આપણો દેશ વર્ષ 2024ની જાન્યુઆરી માસના પ્રથમ મહિને બે મોટા મહોત્સવો ઉજવવા જઇ રહેલ છે, જેની અસર પૂરા વિશ્વમાં થવાની છેઆગામી 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યાના રામમંદિરનો ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ દેશના અણથક અને કર્મઠ, વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના શુભ હસ્તે થવાનો છે જેની દેશ અને વિશ્વ વર્ષોથી પ્રતીક્ષામાં હતો જે એક મોટો અને નોંધપાત્ર ધાર્મિક ઉત્સવ બની રહેવાનો છે અને આગામી 26મી જાન્યુઆરીનો દેશનો 75મો ગણતંત્ર દિન ઉજવનાર છે. જેમાં મુખ્ય અતિથિ તરીકે ફ્રાન્સના પ્રભાવી પ્રમુખ શ્રી ઇમેન્યુઅલ મેક્રો મુખ્ય મહેમાન બનનાર છે જે પણ એક રાષ્ટ્રીય મહોત્સવ બનવાનો છે.
દેશમાં આમ એક ધાર્મિક અને એક રાષ્ટ્રીય મહોત્સવ માત્ર ચાર દિવસના ટૂંકા ગાળામાં ઉજવાનાર છે ત્યારે દેશના આબાલવૃદ્ધ સર્વે દેશવાસીઓ જ્ઞાતિ, જાતિ, સંપ્રદાય અને ધર્મના ભેદભાવ વગર ઉજવે તે દેશ અને સમાજ માટે આવેલી સોનેરી તક છે જે ચૂકવા જેવી નથી. આ બંને તહેવારોની પૂરા દેશ દ્વારા થનાર ભવ્ય ઉજવણી પાકિસ્તાન, ચીન સહિતના વિશ્વના દેશો માટે નોંધપાત્ર બની રહેનાર છે જે દેશની સાચા અર્થમાં એકતા સાબિત કરનાર બની રહેવાની છે. અયોધ્યાના રામજન્મ સ્થાન મંદિરના પ્રાણપ્રતિષ્ઠાના નીચેના ઘટનાક્રમો નોંધપાત્ર બની રહેનાર છે. 1. પૂરા દેશમાં 1લી જાન્યુઆરીથી 15મી જાન્યુઆરી દરમ્યાન ભવ્ય પ્રોગ્રામો થનાર છે. પુરા દેશમાં 22મી જાન્યુઆરી પહેલાં પ્રત્યેક ગામમાં ઘરેઘરેથી અયોધ્યાથી પૂજન કરીને આવેલ અક્ષત (ચોખા) વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા પહોંચાડવામાં
આવનાર છે.
રામ મંદિર ગર્ભગૃહમાં સ્થાપિત થનારી પ્રતિમાની દસ કરોડ તસ્વીરો ઘેર ઘેર વહેંચાવાની છે. અયોધ્યામાં પાંચ લાખની ક્ષમતાવાળા ટેન્ટસીટી બનવાના છે. દેશના નામાંકિત સાધુ સંતો ઉપસ્થિત રહેવાના છે. માત્ર દેશના જ નહીં પણ સમગ્ર વિશ્વના પાંચ હજારથી વધુ કલાકારો માત્ર એક દિવસ નહીં પણ 365 દિવસ રામલીલાનું મેદાન કરનાર છે. આઠમી જાન્યુઆરીથી રથયાત્રા અમદાવાદથી પ્રસ્થાન કરીને 19મી જાન્યુઆરીએ અયોધ્યા પહોંચનાર છે. અયોધ્યા માટે 100 થી વધુ સ્પેશ્યલ ટ્રેનો દોડનાર છે.
શ્રી રામ ઇન્ટરનેશનલ એરપોર્ટ શરૂ થનાર છે. અયોધ્યાના ધાર્મિક ઉત્સવની જેમ દેશે આઘામી 26મી જાન્યુઆરીનો દેશનો 75મો ગણતંત્ર દિન ભવ્યાતિભવ્ય સર્વે નાગરિકો દ્વારા નોંધપાત્ર રીતે બની શકે તે રીતે ઉજવવાની સવિશેષ જરૂરી બને છે. આ ગણતંત્ર દિને શાસનકર્તાએ અને વિરોધપક્ષોએ સામુહિક રીતે વિવાદો કર્યા વગર ખેલદિલીથી ભેગા થઇને ઉજવણી કરીને દેશને એક નોંધપાત્ર સંદેશ આપવાની જરૂર છે.
અમદાવાદ – પ્રવીણ રાઠોડ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.