અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) શહેરના બોડકદેવ અને સોલા વિસ્તારમાં આવેલી હોસ્પિટલોમાં (Hospital) ગેરકાયદે ગર્ભ પરીક્ષણ (Fetal testing) ચાલતું હોવાની ફરિયાદ આરોગ્ય વિભાગને મળી હતી. જેને પગલે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવતા બોડકદેવની વાત્સલ્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં તેમજ સોલા રોડ ઉપર આવેલી મધર્સ પ્રાઇડ હોસ્પિટલમાં પણ ગર્ભ પરીક્ષણ ચાલતું હોવાથી આ બંને હોસ્પિટલમાંથી સોનોગ્રાફી (Sonography) અને અલ્ટ્રાસાઉન્ડ મશીન (Ultrasound machine) સીલ કરી સંલગ્ન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
- ડો. નિકુંજ શાહ અને પત્ની ડો. મિનાક્ષી સામે ફોજદારી કાર્યવાહી
- બોડકદેવની વાત્સલ્ય અને સોલાની મધર્સ પ્રાઈડ હોસ્પિ.માંથી સોનોગ્રાફી, અલ્ટ્રાસાઉન્ડ મશીનો સીલ
અમદાવાદ કલેકટર પ્રવિણા ડી.કે અને જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ આ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ડૉ. નિકુંજ શાહ અને ડૉ. મીનાક્ષી શાહ છેલ્લા ઘણા સમયથી ગાયનેકોલોજિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરે છે. ડૉ. નિકુંજ તથા ડૉ. મીનાક્ષી દંપત્તિ હોવાની સાથે સાથે બોડકદેવ વિસ્તાર તથા સોલા રોડ પર પોતાના પ્રાઇવેટ ક્લિનિકસ્ પણ ધરાવે છે. તેમજ ડૉ. નિકુંજ શાહ અને ડૉ. મીનાક્ષી શાહ રૂપિયા 25000ની રકમ લઇને દર્દીને લિંગ આધારિત ગર્ભ પરીક્ષણ કરી આપતા હતાં.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. શૈલેષ પરમારએ તેમની ટીમ સાથે બોડકદેવ વિસ્તારની વાત્સલ્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તથા સોલા રોડ પર આવેલી મધર્સ પ્રાઈડ હોસ્પિટલમાં જઈને તપાસ કરી હતીસ જ્યાં ડૉ. નિકુંજ શાહ તથા ડૉ. મીનાક્ષીએ પોતાનો ગુનો સ્વીકાર્યો હતો કે તેઓ પેશન્ટને ગર્ભ પરીક્ષણ કરી આપતા હોવાનું કબૂલ્યું હતું. આ કાર્યવાહી બાદ જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરી દ્વારા ઉપરોક્ત બંને હોસ્પિટલમાં પંચનામું કર્યા બાદ બંને હોસ્પિટલોમાંથી એક-એક સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યા છે, તથા હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ પણ કબજે કરવામાં આવ્યા છે. ડૉ નિકુંજ તથા ડૉ. મીનાક્ષીને ઉપરોક્ત કાર્યવાહી બાદ આ દંપત્તિ ઉપર ફોજદારી કાર્યવાહી અંતર્ગત આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.