આણંદ : આણંદના અક્ષરફાર્મમાં ઉત્સવ ત્રિવેણી માટે તૈયાર કરવામાં આવેલા ખાસ સભામંડપ તેના ભવ્ય અને કલાત્મક સ્ટેજ ડેકોરેશન સાથે ઉત્સવ ત્રિવેણીને વધુ ભવ્ય અને દિવ્ય બનાવવા સજ્જ થયો હતો. સાંજે ધૂન, કીર્તન અને સ્તુતિથી સભા કાર્યક્રમની શરૂઆત થયા બાદ પૂજ્ય વેદમનન સ્વામીએ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના વિશ્વવ્યાપી કાર્યને પ્રવચન દ્વારા પ્રસ્તુત કર્યું હતું. વૈશ્વિકસ્તરે અનેક મહાનુભાવોને સ્વામીના દિવ્ય જીવન અને કાર્યની અનુભૂતિ થઈ છે જે વિડિયોના માધ્યમ દ્વારા સ્ક્રીન પર રજૂ થઈ હતી.
ભાદરવા વદ નોમના દિવસે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજનો 90મો પ્રાગટ્ય દિન હોઈ જેની પૂર્વ સંધ્યાએ સ્વામીના અનંત ગુણો પૈકી તેઓમાં ભક્તવત્સલતા, અહંશૂન્યતા, કરુણા અને તેઓની ઠાકોરજી પ્રત્યેની પરાભક્તિના અનેક પ્રસંગોને દોહરાવતા સંવાદ, વિડીયો અને પ્રવચનો મંચ ઉપરથી રજૂ થયા હતા. આ પ્રસંગે સાળંગપુરથી ખાસ આ પ્રસંગે ઉપસ્થિત પૂજ્ય આત્મતૃપ્ત સ્વામીએ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની અહંમશૂન્યતા ભગવાન પ્રત્યેની પરાભક્તિ વિષયક વક્તવ્ય રજૂ કર્યું હતુ. આજે 90 વર્ષની ઉંમરે પણ અનેક વ્યસ્તતા વચ્ચે ઠાકોરજીનુ અનુસંધાન, ભગવાનની ભક્તિમાં તેઓ અહોનિશ રહે છે. યુવા વૃંદ દ્વારા “કરુણા અપરંપાર” સંવાદ રજૂ થયો હતો અને ગાના બાળ – યુવા વૃંદે નૃત્યાંજલી દ્વારા ભાવ વંદના કરી હતી.
અંદાજીત બાર હજાર કરતાં વધુ સંખ્યામાં ઉપસ્થિત હરિભક્તો માટે ચાર હજાર લિટર દૂધપાક માટે સંતો અને સ્વયંસેવકો સેવામાં તત્પર થયા હતા. આ પ્રસંગે કોઠારી પૂજ્ય ભગવતચરણ સ્વામીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. અંતમાં મંત્રપુષ્પાંજલી અને આરતી દ્વારા સભા સમાપન થઈ હતી. સૌ હરિભક્તો ભાવિકો માટે વિશિષ્ટ દૂધપાકના પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે સાંસદ મિતેશભાઈ (બકાભાઈ), ગુજરાત વિધાન સભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, આણંદ જીલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ, આણંદના ધારાસભ્ય યોગેશભાઈ (બાપજી), સોજીત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ, એલીકોનના એમડી પ્રાયશ્વીનભાઈ, આણંદ નગર પાલિકા પ્રમુખ જીજ્ઞેશભાઈ વગેરે પધાર્યા હતા.