંત જરૂરી છે.મનની સીધી અસર આપણા શરીર સાથે છે તેથી તેને વશ કરવું અત્યંત જરૂરી છે.

 આજે વિજ્ઞાન પણ કહે છે કે ૮૦% થી વધુ રોગો આવવાનું મુખ્ય કારણ મન છે. અસ્વસ્થ મનને લીધે જ આપણે ડિપ્રેશન, ફ્રસ્ટ્રેશનનો (Depression, Frustration) શિકાર બનીએ છીએ. અસ્વસ્થ મનને લીધે આપણું મન વિભ્રાંત થઈ જાય છે. શું કરવું? શું ન કરવું? તેનું કાંઈ સુઝતું નથી અને તેથી જ સ્મૃતિનાશ (Memory loss) થવાની પણ સંભાવના રહે છે. Digestive power Cholesterol level માં પણ ફેરફાર થઈ શકે છે.વળી, મન જ આપણા બંધન અને મુક્તિનું કારણ છે.

અમુક વખત ન જોવાનું જોવાઈ જતું હોય, ન વિચારવાનું વિચારાતું હોય તેનું કારણ પણ આપણું ચંચળ મન છે. મન કારણે પરાણે આપણે બંધનની ખાઈમાં ધકેલાતાં જઈએ છીએ. આવા બંધનોથી બચવા માટે મનને વશ કરવું જરૂરી છે.  બીજી બાજુ મન જો વશ થયું હોય તો તે આપણી મુક્તિનું સાધન બને છે. પરીક્ષિત રાજાને જ્યારે શુકદેવજીએ ઉપદેશ આપ્યો ત્યારે તેમનું મન સ્થિર થયું. પછી સર્પદંશ થયો તેમ છતાં તેઓ વિચલિત ન થયા. આ રીતે બ્રહ્મસ્વરૂપ સત્પુરુષની પ્રસન્નતા કે આત્યંતિક મુક્તિ માટે પણ મનને વશ કરવું જરૂરી છે. આમ, ‘ચઞ્ચલં હિ મનઃ કૃષ્ણ’ શ્લોક દરેક માણસની સમસ્યાને અભિવ્યક્ત કરે છે.

Most Popular

To Top