આખરે ફેનિલને ફાંસીની સજા થઈ. ફાંસીની સજા તો થવી જ જોઈતી હતી. જે રીતે ફેનિલે માસુમ ગ્રીષ્માનું ચપ્પુથી સરાજાહેર ગળું કાપી નાખ્યું હતું તે કોઈપણ રીતે માફ કરી શકાય તેવું નહોતું. વેબસિરીઝ અને ક્રાઈમ સિરિયલો જોઈને જે રીતે ફેનિલે ગ્રીષ્માની હત્યા કરી તે એક જઘન્ય કૃત્ય હતું. જેની ઉંમર ભણવાની હતી તે ફેનિલ આવી રીતે ગુનાખોરી કરે તે આંચકો આપનારી ઘટના હતી. પાટીદાર સમાજ એવો સમાજ છે કે જે સ્ત્રી સન્માનની ભાવના સમજે છે. પાટીદાર સમાજે મહિલાઓ માટે ઉત્થાનના અનેક કાર્યો કર્યા છે પરંતુ જે રીતે ફેનિલે ગ્રીષ્માની હત્યા કરી હતી તે સમાજ માટે પણ સ્તબ્ધ કરી દેનારી ઘટના હતી. ફેનિલને ફાંસી આપીને કોર્ટએ પોતાની જવાબદારી પુરી કરી છે પરંતુ ખરી જવાબદારી હવે સમાજની શરૂ થાય છે. એક ફેનિલને ફાંસીથી સ્થિતિ બદલાઈ જવાની નથી. સમાજમાં ફરી કોઈ ફેનિલ જેવો ગુનેગાર ઊભો નહીં થાય તેવી પરિસ્થિતિ સર્જવાની છે.
આ વાત એકમાત્ર પાટીદાર સમાજ નથી પરંતુ સમસ્યા દરેક સમાજમાં છે. મોબાઈલ અને તેમાં પણ સ્માર્ટ ફોનના યુગમાં ગુનાખોરી શીખવતી વેબસિરીઝ અને યુવાનો વચ્ચે કોઈ જ અડચણ રહ્યું નથી. પહેલાના સમયમાં બાળકને તેના માતા-પિતા દ્વારા જન્મથી જ સંસ્કારો આપવામાં આવતા હતા. હવે માતા-પિતા પાસે સમય નથી અને જે માતા-પિતા દ્વારા સંસ્કારો આપવામાં આવે છે તે સ્માર્ટ ફોન ધોઈ નાખે છે. પરિસ્થિતિ ત્યાંથી બગડી જાય છે. કોઈપણ ગુનેગાર જન્મથી ગુનેગાર હોતો નથી. સંજોગો અને આસપાસના વાતાવરણમાંથી શીખીને તે ગુનેગાર બને છે. ફેનિલ જ્યારે નાનો હશે ત્યારે ગુનેગાર નહીં હોય પરંતુ ખોટી સંગત અને સાથે સાથે ખોટી ફિલ્મ અને વેબસિરીઝ જોવાની આદતે તેને ગુનેગાર બનાવી દીધો હતો. એક તરફી પ્રેમ કે પછી કોઈ યુવતી પ્રત્યે આસક્તિ એ નવી ઘટના નથી. સદીઓથી આ બનતું આવ્યું છે પરંતુ જે રીતે ફેનિલે ગુનાખોરી આચરી તેણે સમાજને વિચારતો કરી દીધો છે.
એક સમયે સંયુક્ત કુટુંબમાં માતા-પિતાની વ્યસ્તતા હોય તો પણ બાળકોને પરિવારમાંથી સંસ્કારો મળી જતાં હતા. ત્યાં સુધી કે દાદા-દાદી પણ સંસ્કારોનું સિંચન કરતા હતા પરંતુ આજના વિભક્ત કુટુંબમાં આ શક્ય રહ્યું નથી. આજનો સમય એવો છે કે દરેક માતા-પિતાની એ મોટી ફરજ બની ગઈ છે કે તેમના સંતાનો શું કરી રહ્યા છે તેનું સતત ધ્યાન રાખે. તેના મિત્રવર્તુળમાં કોણ છે અને કોની સાથે તેની ઉઠક-બેઠક છે તેનો પણ ખ્યાલ રાખે.
સ્કૂલ કે કોલેજમાં નિયત સમય પ્રમાણે હાજરી આપે છે કે કેમ?થી માંડીને મોબાઈલનો ઉપયોગ શેના માટે કરે છે? તે પણ જોવામાં આવે. અનેક સંતાનો એવા છે કે જે પોતાના મોબાઈલમાં મારેલા લોકનો પાસવર્ડ પોતાના માતા-પિતાને આપવા માટે તૈયાર નથી. માતા-પિતાએ સંતાનોને સમજાવીને આનો પણ ઉકેલ લાવવો પડશે. માતા-પિતાની સાથે આખા સમાજે પણ આ માટે એક જાગૃતિ અભિયાન શરૂ કરવાની જરૂરીયાત છે. જ્યાં સુધી સમાજ જાગશે નહીં ત્યાં સુધી આવી ગુનાખોરી અટકશે નહીં.
દરેક સમાજે પોતાના યુવાનો અને યુવતીઓને કારકિર્દી તરફ વાળવાની જરૂરીયાત છે. અનેક સમાજ દ્વારા આ કાર્યો આરંભી પણ દેવામાં આવ્યા છે. ભણવા માટે આર્થિક સહાયની સાથે સાથે અનેક ઠેકાણે છાત્રાલયો પણ તૈયાર કરવામાં આવ્યા છે. સિવિલ સર્વિસિસની પરીક્ષાઓ આપવા માટે કોચિંગ ક્લાસો પણ સમાજ દ્વારા શરૂ કરવામાં આવ્યા છે. આ જાગૃતિ અભિયાનને એક જુવાળ બનાવવાની જરૂરીયાત છે. ફેનિલનો કેસ સમાજ માટે એક દાખલારૂપ છે અને તેમાંથી દરેક સમાજ બોધપાઠ નહીં લે તો આવી રીતે નિર્દોષ ગ્રીષ્મા ગુનાખોરીના ખપ્પરમાં હોમાતી રહેશે તે નક્કી છે.