તા.૨૨ જૂન ૨૦૨૨ ના ‘ગુજરાતમિત્ર’ માં ‘ માન્યતા નહીં, અનુભૂતિનો વિષય છે ઇશ્વર ‘ શીર્ષક હેઠળનું ચર્ચાપત્ર વાંચ્યું. તદ્દન સાચી વાત કારણકે ઇશ્વર એક કલ્પના છે અને તમારે ઈશ્વરનું અસ્તિત્વ સ્વીકારવું હોય તો તેની અનુભૂતિ કરવી પડે, તેને બદલે લોકો ખોટાં કામ કરીને (અપવાદો સિવાય) મૂર્તિમાં ઈશ્વરને શોધવા જાય છે. મૂળે મૂર્તિપૂજા એ સમય, શકિત અને નાણાંનો દુરુપયોગ છે. જે વ્યકિત તેની નિજી જિંદગીમાં નીતિ, પ્રામાણિકતા અને શિસ્તનું આચરણ કરતો હોય અને તેનાથી જે સંતોષનો અનુભવ થાય તે અનુભવની અનુભૂતિ જ ઇશ્વર છે.
બાકી ઇશ્વર છે એવું માનવું એ એક ભ્રમણાથી વિશેષ કંઈ જ નથી. ઈશ્વરનું હોવું એ એક કલ્પના માત્ર છે. આ લખનાર અગાઉ પણ લખી ચૂક્યો છે કે આપણા દેશમાં અસંખ્ય, અરે, કહો કે લાખોની સંખ્યામાં મંદિરોનું અસ્તિત્વ તથા અન્ય ધર્મસ્થાનો પાછળ પ્રજા પોતાનાં કિંમતી સમય, શક્તિ અને નાણાં બગાડે છે તેને લીધે દેશ પ્રગતિ કરતો હોવા છતાં પાછળ અને પાછળ રહી જાય છે તે એક નરી વાસ્તવિકતા છે.
સુરત – સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.