ગુજરાત (Gujarat) સહિત સુરતની (Surat) નવ સ્કૂલ્સ માટે આજે ફી રેગ્યુલેટરી કમિટીએ ફી ઘટાડો કરતું માળખું જાહેર કરતાં વાલીઓને હાશકારો થશે. પરંતુ આ ફી (Fee) તેમને મળશે કે આગળના ધોરણમાં સરભર થશે તે જોવું રહ્યું. ગુજરાત સરકાર દ્વારા ઘડી નાંખવામાં આવેલા ફી અધિનિયમ હેઠળ ઝોનની ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા દક્ષિણ ગુજરાતમાં સુરત સહિતની ૯ જેટલી શાળાનું (School) ગયા શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦નું ફાઇનલ ફી માળખું જાહેર કરાયું છે. જેમાં ફાઇનલ ફી માળખામાં અડાજણની એલ.પી.સવાણી જુનિયર સ્કૂલની ૭૫૯૦૦ની ફી માંગણી સામે કમિટી દ્વારા ૪૦૧૯૦ રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે.
આ ઉપરાંત શહેરની અન્ય શાળાઓના પણ જાહેર કરાયેલા ફી માળખામાં સરેરાશ 20થી 30 ટકા સુધીનો ઘટાડો જાહેર કરાતાં વાલીઓને રાહત મળી છે. કોરોનાના કહેરને કારણે વિતેલા દસ મહિનાથી શાળાઓ બંધ હોવા છતાં ઠેર ઠેર શાળા સંચાલકો અને વાલીઓ વચ્ચે રકઝક દેખાવો અને ભારે વિરોધની સ્થિતિ જોવા મળી હતી. આ સ્થિતિ વચ્ચે આજે ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા ફાઇનલ ફી માળખા સાથે કુલ ૩૮મો રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો છે.
કમિટી દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલા ૩૮મા રાઉન્ડમાં શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦ માટે સુરતની કુલ ૬ સહિત કુલ ૯ શાળાનું ફાઇનલ માળખું જાહેર કરી દેવામાં આવ્યું છે. કમિટી દ્વારા જાહેર કરવામાં આવેલા ફી માળખામાં જોવા જઇએ તો એલ.પી.સવાણી જુનિયર સ્કૂલ ભાઠા બ્રાંચ દ્વારા સીબીએસઇ માધ્યમની મહત્તમ ૭૫૯૦૦ રૂપિયાની ફી માંગણી કરવામાં આવી હતી. જેની સામે ૪૦૧૯૦ રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે.
એ જ રીતે એલ.પી.સવાણી પાલનપોરની મહત્તમ ૩૧૨૦૦ની ફી માંગણી સામે ૧૭૬૬૦ રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત શ્રીકાર વિદ્યાસંકુલની મહત્તમ ૧૮૦૦૦, કોસાડની હરેકૃષ્ણા સ્કૂલની મહત્તમ ૧૮૦૦૦ તેમજ લંબે હનુમાન રોડની એપેક્ષ સ્કૂલની મહત્તમ ફી ૧૮૦૦૦ રૂપિયા નક્કી કરવામાં આવી છે. કમિટી દ્વારા જાહેર કરાયેલા ફી માળકામાં મહત્તમ ૩૫ હજારથી ૬૪૦૦ રૂપિયા સુધીનો ફી ઘટાડો કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત વલસાડની બે શાળા, ભરૂચ, નવસારી અને તાપી જિલ્લાની એક-એક શાળાની ફી જાહેર કરવામાં આવી છે. કમિટી દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦નું ફી માળખું જાહેર કરાયું હોવાથી સંચાલકોએ વાલીઓને ફી રિફંડ લેવા પણ નવી કસરત કરવી પડે તેમ છે. કેમ કે, શાળા સંચાલકો પાસે હાલ રૂપિયા નથી. તેમને પગાર અને સ્કૂલ ખર્ચા માટે પણ સતત તકલીફો પડે છે. તે વચ્ચે આ ફી ઘટાડાથી દેખીતો કોઇ ફાયદો નહીં થશે.