Vadodara

કંપનીની સીડી પરથી પડી જતાં 33 વર્ષીય યુવાનનું મોત

હાલોલ: હાલોલ તાલુકા ના ઉજેતી ગામે આવેલ સનફાર્મા મેડીકેર લિમિટેડ કંપનીમાં કામ કરતા 33 વર્ષીય યુવાન વર્કરનું કંપનીની સીડીના પગથિયા પરથી પડી જતા માથામાં ગંભીર ઈજા પહોંચતા કમકમાટીભર્યુ મોત નિપજયુ હતું જેમાં બનાવવા અંગે હાલોલ રૂરલ પોલીસે એડી નોધી વધુ તપાસ હાથ ધરી છે પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ નગરના ઉલ્લાસ નગર સોસાયટીમાં રહેતા અને મૂળ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના વાસીયા ગામે રહેતા જયેશભાઈ લીમસિંગભાઈ બીલવાળા ઉં.વર્ષ. 33 હાલોલ તાલુકાના ઉજેતી  ગામે આવેલ સનફાર્મા મેડીકેર લિમિટેડ કંપનીમાં વર્કર તરીકે નોકરી કરતા હતા જેમાં બુધવારના રોજ તેઓ નિત્યક્રમ મુજબ કંપનીમાં કામ પર ગયા હતા જ્યાં સવારે પોણા આઠ વાગ્યાના સુમારે તેઓ કંપનીના પહેલા માળેથી સીડીના પગથીયા ઉતરી રહ્યા હતા તે દરમ્યાન અચાનક જ તેઓનો પગ લપસતા તેઓ પગથિયા પર જઈ જોરદાર રીતે પટકાઈ જવા પામ્યા હતા.

જેમાં તેઓ પગથિયા પરથી પડી જતાં તેઓના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી જેમાં તેઓને તાત્કાલિક કંપનીની એમ્બ્યુલન્સ મારફતે સારવાર  માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જોકે સારવાર દરમિયાન  રેફરલ હોસ્પિટલ ખાતે લઇ આવતી વખતે જ રસ્તા મા તેઓનું માથામાં ગંભીર ઇજાના કારણે કમકમાટીભર્યું મોત નીપજયું હતું જેમાં તેઓને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લાવતા હાલોલ રેફરલ હોસ્પિટલના ફરજ પરના તબીબોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા બનાવ અંગે હાલોલ રૂરલ પોલીસ મથકે જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરાવી પોલીસે બનાવ અંગે એડી નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

સનફાર્મા કંપનીમાં ૩૩ વર્ષીય વર્કર જયેશભાઇનું સીડી ના પગથીયા પરથી પડી જતા અકાળે મોત નિપજતા તેઓના પત્ની નર્મદાબેન અને  પરિવારજનો સહિત ઓળખિતા ઈસમો  હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા જેમાં કંપનીના સંચાલકો પણ રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હોઇ તેઓના પત્ની નર્મદાબેને તેઓના પતિનું કંપનીમાં ફરજ દરમિયાન મોત થઈ હોવાને લઈને કંપનીના સંચાલકો પાસે તેના પતિના મોત અંગે નું વળતર મેળવવા અંગેની માંગણી કરી હતી જો કે કંપનીના સંચાલકોએ વળતરની બાબતને લઈ અસંમજમાં હોઈ તાત્કાલિક કોઈ યોગ્ય પ્રત્યુત્તર ન આપતા અને આ બાબતે કંપનીના અધિકારીઓ  સાથે સલાહ મસલત કરી આગળની કાર્યવાહી હાથ ધરાશે તેવું જણાવતા એક તબક્કા માટે પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો.

અને મૃતક જયેશભાઇના  મૃતદેહને સ્વીકારવાનો ઈનકાર કરી કંપની દ્વારા પહેલા વળતર અંગેની યોગ્ય બાંહેધરી આપવામાં આવે તેવી માગણી કરી ઊહાપોહ મચાવતા હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ઉત્તેજનાસભર દ્રશ્યો સર્જાયા હતા જેમાં બનાવ અંગેની જાણ થતાં હાલોલ રૂરલ પોલીસ મથકના પી.આઇ એ.એન.તાવિયાડ રેફરલ હોસ્પિટલ ખાતે આવ્યા હતા અને તેઓએ પરિવારજનોને સાંત્વના પાઠવી શાંતિ જાળવવા અપીલ કરી મૃતક કંપનીમાં મૃત્યુ પામેલ હોય સરકાર દ્વારા નક્કી કરાયેલા ધારાધોરણ મુજબનું ચોક્કસ વળતર મળશે તેવી બાહેધરી આપી મધ્યસ્થી કરતા અને કંપનીના સંચાલકોને પણ આ બાબતે વહેલી તકે યોગ્ય નિર્ણય લઇ મૃતક નામ પત્નીને યોગ્ય વળતર આપવાની સમજાવટ કરતા મામલો થાળે પડયો હતો અને પરિવારજનોએ મૃતદેહ સ્વીકારી મૃતક જયેશભાઈ ના મૃતદેહઅંતિમ વિધિ કરવાની કામગીરી હાથ ધરી હતી

Most Popular

To Top