SURAT

ગ્રીષ્મા વેકરિયાની હત્યા કરનાર ફેનિલને જેલમાં બિલાડી બચકું ભરી ગઈ

સુરત: ગ્રીષ્મા વેકરિયા હત્યાકાંડના આરોપી ફેનિલ ગોયાણી, જે હાલ લાજપોર જેલમાં બંધ છે, તેને બિલાડીએ બચકું ભર્યું હોવાની ઘટના સામે આવી છે. તેને ઈજા થતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં તેને એન્ટી-રેબીઝ વેક્સિન (ARV) અને ધનુરનું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. સારવાર બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

  • મૃત્યુદંડના કેદીને સિવિલમાં સારવાર માટે લવાયો, હજુ ત્રણ દિવસ રસી મૂકાવવા લવાશે

પોલીસ સૂત્રો અનુસાર, ફેનિલ ગોયાણીને રસીકરણના નિયત સમયપત્રક મુજબ આગામી સારવાર માટે હોસ્પિટલમાં પાછા આવવું પડશે. આ ઘટના બાદ જેલ અને હોસ્પિટલ વચ્ચે ફેનિલના સ્થાનાંતરણ દરમિયાન પોલીસ બંદોબસ્ત વચ્ચે તેને લાવવામાં આવ્યો હતો, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. વધુમાં જેલર જે.એન. દેસાઈએ જણાવ્યું હતું કે, ફેનિલને હાથના ભાગે બિલાડીએ બચકું ભર્યું હતું, જેથી તેને રેબિઝની સારવાર માટે હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ફેનિલ ગોયાણીએ 12 ફેબ્રુઆરી 2022ના રોજ સુરતના કામરેજ વિસ્તારમાં ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં ગળું કાપીને હત્યા કરી હતી. આ ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી હતી. સુરતની સેશન્સ કોર્ટે આ કેસને ‘રેરેસ્ટ ઓફ રેર’ ગણાવીને ફેનિલને મૃત્યુદંડની સજા ફટકારી છે. હાલ તે આ સજા સામે અપીલ કરી રહ્યો છે અને લાજપોર જેલમાં કેદ છે. આ ઘટના બાદ ફેનિલને હોસ્પિટલમાં ખસેડવાની ઘટનાએ ફરી એકવાર આ કેસને ચર્ચામાં લાવ્યો છે.

આગામી અંદાજિત આ તારીખે ફેનિલને રસી માટે હોસ્પિટલ લવાશે

ડે 3: બીજો ડોઝ (24 જુલાઈ)
ડે 7: ત્રીજો ડોઝ (28 જુલાઈ)
ડે 28: ચોથો ડોઝ (18 ઓગસ્ટ)

Most Popular

To Top