Charchapatra

 ‘ગુજરાતમિત્ર’ વર્ષ ૨૦૨૫ ના કેલેન્ડરની વિશેષતા

 ‘ગુજરાતમિત્ર’ના કૅલેન્ડરમાં કેટલીક વિશેષતાઓ ઊડીને આંખે વળગે  છે.જેની નોંધ અચૂકપણે લેવી પડે તેમ છે.જેમકે  જમણી બાજુએ મુખ્ય કાર્યાલયની  વિસ્તરિત વિગતો છે. વળી વાર  અને તારીખમાં તિથિઓ  શુભ, અશુભ  તેમજ સામાન્ય દિવસ અલગ ચિહ્ન વડે દર્શાવેલ છે. વિવિધ ધર્મો અનુરૂપ વિગતો દરેક દિવસના ખાનામાં છાપેલ છે. ખાસ તહેવાર અને તિથિઓ  અલગ ખાનામાં રંગ કરી બતાવી છે.

દરેક તારીખ સામે નોંધ કરવા માટેની ખાલી જગ્યા,દિવસ રાત્રિનાં ચોઘડિયાં તો છે સાથે પોલીસ કમિશનરશ્રી ના ફોટા સાથે દરેક મહિનામાં ટ્રાફિફ નિયમનનાં સૂત્રો ફોટા સહિત બતાવેલ છે. આ બધી વિશેષતાઓને લીધે ‘ગુજરાતમિત્ર’નું કૅલેન્ડર અલગ તરી આવે છે. સતત સુધારો કરવાની પહેલનું સાક્ષી અને નવા વર્ષની શુભેચ્છાનું પ્રતીક છે. ‘ગુજરાતમિત્ર’નું ૨૦૨૫ નું કૅલેન્ડર અને એટલે જ ગુજરાતનાં પરિવારોની પ્રત્યેક પરોઢનું અંગ બની ‘ગુજરાતમિત્ર’ સમાચાર પત્રક દોઢ સદીઓ પાર  કરી ચૂક્યું છે.
સુરત     – સીમા પરીખ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સામયિકો અંગે વ્યથા
તા. 27 ડિસેમ્બરે  અધ્યાપક ડૉ. ઈન્તેખાબ અન્સારીનું ચર્ચાપત્ર વાંચ્યું. એમની વ્યથા યથાયોગ્ય છે. મારે ત્યાં પણ ‘અભિદ્રષ્ટિ’ આવ્યું અને તેના બંધ થવા વિશે જાણ્યું તો બહુ દુઃખ થયું. ઉચ્ચ શિક્ષણની સમસ્યાઓ અંગે વાચા આપતું આ સામયિક જરૂરી છે. ‘પાટલીની પેલે પાર’ કૉલમમાં રિમ્મી વાઘેલા વિદ્યાર્થીઓની વિટંબણા અંગે પણ લખતાં. એક સમયે સારી પૃષ્ઠસંખ્યા ધરાવતું આ સામયિક અંતે માંડ ચોવીસ પાનામાં સમેટાઈ જતું જોયું. આની પાછળ અધ્યાપકોની ઉદાસીનતા પણ જવાબદાર છે.વધુ શું કહેવું? ‘નવનીત’ ‘સમર્પણ’ જેવું સામયિક પણ ભારે ખોટમાંથી પસાર થઈ રહ્યું છે. ‘નવચેતન’, ‘કુમાર્રનું પણ એમ જ. વળી પોસ્ટખાતું તદ્દન ખલાસ થઈ જવાને કારણે સામયિકો સમયસર મળતાં નથી એ પણ એક મહત્ત્વનું કારણ છે. સરવાળે વાત એમ છે કે બધી બાદબાકી જ છે!
સુરત     – સંધ્યા ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top