સ્ત્રીસમાજ દ્વારા સ્ત્રીશોષણ અને પોષણ

એ વાતની ના પાડી શકાય એમ નથી કે આપણી સંસ્કૃતિમાં સ્ત્રીઓને વિશેષ સ્થાન મળ્યું છે. ઈતિહાસનાં પાનાં પલટાવશો તો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈથી લઈને અહલ્યાબાઈ સુધી અને દ્રૌપદીથી લઈને સીતા સુધીની સ્ત્રીઓને હર યુગમાં સન્માન મળ્યું છે. આજે પણ દેવીઓ ગણી તેમને પૂજવામાં આવે છે. આઝાદીનાં 75 વર્ષ પૂર્વે સમાજમાં સ્ત્રીઓનું જે શોષણ થતું હતું તેટલું આજે રહ્યું નથી. આજે સ્ત્રીને સ્મશાને જઈને અગ્નિસંસ્કાર કરવાનો અધિકાર પણ સમાજે આપ્યો છે. પહેલાં સ્ત્રી માત્ર ચૂલોચોકડી સંભાળીને બેસી રહેતી હતી. તે હવે ઓફિસ પણ સંભાળે છે અને પાયલટ બનીને એરોપ્લેન પણ ઉડાડે છે. ચંદ્ર પર પણ એ ફરી આવી છે. સ્ત્રીઓનો આટલો વિકાસ મફતમાં થયો નથી. સ્ત્રીએ વખતોવખત પોતાનું સર્વોત્તમ અર્પિત કરીને એ સિદ્ધિ હાંસલ કરી છે. સમાજને તેણે મૂક મેસેજ આપ્યો છે કે જુઓ, તમે માનો છો તેવા અમે અબળા નથી. ‘સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ’ એ કહેવતને મર્યાને વર્ષો વિતી ગયાં. હવે તો સ્ત્રી સંસારની ફૂલદાની એમ કહેવાય છે. આજે જોવા મળે છે કે પુત્ર કદીક કુપુત્ર બની માબાપને ઘરડાઘરમાં મૂકી આવે છે પણ દીકરી તો પરણીને માબાપથી દૂર ગઈ હોય તો પણ માવતરની સંભાળ રાખે છે.

1765 માં વિલિયમ બ્લેકસ્ટોન નામના એક અમેરિકન ચિંતકે કહેલું: ‘સ્ત્રી પોતે જ પોતાની જાતને પતિના અસ્તિત્વ સાથે એકરૂપ કરી દઈને એવી સ્થિતિ ઊભી કરે છે કે લગ્ન પછી સ્ત્રીનું સત્ત્વ અને કાનૂની અસ્તિત્વ ખતમ થઈ જાય છે. આપણે જોઈએ છીએ કે પરણ્યા બાદ સ્ત્રીને નવો અવતાર મળે છે. તેનાં સગાંસબંધીઓ બદલાય જાય છે. ટ્રેન આગળ વધે અને પ્લેટફોર્મ પાછળ રહી જાય તેમ સ્ત્રી પિયર છોડીને સાસરાના અંતિમ મુકામે પહોંચે છે. સાસરું સ્ત્રીનું છેલ્લું સ્ટેશન ગણાય છે. પછી સ્મશાન સુધી બીજું કોઈ સ્ટેશન આવતું નથી. હવે સામાજિક માળખામાં ધરખમ ફેરફારો થયા હોવાથી સ્ત્રીનું એક નવું જ સ્વરૂપ સમાજ સમક્ષ ઉભર્યું છે. એક ફિલ્મમાં ન્યાયાધીશ બનેલા ધ્રીમાન ચેટરજી કહે છે: ‘અ બિગીનિંગ હેઝ બીન મેઈડ..!’ (એક સારી શરૂઆત થઈ રહી છે) હવે તો મૈત્રીકરાર, લીવ ઈન રિલેશનશિપ જેવા વિવિધ તબક્કાઓમાંથી પાસ થઈને લગ્નપ્રથા એવા મોડ પર આવીને ઊભી છે કે સમાજને ચિંતા થઈ રહી છે કે સ્ત્રીપુરુષોના સંબંધો આગળ જતાં કેવા વળાંકો લેશે?

1974 માં રાજેશ ખન્નાની ‘પ્રેમનગર’ નામની એક બહુચર્ચિત ફિલ્મ આવી હતી. તેના એક સંવાદ પર સમાજમાં થોડો ગણગણાટ થયો હતો. એ ફિલ્મમાં સ્ત્રીને કેવળ ઉપભોગનું પાત્ર ગણવામાં આવ્યું છે. એમાં (કલાકાર કરણસિંહ) એક જગ્યાએ કહે છે: ‘લડકી ‘ના’ કહે તો ઉસે છૂના નહીં.. ઔર ‘હા’ કહે તો ઉસે છોડના નહીં..!’ એવી જ એક બીજી ફિલ્મ આવી હતી: ‘પિંક’. એમાં અમિતાભ બચ્ચન ભારતીય સમાજ માટે મૌલિક વિચાર આપે છે. તે કહે છે: ‘સ્ત્રી જ્યારે ‘ના’ કહે ત્યારે તેનો બીજો કોઈ ગુહ્યાર્થ નીકળતો નથી. ‘ના’નો મતલબ ‘ના’ જ થાય છે. ભલે પછી તે તમારી પત્ની હોય, ગર્લફ્રેન્ડ હોય કે રૂપજીવિની હોય..‘પિંક’ ફિલ્મને તેના એવા મૌલિક સંદેશને કારણે જ સમાજના બૌદ્ધિકોનું સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું. ભારતીય સમાજમાં નારી વિકાસ કે સ્ત્રીસુધારણા સંદર્ભે જે વૈચારિક મંથન ચાલે છે તેનું એ પ્રતિબિંબ છે.

સત્ય એ છે કે શું સારું અને શું ખરાબ તે આપણો સમાજ સદીઓ જૂની પૌરાણિક નીતિઓ પરથી નક્કી કરે છે પણ સમાજ જે માપદંડ વાપરે છે તે કેટલો સાચો કે ખોટો છે તે પ્રશ્ન ય અંતે તો ઊભો જ રહે છે. જેમ કે પુરુષ પ્રધાન સમાજે નક્કી કર્યું છે કે કુંવારી છોકરીએ પુરુષમિત્ર ન રાખવા. કોઈ પરાયા માણસ સાથે હસીને વાત ન કરવી. સ્ત્રીએ જીન્સ ન પહેરવું. સ્ત્રીઓએ પુરુષો સાથે મૈત્રી ન રાખવી વગેરે વગેરે.. આવા અનેક પુરુષ રચિત સુધારાઓ પુરુષોએ રચ્યા છે અને સ્ત્રીઓ તેને પાળે છે ય ખરી. જો કે ન્યાય ખાતર એટલું કહેવું રહ્યું કે એમાંના બધા નહીં પણ કેટલાક સુધારાઓ કેવળ સ્ત્રીઓ માટે જ નહીં, આખા સમાજના ભલા માટે છે. જેમ કે પુરુષ દારૂ પીને આખી રાત ગટરમાં પડી રહે તો તેને વાંધો આવતો નથી પણ સ્ત્રી પીને રાત્રે ગટરમાં પડી રહે તો તેની શી દશા થાય??

ધૂપછાંવ
પ્રસિદ્ધ મોડેલ અને નૃત્યાંગના 1974 માં જુહુ બીચ પર સાવ નગ્ન હાલતમાં દોડી હતી ત્યારે સમાજમાં સનસનાટી મચી ગઈ હતી. તેણે ખુલાસો કરતા કહેલું કે, ‘એ રીતે હું સમાજના વાસનાભૂખ્યા માણસોને કહેવા માગતી હતી કે જુઓ સ્ત્રીના દેહમાં એવું કશું જ વિશેષ નથી જેને માટે તમારે નિર્લજ્જ બની લોલુપ નજરે તાકી રહેવું પડે…!’

Most Popular

To Top